તમારા માટે આ પ્રવચન, મારા માટે સ્વાધ્યાય છે: બાપુ

Spread the love

બુદ્ધપુરુષનાં અધરથી નીકળેલું વચનામૃત ખરેખર અધરામૃત છે.

ઘણા લોકો માટે આ રામચરિતમાન મહાકાવ્ય છે, સાધુઓ માટે મહામંત્ર છે.

શ્રોતાઓ માટે જ્ઞાન હોઈ શકે,વક્તા માટે એ ગાન છે.

પહોંચેલો મહાપુરુષ પામી ગયા પછી પણ ગાવાનું છોડતો નથી.

ભારત માતા પરમ અમૃત છે.

ગીતા પૃથ્વીનું અમૃત છે.

પાપનાશિની ગંગામૈયાની ગોદમાં વહેતી કથાધારા શનિવારે જ્યારે પાંચમાં દિવસમાં પહોંચી.શરૂમાં પૂછાયું હતું કે ધરામૃત અને અધરામૃત એક છે કે અલગ?પૃથ્વી પણ અમૃત છે.પૃથ્વીને આપણે વિષાક્ત-ઝેરીલી બનાવી એ અલગ વાત છે.પણ પૃથ્વી ધરામૃત છે.અધરામૃતનો અર્થ,બધા જાણીએ છીએ એ સ્થૂળ અર્થ છે.આપણા જેવા લોકો માટે આ અર્થ બરાબર છે.પરંતુ આ તો આપણા લેવલનાં લોકો માટે,પણ સાધુ-સંતો અર્થ કરે છે કે જે ધરાનું અમૃત નથી એ અધરામૃત છે.ધરતીમાંથી જે કંઈ નીકળી રહ્યું છે એ અમૃત છે પણ એને આપણે કોઈને વેંચીએ છીએ,વેપાર કરીએ છીએ.અધરામૃત ઉપરનું અમૃત છે,જે વેંચાતું નથી પણ વહેંચાય છે. હોઠોનું અમૃત એ લૌકિક અર્થ છે.માણસ પાસે જીભ કંઠ,દાંત,ગલોફું આ બધું હોય પણ હોઠ ન હોય તો સ્પષ્ટ બોલી શકતો નથી.હોઠને કારણે આપણે શબ્દનો વિનિમય કરી શકીએ છીએ.શુકદેવજી અધરામૃતની વાત કરે છે ત્યારે માત્ર આટલો જ અર્થ ન હોય,લૌકિક તો છે જ,પણ એનો આધ્યાત્મિક અર્થ એ છે કે બુદ્ધપુરુષનાં અધરથી નીકળેલું વચનામૃત ખરેખર અધરામૃત છે.ઉપનિષદનાં, ભાગવતનાં વચનામૃત,બ્રહ્મસૂત્રોના વચન, વ્યાસપીઠનાં અધરામૃત છે.આ લૌકિક નહીં અલૌકિક છે.

પૂછાયેલું કે આપ રામચરિત માનસને માણસને કઈ દ્રષ્ટિથી જુઓ છો?અમારે કંઈ દ્રષ્ટિથી જોવું જોઈએ બાપુએ કહ્યું કે કથામાં આવ્યા પછી આપ અને હમ, તમે અને અમેનો ભેદ મિટાવી દઈએ.શ્રોતા-વક્તા જ્ઞાનનિધિ-બંને સમ છે.તમે કઈ રીતે જુઓ એ તમે કહો ત્યારે ખબર પડે.આંખ બે હોય નજર એક,પગ બે પણ ગતિ એક,હાથ બે પણ કર્મ એક હોય છે. ઘણા લોકો માટે આ રામચરિતમાન મહાકાવ્ય છે સાધુઓ માટે મહામંત્ર છે.

સદગુરુ જ્ઞાન બિરાગ જોગ કે;

બિબુધ બૈદ ભવ ભીમ રોગ કે.

ગોસ્વામીજીની અંતરંગ વાતો પકડીએ તો,કહે છે કે આ ગુરુ નથી પરમગુરુ છે.હું મારો મત આપુ તો તમારા માટે આ પ્રવચન છે,મારા માટે સ્વાધ્યાય છે. ઉપનિષદે સ્વાધ્યાય અને પ્રવચનમાં પ્રમાદ ન કરવાની આજ્ઞા કરી છે.ખરેખર વક્તા છે એણે આ ધ્યાનમાં રાખવું જોઈએ કે હું બોલી નથી રહ્યો,આ મારો સ્વાધ્યાય છે.વેદાંતની પ્રક્રિયામાં શ્રવણ પહેલો પડાવ છે.પછી મનન છે.અક્ષર સરળ,શબ્દ સરળ,અર્થ સરળ હોવા જોઈએ-વૈરાગ્ય સાંદિપનીમાં તુલસીજી એવું કહે છે.એટલે કહું છું માત્ર સાંભળો.એ પણ પર્યાપ્ત છે.પછી નિદિધ્યાસન અને છેલ્લો પડાવ સાક્ષાતકાર કહેવાયો છે.શ્રદ્ધાવાન માટે આ ગુરુ છે સાધુઓ માટે સદગુરુ છે.શ્રોતાઓ માટે જ્ઞાન હોઈ શકે,વક્તા માટે એ ગાન છે.પહોંચેલો મહાપુરુષ પામી ગયા પછી પણ ગાવાનું છોડતો નથી.જ્ઞાનમાં અખંડ એકાગ્રતા રહે કે નહીં ખબર નહીં,પણ ગાનમાં તાલ,સૂર,લયનો ભેદ ન થાય એવી એકાગ્રતા રાખવી પડે છે.આખી પૃથ્વી અમૃત,એમાંય ભારત માતા પરમ અમૃત છે.ગીતા પૃથ્વીનું અમૃત છે.

આજે કથા શ્રવણ માટે આવેલા યોગઋષિ બાબા રામદેવે કથાને અંતે આશીર્વાદક વચનો અને યોગ નિદર્શન પણ કર્યું હતું.

Box

યોગામૃત અને માનસનાં અમૃત

શૃણ્વન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રા

આ યે ધામાનિ દિવ્યાનિ તસ્થુ:

-શ્વેતાશ્વતરોપનિષદ(અધ્યાય-૨,શ્લોક-૫)

યોગ પણ અમૃત છે,વિયોગ પણ અમૃત છે.વિરહનાં મંથનથી નીકળતો પ્રેમ-અમૃત છે.આ શ્લોકમાં શરતો રાખી છે,યોગ માટે.જ્યાં સમતા હોય,સ્થૂળ રૂપમાં સમથળ ભૂમિ,પવિત્ર ભૂમિ,શબ્દોનો કોલાહલ ન હોય,આંખને પીડે નહીં એવો પ્રકાશ,જ્યાં વાયુનું વધારે આવાગમન ન હોય-આવા યોગામૃતનાં પાનથી રોગ નથી થતો,બુઢાપો નથી આવતો,મૃત્યુ નથી આવતું,શરીર યોગાગ્નિમય થઈ જાય છે,વર્ણ પરિવર્તન થાય છે,આત્મા બદલાય છે,સ્વર પાકે છે, એક પ્રકારની ડીવાઇન સ્મેલ યોગામૃતની ફળશ્રુતિ છે.

શિવચરિત્ર-કલ્યાણામૃત,સિતારામચરિત્ર-સત્યામૃત, ભરતચરિત્ર-પ્રેમનું અમૃત,હનુમંત ચરિત્ર વૈરાગ્ય અમૃત અને ભુશંડીચરિત્ર-સાધુ અમૃત છે.

આપણે ત્યાં એક શબ્દ પંચામૃત આવ્યો,એ પણ અમૃત છે જ.આધ્યાત્મિક રૂપથી જોઈએ તો દૂધ ધર્મામૃત છે.દહીં મંથન-સાધુનું હૃદયામૃત છે. દૂધ એ ધર્મ અમૃત છે.સાધુનું હૃદય ભજન કરે તો મધુરતા આવે છે-એ મધ છે.

રામચરિતમાનસમાં નયનામૃત,સાધુ રૂપ અમૃત,સંત અમૃત,વાણી અમૃત,કૃપામૃત,સરિતામૃત,રૂપમૃત, સ્નેહામૃત,પ્રેમામૃત,સુખામૃત,નામામૃત,શ્રવણામૃત, વચનામૃત,કથામૃત વગેરે શબ્દો મળે છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

ભારત અને કેનેડામાં એઆઈ-સંચાલિત બ્રાન્ડ માર્કેટિંગ અને ઇવેન્ટ ટેકનોલોજીને આગળ વધારવા માટે ભારતક્લાઉડ અને આઈબેન્ટોસ દ્વારા વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી

Spread the love નવી દિલ્હી | ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | ભારતની સાર્વભૌમ એઆઈ ક્લાઉડ સેવા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *