કૃપા કરવી પડે છે, કરુણા થઈ જાય છે.

Spread the love

*પ્રકૃતિનાં પાંચેય તત્વો અમૃત છે.*

*કથા અમૃત છે.*

*અસતો મા સદગમય-સત્ય છે,તમસો મા જ્યોતિર્ગમય પ્રેમ છે અને મૃત્યોર્મામૃતં ગમય-કરુણા છે.*

*પ્રેમ પરમપ્રકાશ છે.*

*આવતી તુલસી જયંતિ અમેરિકાનાં એક વિશ્વવિદ્યાલયમાં મનાવાશે:બાપુ.*

ઉત્તરાખંડની દેવભૂમિ,જ્યાં પરમ પતિત પાવની પરોપકારીણી ભગવતી ગંગામૈયા વહી રહી છે એવા પરમતીર્થ હરિદ્વારમાં ગુરુવારે રામકથાનાં ત્રીજા દિવસે અનેક વાતો પૂછાયેલી.એમાં પૂછાયું કે:

અસતો મા સદગમય,તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મામૃતમ ગમય-આ સૂત્ર વિશે કંઈક કહો. બાપુએ કહ્યું કે સંવાદ થઈ શકે,વિવાદ કે દુર્વાદ ન થઈ શકે.રામચરિત માનસ અને આપણા બધા જ શાસ્ત્રો સંવાદના શાસ્ત્રો છે.

અહીં અસતો મા સદગમય સત્ય છે,તમસો મા જ્યોતિર્ગમય એ પ્રેમ છે.રામચરિતમાનસનાં ઉત્તર કાંડમાં એનો ખુલાસો છે.જ્યારે જ્ઞાનદીપની ચર્ચા થાય છે એ વખતે ભક્તિમણિની ચર્ચામાં કહે છે કે ભક્તિમણી એ પ્રેમપ્રકાશ છે.

અહીંના મસ્તરામ બાપાએ,૫૫ વર્ષ પહેલા એને કોઈએ પૂછેલું,તો કહેલું કે ભક્તિ પ્રેમ છે.પ્રેમ એવો પ્રકાશ છે જેને દીવા,વાટ,ઘીની જરૂર નથી.કોઈ વાયુ પણ એને ઓલવી શકતો નથી.પ્રેમ પરમપ્રકાશ છે. અને મૃત્યોર્મામમૃતમ ગમય આ કરુણા છે.કારણ કે મૃત્યુ કઠોર હોય છે.મૃત્યુના ભયથી કોઈની કરુણા આપણને અમૃત તરફ લઈ જઈ શકે છે.

પરમાત્માને કરુણામૃત સાગર કહ્યો છે.કૃપા કરવી પડે છે,કરુણા થઈ જાય છે.કરુણા માટે માગવું પડતું નથી.

તુલસીજીનું ઘણા જ મહાપુરુષો એ મંથન કર્યું.જેમાં એક નામ સાકેતવાસી પંડિત રામકિંકરજી મહારાજનું પણ છે.કોઈ પણ પીઠ બેઈમાન હોવી ન જોઈએ. વ્યાસ પીઠ તો ક્યારેય બેઈમાન ન હોવી જોઈએ એવું કહેતા બાપુએ કહ્યું કે જેની પાસે રામનુ નામ, રૂપ,લીલા અને ધામ છે એને કોઈની સામગ્રીની જરૂર નથી.છતાં ઘણા સાહિત્યકારોનું નામ લઈને બોલીએ ત્યારે એ એવી ભ્રાંતિમાં રહે છે કે બાપુને મેં સામગ્રી પહોંચાડેલી છે!આપણી જ કથાઓ સાંભળી, આપણી જ વાત બોલે,પણ હરામ આપનું નામ બોલે!તુલસીદાસે કળિયુગના આવા વક્તાઓને મન કર્મ અને વચનથી લબાડ કહ્યા છે.

રામ લક્ષ્મણને બોલાવે ત્યારે ‘દેખહૂ’ કહે છે અને ભરત સાથે વાત કરે ત્યારે ‘સુનહું’ કહે છે.લક્ષ્મણ શેષનો અવતાર છે અને સર્પને કાન નથી હોતા.બુદ્ધ પુરુષ કે ગુરુ વ્યક્તિ નહીં,વ્યક્તિત્વ પણ નહીં પણ અસ્તિત્વ છે.તમે ગુરુને શું સમજો છો એના ઉપર બધો આધાર છે.જેનામાં સમગ્ર અસ્તિત્વ સમાયેલું હોય.પૃથ્વી,જળ,અગ્નિ,આકાશ,વાયુ એટલું જ હોય તો,કોઈ વ્યક્તિ હોય તો પણ,એને ગુરુ કહી શકાય. રામકૃષ્ણ પરમહંસ,મહર્ષિ અરવિંદ-આવા અનેક ગુરુઓ કહી શકીએ.

ક્યારેક લોકો કહે છે કે એના હૃદયમાં રહેલા રામને પ્રણામ કરું છું,એ અહંકાર છે.સીધા પ્રણામ કરો! આખું અસ્તિત્વ જેનામાં છે એ વ્યક્તિનો પણ સ્વીકાર છે.પાંચેય તત્વ અમૃત છે.એમ કથા પણ અમૃત છે.ભાગવતમાં તવ કથામૃતં કહે છે.તુલસી કથાને સુધા કહે છે.સમુદ્રનું અમૃત તો કદાચ ખારું હશે પણ કથાનું અમૃત મધુર છે.

બાપુને એક જાહેરાત એ પણ કરી કે હવે પછીની તુલસી જયંતિ અમેરિકાના એક વિશ્વવિદ્યાલયમાં, વૈશ્વિક રીતે મનાવવા જઈ રહ્યા છીએ.હોર્મુઝ પણ ખુલી ગયું છે અને અસ્તિત્વ તમામ પ્રકારની વ્યવસ્થામાં સાથ આપી રહ્યું છે.

*Box:*

*કથા-વિશેષ*

*પાંચ તત્વોની સાધના:*

આમ તો અસ્તિત્વનાં પાંચેય તત્વને જડ બતાવેલા છે પણ ઉપરની જડતાની નીચે ઘણું જ ચૈતન્ય છુપાયેલું છે.પવન ઉપરથી જડ પણ વહે છે,સદા વહે છે, સક્રિય છે.અગ્નિ પણ અક્રિય નથી ઉર્ધ્વગમન કરે છે. પૃથ્વીને જડ કહી પણ ગુપ્તમાં ચૈતન્ય વહી રહ્યું છે, ખોદો તો પાણી નીકળે અને સતત ફરતી રહે છે. આકાશ જડ કહેવાય છે,પણ આકાશમાંથી વાણી- નાદ-શબ્દ બ્રહ્મ પેદા થાય છે.જળને જડ માનીએ છીએ પણ નદીઓ વહે છે,સમુદ્રમાં ખળભળાટ ચાલતો રહે છે.

જે સાધુએ પાંચેય તત્વોની સાધના કરી હોય એનાં ગુણ અમૃત બની જાય છે.સત્યને શિવજીનું ત્રિપુંડ કહ્યું છે.ત્રિપુંડની વચમાં એક ટીકું હોય એ સત્યનો સ્વીકાર છે.આમ સત્યનો આચાર,ઉચ્ચાર,વિચાર અને સ્વીકાર.

યજ્ઞ પૂરો કર્યા વિના મૌન ન તોડે,યજ્ઞ કરે ત્યાં સુધી જૂઠ ન બોલે-એ અગ્નિની સાધના છે.સહજ રીતે રહે એ વાયુની સાધના.નિખાલસ ચિત,અસંગ મનોવૃત્તિ, વિકારમુક્ત ચિત,જેને હું પ્રમાણિક ડિસ્ટન્સ કહું છું. ન સટ જાના,ન હટ જાના!બિલકુલ મધ્યમાં રહેવું-એ આકાશની સાધના છે.ભૂમિ શયન એ પૃથ્વીની સાધના છે.પૃથ્વી સાથે સંપર્ક રાખે.એટલે ધેર્યામૃત અને સહનામૃત શબ્દ આવ્યા છે.પાંચેય તત્વોનો ગુણ સાધુ પુરુષમાં આવી જાય એવા સાધુ,વ્યક્તિનાં રૂપમાં હોય તો પણ સ્વીકાર કરી લેવો.

== સમાપ્ત ==


Spread the love

Check Also

છ મહિનાની ગર્ભવતી મહિલા, પછી થયો મોઢાના કેન્સરનો નિદાન… HCG કેન્સર સેન્ટર વડોદરાએ બચાવ્યા બે જીવ

Spread the loveવડોદરા, ગુજરાત | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | ગર્ભાવસ્થા દરમિયાન કેન્સરનું નિદાન થવું અત્યંત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *