
જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી જોઈએ.
જેની પાસે નિર્ધન નહીં,સ-ધન આંખ છે એ પહેલા પ્રમાણ નહીં માંગે,પણ પ્રણામ કરશે.
સાધુનો ધન્યવાદ થવો જોઈએ,જય-જયકાર નહીં.
બહિરયાત્રા પરિગ્રહી,અંતરયાત્રા અપરિગ્રહી હોય.
બહિર યાત્રામાં પૂજન-અર્ચન હોય,અંતરયાત્રામાં ભજન હોય છે.
દરેક મુખરતા-બહીરયાત્રા,મૌન-અંતરયાત્રા છે.
સાધન સંપન્ન થવું બહીરયાત્રા,સાધના સંપન્ન થવું અંતરયાત્રા છે.
‘પદ’યાત્રા બહિર યાત્રા છે,સદયાત્રા અંતરયાત્રા છે.
લીલીછમ ચાની ચાદરથી આચ્છાદિત કેરિચો-કેન્યાની પ્રાકૃતિક સુંદરતા,સૌમ્યતા,શાંતિથી વિશ્વ વિખ્યાત ભૂમિ પર બાપુની રામકથાનો ચોથો દિવસ,મંગળવાર,કહેવાયું કે આપણે જે દ્રશ્ય જોઈએ છે એને આલોચક લોચનથી નહીં પણ અપલક લોચનથી જોઈએ.કોઈપણ ઘટના-દ્રશ્ય બે દ્રષ્ટિથી જોઈ શકાય.સનાતન ધર્મની વ્યાખ્યા એ છે જેમાં ચાર સ્તંભ:તર્ક-વિચાર વ્યક્ત કરવાનો અધિકાર,વિશેષણ મુક્ત,શાસ્ત્ર સંમત અને વિજ્ઞાનને સાથે લઈને ચાલવાનું.કોઈને પણ પોતાનો મત અને તર્કની છૂટ છે.અહીં દૃષ્ટતર્કની મનાઇ છે ઇષ્ટતર્કની મનાઈ નથી.આપણે આલોચક લોચનથી જોઈએ છીએ.એક દ્રષ્ટિ અપલક લોચન છે,સતત પ્રતિક્ષા. કુરુક્ષેત્રનો રથ હોય કે અન્ય,અપલક દ્રષ્ટિથી જોઈએ.ડો.રાધાકૃષ્ણએ ગીતાનું ભાષ્ય વિચારકની દ્રષ્ટિએ,તર્કની કસોટી ઉપર કસીને જોયું.ભક્ત સુહ્રદ હોય,જેની પાસે આંસુની વ્યવસ્થા છે,જેની પાસે આંખ છે એ પહેલા પ્રમાણ નહીં માંગે,પણ પ્રણામ કરશે.જેની આંખ નિર્ધન નહીં સધન હશે.રુક્ષ્મણીની આરાધના,મહાભારતમાં એનું પદ આવ્યું ત્યાં અપલક લોચન શબ્દ છે.પલકોને પાપણ પણ કહે છે અને કૃષ્ણ દર્શનમાં ‘પાપણ’ બાધા બને છે.
કૃપા અને કરુણામાં અંતર છે.કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે,દ્રાવણ બને છે ત્યારે કરુણા છે.ઘણા વર્ષો પહેલાં ‘કઠોર કૃપા’ નામનો પાઠ આવતો.કૃપા કઠોર પણ હોઈ શકે છે.કૃપા બુદ્ધિથી ચાલે છે.આપણી સ્થિતિ નથી કે કૃપાની કઠોરતા આપણે સહી શકીએ બાપુએ કહ્યું કે માનસનું દર્શન કરતાં-કરતાં હવે એવું લાગે છે કે અહીં અદભુત,મૌલિક,અનટચ સૂત્રો આવે છે.
રામચરિત માનસમાં જય-જયકાર ઘણો આવ્યો છે પણ જયમાં એની રુચિ નથી.મૌલિક રહસ્ય એ છે ગોસ્વામીજી અને મારા બુદ્ધપુરુષને પણ જય શબ્દમાં રુચિ ન હતી.સાધુનો ધન્યવાદ થવો જોઈએ જય-જયકાર નહીં.માનસ બડાઈ નહીં,ભલાઈને મહત્વ આપે છે.બળવાનની બડાઈ અને ભલમાનની ભલાઈ હોય છે.સાધુને જય નહીં,ધન્યની જરૂરત રહે છે,આથી જ ધન્યવાદથી પણ એક ઊંચેરો શબ્દ સાધુવાદ આવ્યો.સાધુ માટે ધન્ય,બ્રહ્મ માટે જય. જેનાથી જય થાય છે એ રથ બીજો જ હોય છે. અહીં અંતરયાત્રા-ભીતરી યાત્રામાં ત્રણ વાતો મહત્વની છે:શરીર શુદ્ધિ,મનની શુદ્ધિ.મન અચળ અને નિર્મળ હોવું જોઈએ.ભાથો,જેને ત્રણ કહે છે એ કટિભાગ ઉપર મજબૂતાઈથી બાંધવો પડે છે.એ અચળ પણ હોવું જોઈએ,સતેજ પણ હોવું જોઈએ ભાવશુદ્ધિ હોવી જોઈએ.
સ્વામી રામતીર્થની ડાયરીમાં યાત્રાના આઠ લક્ષણો લખ્યા છે,જે યાત્રાષ્ટક છે.સ્વામી રામતીર્થ પૂરણસિંહ સરદારને કહે છે:બહિરયાત્રા ભીડમાં, અંતરયાત્રા એકલા કરવાની હોય છે.બહિરયાત્રા પરિગ્રહી,અંતરયાત્રા અપરિગ્રહી હોય.વસ્તુ,વસુ કે વિચારોનો પણ પરિગ્રહ નહીં.બહિર યાત્રામાં પૂજન-અર્ચન હોય,અંતરયાત્રામાં ભજન હોય છે અહીં એ પણ કહ્યું કે જેને ભજન કરવું હોય એને આહારમાં આટલું ધ્યાન રાખવું જોઈએ:જે બળની વૃદ્ધિ કરે,આયુષ્યની વૃધ્ધિ કરે,રૂપની કાંતિ વધારે, બુદ્ધિને શુદ્ધ કરે.
દરેક મુખરતા બહીરયાત્રા અને મૌન અંતરયાત્રા છે. સાધન સંપન્ન થવું બહીરયાત્રા,સાધના સંપન્ન થવું અંતરયાત્રા છે.’પદ’ યાત્રા બહિર યાત્રા છે,સદયાત્રા અંતરયાત્રા છે.ધજા એક પતાકા અનેક હોય એટલે સત્ય એક અને શીલ અનેક હોય છે.
ભલ અવસર જાણી પાર્વતી શિવને રામ તત્વ અને તેનાં અવતારનાં કારણ પૂછે છે ત્યાં આજની કથાનો વિરામ થયો.
== સમાપ્ત ==
Aajna Samachar