વર્ચ્યુઅલ ટચસ્ક્રીનની દુનિયામાં વ્યસ્ત વર્તમાન પેઢીને દિલના ટચની એક્ચ્યુઅલ દુનિયામાં ડોકિયું કરાવતી પારિવારિક ફિલ્મ ‘ગોતી લો’ ૨૭મી જૂને થશે રિલીઝ

Spread the love

⇒ બાળપણના દિવસો અને મિત્રોનીસ્મૃતિ યાત્રામાંસફરકરાવતી ગુજરાતી ફિલ્મ એટલે ‘ગોતી લો’

⇒ ફિલ્મની ખાસ વાત એ છે કે, ફિલ્મમાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ સ્વ. રમેશ પારેખનું જાણીતું બાળગીત ‘હું ને ચંદુ છાનામાના..’ રજૂ કરવામાં આવશે : ૨૭મી જૂને રિલીઝ

અમદાવાદ ૧૦ જૂન ૨૦૨૫: ૨૭મી જુને અષાઢી બીજ, કચ્છી નવું વર્ષ છે. એ દિવસે અમદાવાદમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે. અને એ જ દિવસે એક મનોરંજન યાત્રા પણ નીકળશે… સુંદર ગુજરાતી ફિલ્મ રિલીઝ થશે. જેનું નામ છેઃ ‘ગોતી લો’.

‘ગોતી લો’ ..કેવું સરસ ગુજરાતી નામ ! આ ફિલ્મના ડિરેક્ટર દીપક અંતાણી છે અને નિર્માતા એમના સેન્ટ લુઇસ, યુએસએ સ્થિત મિત્ર ગૌરાંગ ભાવસાર છે. ફિલ્મમાં દાદાજીના પાત્રમાં રંગભૂમિ અને ફિલ્મોના દિગ્ગજ અભિનેતા પદ્મશ્રી મનોજ જોષી છે. તેમજ માનવ રાવ, મેહુલ બુચ, મકરંદ અન્નપુર્ણા, દિપેન રાવલ, શ્વેતા રાવલ, જાહ્નવી પટેલ, ભવ્યા શિરોહી, વિશાલ ઠક્કર, રવિ ઓમ પ્રકાશ રાવ, મિતેષ પ્રજાપતિ અને સાત્વી ચોકસી સહિતના કલાકારો છે. બાળ-કલાકાર માનવ રાવ અમેરિકાના અટલાન્ટાનો છે. તેના પાત્રનું નામ ચંદુ છે. આ સાથે પહેલીવાર એવું થશે કે કોઈ નૉન રેસીડન્ટ ગુજરાતી એ ગુજરાતી ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે. ફિલ્મના નિર્માતા ગૌરાંગ ભાવસાર અને સહાયક નિર્માતા મૂળ આખેજ ગામના અને અમેરિકા સ્થિત પ્રસાંદ પટેલ છે. ફિલ્મના સ્ક્રીનપ્લે અને ડાયલૉગ રાઇટર અશોક ઉપાધ્યાય છે. સંગીતકાર સમીર માના છે તથા સિનેમેટોગ્રાફર અને ઍડિટર રૂપાંગ આચાર્ય છે. પ્રોડક્શન ડીઝાઈન ફાલ્ગુન ઠાકોરની છે.

‘ગોતી લો’ ફિલ્મનો વિષય અત્યંત રસપ્રદ છે. તેમાં ત્રણ પેઢી વચ્ચેની વાત છે. પરિવાર તથા સંબંધની વાત છે. આ વિષય પરથી ફિલ્મ બનાવવાનો વિચાર મૂળ ખેડાના ગૌરાંગ ભાવસારને આવ્યો. તેમણે પોતાનો વિચાર, ખાસ મિત્ર દીપક અંતાણી સમક્ષ રજૂ કર્યો. ફિલ્મની વાત ગમી જતા દીપક અંતાણીએ મિત્ર મનોજ જોશીને વાર્તા કહી અને તેમણે તરત જ ફિલ્મમાં કામ કરવાની સંમતિ આપી દીધી.

દીપક અંતાણીના નામથી તો સૌ કોઈ પરિચિત છે. રંગભૂમિથી લઈને ટીવી સિરિયલ અને ફિલ્મ ક્ષેત્રે અભિનેતા, દિગ્દર્શક, લેખક તરીકે તેમણે અઢળક કામ કર્યું છે, આ અગાઉ ચાર ફિલ્મોનું સફળ દિગ્દર્શન કરી ચૂક્યા છે. દિગ્દર્શક તરીકેની તેમની આ પાંચમી ફિલ્મ છે.

ફિલ્મના દિગ્દર્શક દીપક અંતાણી જણાવે છે કે, ‘ફિલ્મમાં હીરો કે હિરોઈનની પ્રેમકથા નથી, પણ પ્રેમની વાત ચોક્કસ છે. નચાવે, ડોલાવે તેવા ગીતો છે, મિત્રોની યાદ અપાવે તેવી નિર્દોષ રમતો છે, પડકાર અને સ્પર્ધાની વાત છે ગુજરાતી પ્રેક્ષકોને આ ફિલ્મમાં કશુંક નવું જોવા મળશે. જે અત્યાર સુધી ક્યારેય નથી આવ્યું. ફિલ્મની વિષયવસ્તુ દરેક પરિવારને સ્પર્શે એવી છે.

ફિલ્મનું શુટિંગ ખ્યાતનામ કવિ અવ. શ્રી ઉમાશંકર જોષીના જન્મસ્થળ બામણા ગામ અને વિદેશના લોકેશન્સને ટક્કર મારે તેવા સાબરકાંઠાના સુંદર લોકેશન્સ પર થયું છે. ફિલ્મની ખાસ વાત એ છે કે, ફિલ્મમાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ સ્વ. રમેશ પારેખ લિખિત અને સ્વ. પરેશ ભટ્ટ દ્વારા મૂળ સ્વરબદ્ધ જાણીતું બાળગીત ‘હું ને ચંદુ છાનામાના..’ રજૂ કરવામાં આવશે.

‘ગોતી લો’ ફિલ્મનું પોસ્ટર અને ટાઈટલ ટ્રેક રિલીઝ કરવામાં આવ્યું છે. લોકોને ગીત પસંદ આવ્યું છે. મોબાઈલની વર્ચ્યુઅલ સ્ક્રીનમાં હેન્ગ થઈ ગયેલા જીવનને રિચાર્જ કરતી આ ફિલ્મ જોવા લોકો આતુર છે. ‘ગોતી લો’ ફિલ્મ ૨૭ જુન, અષાઢી બીજના શુભ દિવસે ગુજરાત, મુંબઈ અને યુ.એસ.એના થિયેટરમાં રિલીઝ થશે.


Spread the love

Check Also

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

Spread the love સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *