ગંગા અમૃતમયી મા છે.

Spread the love

સાત પ્રકારની કામના જો નષ્ટ થઈ જાય તો માણસ બ્રહ્મને પ્રાપ્ત કરીને ખુદ બ્રહમમય થઈ જાય છે.

આજકાલ તો બિકાઉ ચિંતન છે ટકાઉ ચિંતન રહ્યું નથી.

આપણા ગુરુ આપણી નીજતા બરકરાર રાખે છે.

પ્રકૃતિનો અનાદર કરે છે એ પરમેશ્વરનો અનાદર કરે છે.

કોઈ બુદ્ધપુરુષનાં આશ્રયમાં રહેવું એ પરમ સ્વતંત્રતા છે.

 

કઠોપનિષદનાં મંત્રનું ગાન કરીને બુધવારે પતિત પાવની મા ગંગાનાં તટ પર ચાલતી રામકથાનાં બીજા દિવસની કથાનો આરંભ થયો.જેનો સરળ અર્થ એ છે કે જ્યારે આપણા હૃદયમાં રહેલી બધી જ કામનાઓ ખતમ થઈ જાય ત્યારે મૃત્યુ અમૃતમાં પરિવર્તિત થઈ જાય છે.જ્યારે મૃત્યુ અમૃતનું રૂપ ધારણ કરી લે છે ત્યારે માણસ બ્રહ્મને મેળવી લે છે અને ખુદ બ્રહ્મ બની જાય છે.આ મંત્ર આ રીતે ઉપયોગી છે.

ગંગાનાં તટ ઉપર આપણે બેઠા છીએ.ગંગાના પાણીને બ્રહ્મવારિ કહ્યું છે.આ પાણી એચ.ટુ.ઓ. નથી.આ ગંગા,દેવીનાં રૂપમાં સ્વયં અમૃત છે.માતાનાં રૂપમાં અમૃત છે.ગંગાનું પાણી અમૃત છે.ગંગાનું દર્શન અમૃત છે.ગંગાનો સ્પર્શ અમૃત છે.ગંગામાં સ્નાન કરવું એ અમૃત છે અને ગંગાનું પાન કરવું એ પણ અમૃત છે.ગંગા અમૃતમયી મા છે.

રામચરિત માનસમાં લખ્યું છે:

દરસ પરસ મજ્જનું અરું પાના;

હરહિ પાપ કહ બેદ પુરાન.

આપણે દર્શન,આચમન,સ્પર્શ,સ્નાન તો કરીએ જ છીએ.વેદ-પુરાણ તો ખોટું કહે જ નહીં.તુલસી તો ક્યારેય ખોટું ન કહે.તો આપણે પાપથી મુક્ત થઈએ એવી ઘટના કઈ રીતે ઘટે?

સાત પ્રકારની કામના છે.જો એ નષ્ટ થઈ જાય તો માણસ બ્રહ્મને પ્રાપ્ત કરી અને ખુદ બ્રહમમય થઈ જાય છે.આપણે આપણી જાતને પૂછીએ કે સાત પ્રકારની કામના ઓછી થઈ કે નહીં.

જેમાં:મનોકામના,લોકેષણા,વિતેષણા-ધનની કામના, સુતેષણા-પુત્રની કામના,વિજયની કામના,સ્વાતંત્ર્યની કામના.કામનામુક્ત રહેવાની કામના.એટલે કે કામાદિ દોષરહીતમ કુરુ માનસં ચ-

સમસ્યા એ છે કે આ પરિસ્થિતિમાં કોઈ સાધુ પ્રવેશે તો પરિવાર એને કામના મુક્ત થવા દેતો નથી. ભગવાન ચૈતન્યનાં જીવનમાં આવી ઉદાસીનવૃત્તિ દેખાય છે.મારા દાદા વિષ્ણુ દેવાનંદગિરિજીની મમતા છૂટી ગઈ પણ મહત્વ અકબંધ હતું.વિષ્ણુ દાદાએ આખા ગામના એક-એક માણસને યાદ કર્યા હતા. સ્વતંત્રતાની કામના પણ થવી જોઈએ.આપણા ગુરુ આપણી નીજતા બરકરાર રાખે છે.પ્રકૃતિનો અનાદર કરે છે એ પરમેશ્વરનો અનાદર કરે છે.કોઈ બુદ્ધપુરુષનાં આશ્રયમાં રહેવું એ પરમ સ્વતંત્રતા છે. ગંગ સકલ મુદ મંગલ મૂલા;

સબ સુખ કરનિ હરનિ સબ સૂલા.

ગંગા મંગળનું મૂળ અને બધા જ પ્રકારના સુખ દેનારી તથા બધી જ બાધાઓને મટાડનારી છે.

ગંગા ક્યાં-ક્યાંથી પ્રગટ થઈ?વિષ્ણુનાં નખથી, બ્રહ્માનાં કમંડળથી,શંકરની જટામાંથી-આમ જન્મ એક હોય પણ અનેક માતાઓ હોય છે.

આપણી કામનાઓ સંપૂર્ણ નષ્ટ નથી થતી,પણ એની માત્રા પણ ઓછી થાય તો પણ મુક્તિનું દ્વાર બતાવે છે.

આપણી ચારે બાજુ અમૃત છે.જો સમજમાં આવે તો આપણે અમૃતના સંતાન છીએ.તીર્થોમાં આવીએ ત્યારે યાત્રી બનીને આવવું જોઈએ,વેપારી બનીને નહીં.બધી જ જગ્યાએ ધંધો લઈને ન આવવું જોઈએ.દેવતાઓના કમંડળમાં,સ્ત્રીનાં હોઠમાં, પાતાળમાં,ચંદ્રમામાં અમૃત છે.પણ પૃથ્વી ઉપર ચારે બાજુ અમૃત છે.લંકા કાંડમાં યુદ્ધ વખતે લખેલું છે: મારુ મારુ,ધરુ ધરુ મારુ- એનું માથું ફોડી નાખો એનો હાથ ખેંચી લ્યો… મારા દાદાએ કહેલું કે ઈન્દ્રજીત આવે છે ત્યારે આ લખાયું છે.ઇન્દ્રજીત કામ છે.કુંભકર્ણ લોભ અને રાવણ મોહ છે.કામનાની બુદ્ધિ રૂપી મસ્તક અને એના હાથ રૂપી કર્મ નષ્ટ કરવાની વાત છે.આજકાલ તો બિકાઉ ચિંતન છે ટકાઉ ચિંતન રહ્યું નથી.

Box

કથા-વિશેષ:

મોક્ષ માટે મૃત્યુ કે ક્યાંય જવાની જરુર નથી.

યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યેડસ્ય હ્રદિ શ્રિતા:

અથ મર્ત્યોડમૃતો ભવત્યત્ર બ્રહ્મ સમશ્રુન્તે

-કઠોપનિષદ(૨.૩.૧૪) તેમજ બૃહદારણ્યકોપનિષદ તથા શ્રીમદ્ ભગવદગીતા-અધ્યાય-૨ શ્લોક:૫૫

(જ્યારે હ્રદયમાં સ્થિત(છૂપાયેલી) બધી કામનાઓ(ઇચ્છાઓ) પૂરેપૂરી સમાપ્ત થઇ જાય,ત્યારે આ મરણધર્મા(નશ્વર) મનુષ્ય અમર થઇ જાય છે અને આ જ જીવનમાં બ્રહ્મ(પરમ સત્ય/ઇશ્વર)ને પ્રાપ્ત કરી લ્યે છે.)

આ શ્લોક જણાવે છે કે:વાસ્તવિક મુક્તિ કે અમરત્વ ઇચ્છાઓનાં દમનથી નહિ પણ ઇચ્છાઓ હ્રદયમાંથી સંપૂર્ણ મટી જવાથી મળે છે.મોક્ષ માટે મૃત્યુ કે ક્યાંય જવાની જરુર નથી,આ શરીરમાં રહીને જ પરમાનંદની અનુભૂતિ થઇ શકે છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

કૃષ્ણ નવ પ્રકારનાં સત્ય, પ્રેમ અને કરુણાનો પૂર્ણાવતાર છે.

Spread the love કથાને આજીવિકા ના બનાવો,આજીવન બનાવો. ધર્મ ધંધો ન બને,મંદિર મોલ ન બની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *