રામનો રથ દિવ્ય, રાવણનો ભવ્ય અને આંતરિક રથ સેવ્ય રથ છે.

Spread the love

ધર્મરથને ચાર ઘોડા-બળ,વિવેક,દમ અને પરહિત જોડ્યા છે.

ઈષ્ટભજન આંતર રથનો સારથી છે.

બ્રાહ્મણ અને સદગુરુની પૂજા-અભેદ કવચ છે.

કથામાં રામ જન્મનું મંગલ ગાન થયું.

કેન્યાનાં કેરિચોમાં ચાલતી સંવાદ યાત્રાનો ગુરુવારે છઠ્ઠો દિવસ,બે વિશેષ મહાનુભાવો-અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત,સરળચિત દિલીપદાસજી બાપુ અને નિર્મોહી અખાડાના મંત્રી રાજેન્દ્રદાસ બાપુની ઉપસ્થિતિને પ્રણામ કરતાં બાપુએ કહ્યું કે માનસ રથયાત્રા લક્ષ્ય સુધી પહોંચે એની પહેલા જ ફળ મળી ગયું છે.

આંતરિક યાત્રાને સમજવા ત્રણ વસ્તુ સમજવી જોઈએ.લંકાના રણમેદાનમાં બે પ્રકારના રથ- રાવણનો રથ-જે ભવ્ય છે.રામ પૈદલ હતા, દેવતાઓએ,દેવરાજ ઇન્દ્રએ માતલી નામનાં સારથી સાથે રથ મોકલ્યો એ દિવ્ય રથ છે.આખો રથ તેજ પુંજથી ભરેલો છે.

તેજ પુંજ રથ દિવ્ય અનૂપા;

હરષિ ચઢે કૌશલપુર ભૂપા.

માનસમાં ૬૮ વખત રથ શબ્દ આવ્યા છે,જે ૬૮- તીરથ છે.ધર્મરથનું ૧૧-પંક્તિઓમાં વર્ણન છે.મનુ મહારાજે ૧૦-લક્ષણ કહેલા,તુલસી સવાયું બતાવે છે દેવતાઓનો રથ ઉપરથી,રાવણનો રથ પાતાળથી અને આ આંતરિક રથ ધરતી ઉપર છે.આ સેવ્ય રથ છે.સત્ય સીલ દ્રઢ ધજા પતાકા-અહીં બળ અને વિવેક વિશે કહ્યું છે.બળ આંતરિક છે,વિવેક પણ આંતરિક હોય છે.આ ધર્મરથને ચાર ઘોડા-બળ, વિવેક,દમ અને પરહિત જોડ્યા છે.ત્રણ બાગડોર દોરીઓથી એને પકડ્યા છે.પહેલા અને બીજા ઘોડા વચ્ચે એક,બીજા અને ત્રીજા વચ્ચે અને ત્રીજા અને ચોથા વચ્ચે એક દોરી બાંધી છે.

બળ અને વિવેકનાં ઘોડા વચ્ચે ક્ષમાની દોરી,વિવેક અને દમરૂપી ઘોડાની વચ્ચે કૃપાની દોરી,દમ અને પરહિતના ઘોડાઓ વચ્ચે સમતાની દોરી બાંધેલી છે. આ આંતરિક રથ છે એટલે ઈષ્ટભજન એનો સારથી છે.

બાપુએ કહ્યું કે સાધુઓ પર વારંવાર પ્રહાર થતો હોય છે.પ્રહાર કરનાર ચાર વસ્તુ પર પ્રહાર કરે છે: ધર્મ,અર્થ,કામ અને મોક્ષ.એના ધર્મ વિશે ટીકાઓ કરે એની પાસે કેટલો પૈસો,ખોટા આંકડાઓ વાયરલ કરે કામ એટલે કે ચરિત્રહનન,પરિવારનું અને વ્યક્તિનું ચરિત્ર હનન કરે અને મોક્ષ એટલે કે હત્યા સુધી પહોંચી જાય.સનાતન ધર્મની કેટલી સેવા કરી?એમ કરીને ધર્મ પર પ્રહાર કરે,સફળતા ના મળે તો અર્થ ઉપર,એમાં નિષ્ફળ જાય તો ચરિત્રહનન કરે,એમાં પણ સફળ ન જાય તો હત્યા સુધી જાય છે.પણ જેની પાસે ભજનરૂપી સારથી હશે અને વૈરાગ્યની ઢાલ,સંતોષની કટાર-કિરપાણ હશે અને દાનરૂપી પરશુ એટલે કે કુહાડો હશે એને વાંધો નહીં આવે. એટલે જ દાન સિઘ્ર કરી દેવું જોઈએ.શ્રેષ્ઠ વિજ્ઞાન એ કઠિન ધનુષ્ય છે.એનો મતલબ એ છે કે એ હિંસા નથી કરતું.બાણ ચડાવ્યા વગરનું ધનુષ છે.આંતરિક રથમાં બાણ કાઢવાની જરૂર પડતી નથી. સંયમ-નિયમ રાખવા જ પર્યાપ્ત છે,દેખાવવાની જરૂર નથી.નિર્મળ મન અને અચળ મન એ બાણ છે શૂરવીરના શરીર ઉપર કવચ ન હોય તો?અભેદ બખ્તર હોવું જોઈએ.બ્રાહ્મણ અને સદગુરુની પૂજા એ અભેદ કવચ છે.કવચ બ્રાહ્મણ છે,અભેદ શબ્દ સાધુ માટે ગુરુ માટે લખાયેલો છે.

રામનાં ત્રણ મિત્રો:સુગ્રીવ,વિભીષણ અને ગુહ,જેમાં સુગ્રીવ વિષયી,વિભિષણ સાધક અને ગુહ સિદ્ધ છે. પણ સૌથી મોટો બળવાન શત્રુ સંસાર છે એટલે રામ કહે છે હે મિત્ર! તું ધીરજ ધારણ કર.આ રથથી જ એના ઉપર જીત મેળવાશે.

વેદનો મંત્ર સમજવા માટે,ગહન અર્થો જાણવા માટે પાંચ સૂત્રો જરૂરી છે,જે શંકરાચાર્યજી કહે છે,જેમાં વેદોનો નિત્ય પાઠ(અહીં રામાયણ ગીતા કે હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ)કરો.પોતાના ગુરુની પાદુકાનું નિત્ય સેવન કરો,પ્રણામ કરો.સમજદાર સાથે ક્યારેય વાદવિવાદ ના કરો,રોજ ભિક્ષા ભાવથી ભોજન કરો અને એકાંતમાં રહેવાનું શીખો.

રામ જન્મનાં કારણો તથા સ્તુતિ,પુત્ર કામેષ્ટી યજ્ઞ બાદ અયોધ્યામાં રામ પ્રાગટ્યનું મંગલ ગાન થયું,ત્રિભુવનને એની વધાઇઓ અપાઇ.

વિશેષ:

વેદાન્તે પરમં ગુહ્યં પુરાકલ્પે પ્રચોદિતમ્

નાપ્રશાન્તાય દાતવ્યં નાપુત્રાયાશ્શ્યાય વા પુન:

-શ્વેતાશ્વતરોપનિષદ-અધ્યાય-૬,શ્લોક-૨૨

(ઉપનિષદો)માં આ સૌથી મોટું ને પરમ રહસ્ય બતાવેલું છે,આને પ્રાચિન કાળમાં પણ પરમ ગોપનીય જ્ઞાનનાં રૂપમાં કહેવાયેલું-આ અશાંત મન વાળા કે સંયમહીન વ્યકિતને ન આપવું,કે ન એવા પુત્ર કે શિષ્યને પણ દેવું,જે આને યોગ્ય-અનુશાષિત ન હોય.આત્મજ્ઞાન કે બ્રહ્મવિદ્યા કેવળ પાત્રતા ધરાવતા,શાંતચિત્ત વાળાને જ દેવી જોઇએ.

== સમાપ્ત ==


Spread the love

Check Also

BNI અમદાવાદ દ્વારા 1 ઓગસ્ટે ઉદયપુરમાં ‘સિસિલિયન આઉટબાઉન્ડ ગાલા’નું આયોજન

Spread the love બિઝનેસ નેટવર્કિંગ, સહયોગ અને કોમ્યુનિટીના એન્યુઅલ સેલિબ્રેશનમાં આશરે 1,000 મેમ્બર્સ  ભાગ લેશે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *