સંઘર્ષ અગ્નિ પેદા કરે છે,સમર્પણ શીતલતા ઉત્પન્ન કરે છે

Spread the love

વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે.

સંઘર્ષ અગ્નિ પેદા કરે છે,સમર્પણ શીતલતા ઉત્પન્ન કરે છે.

અત્યંત પ્રવૃત્તિથી અમૃત નથી મળતું.

‘ટાયર’ થયા પછી રિટાયર થવાનો શું મતલબ!

મન જ દૂસંગ છે,મન જ સૌથી મોટો સત્સંગ પણ છે.

બ્રહ્મસલિલા ભગવતી ગંગાનાં તીરે પરમ પાવન ભૂમિ હરિદ્વારનાં પ્રેમ આશ્રમથી વહી રહેલી કથાધારા સોમવારે સાતમા દિવસમાં પ્રવેશી ત્યારે નેપાળનાં તપોવન ઓશો આશ્રમથી પધારેલા સ્વામીજી સહિત વિશેષ ઓશો સંન્યાસીઓનું બાપુએ સ્વાગત કરતા કહ્યું અમારી વચ્ચે બસ પ્યાર અને મહોબ્બતનો સંબંધ છે.આટલી ઊંચાઈએ પહોંચવા છતાં પણ એટલા જ વિનમ્ર છે એ મહાપુરુષોનો સ્વભાવ હોય છે.જેમ સ્વયંપ્રભા પોતે જ્ઞાન મેળવે છે પણ એનું એને અભિમાન નથી.સૂર્ય ઊગે છે ત્યારે નાનો દેખાય છે પણ ઉગતા જ એ ત્રિભુવનનું અંધારું હરી લે છે, નાનકડો અંકુશ હાથીને વશ કરી લે છે,ફૂલનાં ધનુષ્ય બાણ લઇને કામદેવ આખા જગતને વશ કરી લે છે, મંત્ર ખૂબ નાનો હોય પણ બ્રહ્મા,વિષ્ણુ અને મહેશને વશ કરે છે.એમ ઘણી વસ્તુ નાની હોય પણ અભિમાન રહિત હોવાને કારણે નાની દેખાય છે. રામચરિત માનસમાં આવું સન્માન ભરતને મળ્યું છે. દશરથજી કૌશલ્યાને વારંવાર કહેતા કે આ ભરત રામનો માત્ર ભાઈ નથી,કૈકયીનો પુત્ર માત્ર નથી, લક્ષ્મણ અને શત્રુઘ્નનો અનુજ જ નથી,એ માત્ર સંત નથી કે રામ પછી અયોધ્યાનો વારસદાર માત્ર નથી પણ એ કુળદીપક છે.રામ રઘુવંશ મણિ છે પણ ભરત એ દીપક છે.

અહંકાર જ બધી જ વસ્તુઓની બાધા હોય છે. કોઈપણ ઉપલબ્ધિ અને ક્ષમતાનું અભિમાન ન કરવું ખૂબ જાગૃત રહેવું.

ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેનૈકે અમૃતત્વમાનશુ:

પરેણ નાકં નિહિતં ગુહાયાં વિભ્રાજતે યદ્યતયો વિશન્તિ

-કૈવલ્યોપનિષદ

એ (અમૃત)ની પ્રાપ્તિ ન કર્મ દ્વારા,ન સંતાનથી કે ન ધનથી થઇ શકે છે.એ અમૃતત્વને સમ્યક રુપથી(બ્રહ્મને જાણવાવાળાઓએ) કેવળ ત્યાગથી પ્રાપ્ત કર્યું છે.સ્વર્ગલોકથી પણ ઉપર ગુહા-અર્થાત બુધ્ધિનની ગુહામાં પ્રતિષ્ઠિત થઇને જે બ્રહ્મલોકમાં પ્રકાશથી પરિપૂર્ણ છે,એવા બ્રહ્મલોકમાં સંયમશીલ યોગીજનો જ પ્રવેશે છે.

એક ઉંમર આવે પછી પ્રવૃત્તિ છોડી દેવી જોઈએ. ટાયર થયા પછી રિટાયર થવાનું!હવે એક જ જગ્યાએ ટ્રસ્ટ રાખો.જે બધાને પકડે છે ત્યારે એક છૂટી જાય છે,પણ જે એકને પકડે છે તો બધું જ મુઠ્ઠીમાં આવી જાય છે.ત્યાગ જ કરવો હોય તો મૂહર્ત જોવાની જરૂર નથી.અત્યંત પ્રવૃત્તિથી અમૃત નથી મળતું.સમાધિની પાસે બેસવાથી વિવિધ અવાજ આવે એ આધ્યાત્મિક સત્ય છે પણ સમાધિ પાસે બેસીને મેં ગંધનો અનુભવ ચોક્કસ કર્યો છે. મન જ દૂસંગ છે અને એ મન જ સૌથી મોટો સત્સંગ પણ છે.વિવાદ વિષ છે,સંવાદ અમૃત છે.સંઘર્ષ અગ્નિ પેદા કરે છે અને સમર્પણ શીતલતા ઉત્પન્ન કરે છે.

Box:

આ છે ત્રિભુવનનાં દીપ:

તુલસીજી દોહાવલિમાં દુહો લખે છે:

સઘન સગુન સધરમ સદન સબલ સુસાંઇ મહીપ;

તુલસી જૈ અભિમાન બીનુ તેઇ ત્રિભુવન કે દીપ

જે ધનવાન,ગુણવાન,ધર્માત્મા છે;જેની પાસે ખૂબ જ આશ્રિતો છે,બળવાન છે,ખૂબ સારા માલિકનો આશ્રયી છે,પોતાનાં અધ્યાત્મક ક્ષેત્રનો સમ્રાટ છે-આ બધું હોવા છતાં જે જરા પણ અભિમાન નથી કરતો એ ત્રિભુવનનો દીપ છે.એ પ્રજ્વલિત કોઈ ખૂણામાં થશે છતાં ત્રિભુવનને રોશન કરે છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

કૃષ્ણ નવ પ્રકારનાં સત્ય, પ્રેમ અને કરુણાનો પૂર્ણાવતાર છે.

Spread the love કથાને આજીવિકા ના બનાવો,આજીવન બનાવો. ધર્મ ધંધો ન બને,મંદિર મોલ ન બની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *