કેન્યાની રમણીય ભૂમિ પરથી ગુંજી ૯૮૧મી રામકથાની ચોપાઇઓ

Spread the love

કોઈપણ શાસ્ત્રનાં ત્રણ અર્થ-લૌકિક,અલૌકિક અને મૌલિક હોય.

જ્યાં પક્ષ વિપક્ષ હોય ત્યાં પરમેશ્વર ન હોય.

તુલસીનો ધર્મરથ મૌલિક છે.

અધ્યાત્મમાં પ્રાસાનુપ્રાસ નહીં,વ્યાસાનુવ્યાસ હોય છે

ભારતને હવે સાચા ઇતિહાસની જરૂર છે.”

 

કથા બીજ પંક્તિઓ:

નાથ ન રથ નહિ તન પદ ત્રાના;

કેહિ બિધિ જિતબ બીર બલવાના

સૌરજ ધીરજ તેહિ રથ ચાકા;

સત્ય સીલ દ્રઢ ધ્વજા પતાકા.

સખા ધર્મમય અસ રથ જાકેં;

જીતન કહં ન કતહું રિપુ તાકે

-લંકાકાંડ

વેસ્ટર્ન કેન્યાનાં ટી કેપિટલ તરીકે ઓળખાતા-ચાનાં બગીચાઓની રમણીય ભૂમિ પર કેરિચો ખાતે શનિવાર સાંજે મોરારિબાપુનાં શ્રીમુખે બીજ પંક્તિઓનાં ગાયન સાથે ૯૮૧મી રામકથાનો આરંભ થયો ત્યારે મનોરથી સતિષભાઈ મોદી અને મોદી પરિવાર દ્વારા સ્વાગત થયું.

પચાસ વરસ પહેલા દરિયાપાર પહેલી વખત,૧૯૭૬ માં તલગાજરડી પોથી લઈને નીકળેલો એ યાદ કરતા બાપુએ અહીંના ભારતીયો ધર્મની ધજાને ફરકતી રાખે છે એમ કહી જણાવ્યું કે જીવ સ્વભાવથી ઈચ્છા થાય કે વાવેલું બીજ તરત અંકુરિત થાય,પણ સમય લાગે છે.કથા મનોરથનું બીજ ૨૫-વર્ષ સુધી દબાયેલું રહ્યું.હવે જોગ,લગન, ગ્રહ,વાર,તિથિ બધું અનુકૂળ થયું.હમણાં જ જગન્નાથપુરીની રથયાત્રા,બલભદ્ર,સુભદ્ર અને જગભદ્રની વિશ્વ પ્રસિદ્ધ યાત્રા પૂરી થઈ.અલગ-અલગ વિષયો મનમાં ચાલતા હતા એમાં રથયાત્રાનો વિષય પસંદ થયો.માનસમાં ઘણી વખત રથ શબ્દનો પ્રયોગ થયો છે.સાતેય કાંડમાં એના પ્રત્યે સંકેત છે.અમદાવાદનાં જગપ્રસિદ્ધ જગન્નાથ મંદિરનાં મહંત જગદગુરુ દિલીપદાસ બાપુ તેમજ રાજેન્દ્ર દાસ બાપુ પણ વિશેષ રૂપે અહીં ઉપસ્થિત રહેવાના છે.

અહીં ધર્મરથની પંક્તિઓ બીજ પંક્તિઓ તરીકે લીધેલી છે.તુલસીનો ધર્મરથ મૌલિક છે.રથોનું વર્ણન ગ્રંથોમાં ઘણું આવ્યું છે.ભાગવતમાં એક રથ-જ્યાં દેહને રથનું રૂપક આપ્યું છે.તેના પૈડાં પાપ અને પુણ્યનાં બતાવેલા છે.પાંચ જ્ઞાનેન્દ્રિયોનાં ઘોડા,બુદ્ધિ સારથી અને જીવાત્મા રથિ છે.ઉપનિષદો તેમજ મહાભારતમાં પણ વર્ણન છે.કોઈપણ શાસ્ત્રનાં ત્રણ અર્થ-લૌકિક,અલૌકિક અને મૌલિક હોય.જ્યાં પક્ષ વિપક્ષ હોય ત્યાં પરમેશ્વર ન હોય.

સુમિત્રાનંદન પંતે ઓશોને બાર નક્ષત્ર વિશે પૂછ્યું ત્યારે વિવિધ નામ-કૃષ્ણ,બુદ્ધ,કબીર વગેરે આપ્યા. ફરી એમાંથી ચાર કાઢ્યા ત્યારે પૂછ્યું કે રામને કેમ ન રાખ્યા?જવાબ હતો કે રામની કોઈ મૌલિક દેન નથી! જોકે યોગવાસિષ્ઠ રામની દેન છે.કૃષ્ણની મૌલિક દેન ભગવદ ગીતા છે.ફરક એટલો છે કે ગીતા પરમાત્મા બોલે અને શિષ્ય સાંભળે છે,યોગવાસિષ્ઠમાં ગુરુ બોલે અને પરમાત્મા સાંભળે છે.શૌર્ય અને ધૈર્યને પૈડાં બતાવ્યા એ તુલસીની મૌલિક દેન છે.

પણ અધ્યાત્મમાં પ્રાસાનુપ્રાસ નહીં વ્યાસાનુવ્યાસ હોય છે.ભગવત ગીતાનાં ૧૬માં અધ્યાયમાં અધર્મરથ-જે ધર્મરથથી બિલકુલ વિપરીત છે. કલિંગનાં કાળમાં યુદ્ધરથ,એ જ કાળમાં બુદ્ધરથ પણ છે.મહાભારતના કર્ણનો ક્રોધથી ભરેલો ક્રુધ રથ,એ જ રીતે અવરોધ રથ,દાનવ રથ,દેવ રથ-અનેક રથોનું વર્ણન મળે છે.ભારતને હવે સાચા ઇતિહાસની જરૂર છે.નવ દિવસની કથામાં નવ રથ છે.

વિશેષ:

સાતેય કાંડમાં રથોનું વર્ણન છે.

બાલકાંડમાં એક રથ-દશરથ વશિષ્ઠને બેસાડે છે એ ઋષિનો રથ.

અયોધ્યાકાંડમાં સુમંત રથ.અરણ્યકાંડમાં દશાનની રાવણ રથ.કિષ્કિંધામાં હનુમાનજી સ્વયં ધર્મરથ છે. સુંદરકાંડમાં રથોનું વર્ણન છે.લંકાકાંડમાં તેજ-પુંજ રથ અને ઉત્તરકાંડમાં રાજરથ છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને ₹50,000નું અનુદાન

Spread the love અમદાવાદ, ગુજરાત | ૨૦મી જુલાઈ ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *