
અમદાવાદમાં યોજાયેલી B2B બેઠકથી સહયોગનો માર્ગ મોકળો, ભાગીદારી માટે બેઠકોની શ્રેણી યોજાશે
અમદાવાદ, ગુજરાત | ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૬ | દશેરા અને દીપાવલીની રજાઓ સાથે દેશના મુખ્ય પ્રવાસન સીઝનની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે કેરળ ટૂરિઝમે ઉત્તર ભારતનાં વિવિધ રાજ્યોમાં ભાગીદારી બેઠકો અને રોડશોનું આયોજન કરીને વ્યાપક પ્રી-સીઝન અભિયાન શરૂ કર્યું છે.
આ ભાગીદારી બેઠકો દરમિયાન આકર્ષક ટૂર પેકેજોની રજૂઆત સાથે અનુભૂતિસભર પ્રવાસન માટેના અગ્રણી સ્થળ તરીકે કેરળના થઈ રહેલા ઉદયને ઉજાગર કરવામાં આવશે.
પ્રવાસન ક્ષેત્રે પહોંચ વધારવાની પહેલરૂપે કેરળ ટૂરિઝમે ગુજરાતના અમદાવાદમાં પ્રી-સીઝન ટૂરિઝમ B2B પાર્ટનરશિપ મીટનું આયોજન કર્યું હતું. આ બેઠક દરમિયાન કેરળને આકર્ષક રજાગાળાના પ્રવાસન સ્થળ તરીકે રજૂ કરતાં તેની વિશિષ્ટતાઓ તેમજ પ્રવાસીઓને યાદગાર અને સર્વાંગી પ્રવાસન અનુભવો પૂરા પાડતી વિવિધ વિશેષતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
અમદાવાદમાં યોજાયેલી આ B2B બેઠકમાં કેરળના પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા આશરે 50 હિતધારકોએ અમદાવાદના ટ્રાવેલ ટ્રેડ પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. બેઠક દરમિયાન પ્રવાસીઓ માટે આકર્ષક ઓફર્સ તેમજ વિવિધ હોલિડે પેકેજોની રજૂઆત કરવામાં આવી હતી.
આ પેકેજોમાં કેરળને એવા સર્વાંગી પ્રવાસન સ્થળ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, જ્યાં પ્રવાસીઓ 6 રાત્રિના પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકારના પ્રવાસન અનુભવો માણી શકે છે. આ પ્રવાસમાં રમણીય દરિયાકિનારા, શાંત બેકવોટર્સ, મનમોહક હિલ સ્ટેશનો અને મંત્રમુગ્ધ કરી દે તેવા જંગલોની મુલાકાત સાથે સમગ્ર રાજ્યની આગવી ઓળખ સમાન મનોહર પ્રાકૃતિક ધરોહરનો પણ આનંદ માણી શકાય છે.
પ્રવાસન ક્ષેત્રના તાજેતરના આંકડા અને પ્રવર્તમાન વલણો અનુસાર, કેરળમાં સમગ્ર વર્ષ દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (Q1) રાજ્યમાં સ્થાનિક પ્રવાસીઓના આગમનમાં વર્ષ 2025ના સમાન ગાળાની તુલનામાં 10.98 ટકાનો વધારો નોંધાયો છે.
પ્રવાસન મંત્રી શ્રી પી. સી. વિષ્ણુનાથએ જણાવ્યું હતું કે, આ પ્રચાર-પ્રસાર અભિયાનમાં કેરળને એક અગ્રણી ‘એક્સપિરિએન્શિયલ ટૂરિઝમ’ હબ તરીકે મજબૂતપણે સ્થાપિત કરવાની કેરળ ટૂરિઝમની વ્યૂહાત્મક પહેલ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ પહેલનો ઉદ્દેશ દેશ-વિદેશના પ્રવાસીઓના હોલિડે અનુભવને વધુ સમૃદ્ધ અને યાદગાર બનાવવાનો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રને ટૂંક સમયમાં ‘ઉદ્યોગ’નો દરજ્જો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે સંદર્ભમાં મંત્રીએ આ વાત જણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, પ્રવાસન ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો મળવાથી ક્ષેત્ર સાથે સંકળાયેલા હિતધારકોને તેમના ટૂર પેકેજોમાં નવા પ્રયોગો કરવા અને તેને વધુ આકર્ષક રીતે પુનઃવ્યાખ્યાયિત કરવાની વધુ વ્યાપક તક અને સવલત મળશે.
“આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાનની પ્રવાસન સીઝનમાં કેરળમાં સ્થાનિક પ્રવાસીઓના આગમનમાં નોંધપાત્ર વધારો કરવાનો છે. આ સમયગાળા દરમિયાન દશેરા અને દીપાવલીની રજાઓની શરૂઆત થાય છે. સંસ્કૃતિ, વારસો, ધાર્મિક અને આસ્થાનાં સ્થળો તથા શાંત અને રમણીય દરિયાકિનારાથી લઈને વન્યજીવનના આકર્ષણો અને સ્વાદિષ્ટ સ્થાનિક વાનગીઓ માટેનાં વિશિષ્ટ સ્થળો સુધી કેરળ મુલાકાતીઓને સંપૂર્ણપણે તરબોળ કરી દે તેવો અને કાયમ યાદ રહી જાય એવો પ્રવાસન અનુભવ પ્રદાન કરે છે,” તેમ શ્રી વિષ્ણુનાથે ઉમેર્યું હતું.
અમદાવાદમાં યોજાયેલી B2B બેઠકથી શરૂ થયેલી આ પહેલને આગળ વધારતાં ટ્રાવેલ ટ્રેડ સાથે જોડાયેલી નેટવર્કિંગ પ્રવૃત્તિઓની શ્રેણી યોજાશે. તેમાં ટ્રેડ ફેરમાં ભાગ લેવા ઉપરાંત B2B રોડ શોનું આયોજન પણ સામેલ છે, જેના માધ્યમથી કેરળના નવા પ્રવાસન ઉત્પાદનોને વધુ વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં આવશે. પ્રચાર-પ્રસારના આ અભિયાનના ભાગરૂપે ટીવી, સોશિયલ મીડિયા, પ્રિન્ટ અને રેડિયો જેવા વિવિધ મીડિયા પ્લેટફોર્મનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ ઉપરાંત, સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન વડોદરા, મુંબઈ, પુણે, દિલ્હી, જયપુર, સુરત અને નાગપુરમાં પણ B2B મીટ્સ યોજાશે.
કેરળને ‘ક્યારેય ચૂકી ન જવા જેવું’ પ્રવાસન સ્થળ તરીકે વૈશ્વિક સ્તરે મળી રહેલી પ્રશંસાની પૃષ્ઠભૂમિમાં આગામી પ્રચાર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. લંડન સ્થિત રફ ગાઇડ્સના તાજેતરના અહેવાલમાં કેરળને વર્ષ 2026માં મુલાકાત લેવા યોગ્ય વિશ્વના ટોચના 26 પ્રવાસન સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે. અહેવાલમાં ‘ગોડ્સ ઓન કન્ટ્રી’ તરીકે ઓળખાતું કેરળ વર્ષ 2026માં સૌથી વધુ પસંદગી પામનારા અને માગ ધરાવતા પ્રવાસન સ્થળોમાંનું એક હોવાનું પણ ઉલ્લેખાયું છે.
પ્રતિષ્ઠિત વૈશ્વિક ટ્રાવેલ ગાઇડ લોનલી પ્લેનેટે પોતાના ‘2026ના 25 શ્રેષ્ઠ પ્રવાસન અનુભવો’ અહેવાલમાં કેરળની સમૃદ્ધ રાંધણ સંસ્કૃતિને વર્ષ 2026માં માણી શકાય તેવા વિશ્વના 25 શ્રેષ્ઠ પ્રવાસન અનુભવોમાં સ્થાન આપ્યું છે. આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવનાર કેરળ એકમાત્ર ભારતીય રાજ્ય બન્યું છે.
ગુજરાતમાં યોજાઈ રહેલી B2B બેઠકોનું મહત્વ ગુજરાત અને કેરળ વચ્ચેની વધુ સુદૃઢ રેલ તથા હવાઈ કનેક્ટિવિટીને ધ્યાનમાં લેતાં વિશેષ વધી જાય છે. અમદાવાદ અને કેરળ વચ્ચે બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ, પુણે અને ચેન્નાઈ મારફતે આશરે 20 કનેક્ટિંગ ફ્લાઇટ્સ ઉપરાંત કેરળનાં કોચી, તિરુવનંતપુરમ, કોઝિકોડ અને કન્નુર સહિતનાં મુખ્ય એરપોર્ટ પરથી અમદાવાદ માટે સીધી ફ્લાઇટ્સ પણ ઉપલબ્ધ છે. આ સુગમ પરિવહન વ્યવસ્થાને કારણે પ્રવાસીઓ, બિઝનેસ ટ્રાવેલર્સ તેમજ અન્ય મુલાકાતીઓની અવરજવર વધુ સરળ અને સુવિધાજનક બની છે.
વધુમાં, 24થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર કેરળ ટ્રાવેલ માર્ટ (KTM 2026) ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને નવી દિલ્હીના ટ્રાવેલ તથા ટૂરિઝમ ટ્રેડ સાથે સંકળાયેલા સમુદાય માટે કેરળના નવા પ્રવાસન ઉત્પાદનો, સ્થળો અને અનુભવોને જાણવા-ઓળખવાની એક વિશાળ તક સાબિત થશે.
== સમાપ્ત ==
Aajna Samachar