મૈં ઓર મેરી તન્હાઈને અધ્યાત્મમાં-મૈં ઓર મેરા કન્હાઈ કહી શકાય

Spread the love

“દુનિયાની બધી જ સાત્વિક કલાઓ તલગાજરડાની ભૂમિમાં પ્રતિષ્ઠિત થાય,સન્માનિત થાય અને એની વંદના થાય.”

વાલ્મીકિએ બીંબ-રામ,છાયા-સિતા અને પ્રતિબિંબને પણ આશ્રય આપ્યો છે.

વાલ્મીકિએ ગાયત્રી મંત્રનો જ વિસ્તાર કર્યો છે.

કથા સાંભળવાથી દોષ,દુઃખ અને સંતાપ મટી જવા જોઈએ.

મહારાષ્ટ્રનાં લાતુર જિલ્લાનાં ઔસા તાલુકાનાં કિલ્લારી ખાતે ચાલી રહેલ રામકથા યજ્ઞનો બુધવારે પાંચમો દિવસ હતો.ત્યારે આગલી સાંજે વારકરિ સંપ્રદાયના મહારાજશ્રી દ્વારા ચક્રીય ભજનનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગીતાનો શ્લોક યાદ આવી ગયો જ્યાં કિરીટ-મુકુટ,વીણા-ગદા,ચક્ર ધારી કૃષ્ણનું સ્મરણ છે.આ ચક્રીય નહીં,સુદર્શન ચક્રીય ભજન હતું.કહ્યું કે આ પરંપરા દીર્ઘકાલ સુધી રહે.દુનિયાની બધી જ સાત્વિક કલાઓ તલગાજરડાની ભૂમિમાં પ્રતિષ્ઠિત થાય,સન્માનિત થાય અને એની વંદના થાય.

મંત્ર ઘણા પ્રકારના હોય છે.જેમ કે:ધારક મંત્ર,તારક મંત્ર,મારક મંત્ર(તંત્રમાં પ્રયોજાય),રામમંત્ર બારક(બાર એક) મંત્ર તેમજ વારકરિનો વારક મંત્ર અને ભારક મંત્ર(જે ભારરૂપ લાગે).

ભગવાન રામના ચૌદ વર્ષના વનવાસમાં કોઈ અયોધ્યાવાસી વનમાં ન ગયા?ભરતજી પાદુકા લઈને પાછા આવ્યા પછી થોડો સમય રામની સાથે કિશોર અવસ્થામાં રમતા કુમારો,સખ્ય ભાવથી જે રહેતા, રામ જ્યારે બહુ દુઃખી થાય ત્યારે વનમાં જતા અને દૂરથી ચિત્રકૂટનાં દરવાજે ત્રણેયની ઝાંખી કરીને રોતા પાછા આવતા રહેતા.જે પ્રેમ કરે એની આ જ દશા થતી હોય છે.હિન્દીમાં કહેવત જેવું છે કે-મેં ઓર મેરી તન્હાઈ પણ અધ્યાત્મમાં-મેં ઓર મેરા કન્હાઈ કહી શકાય.રામની સાથે રમનારા ક્યારેક જતા. નિષાદરાજ ગુહને ભગવાન રોજ શું કરે છે એ એક એક દિવસનો પત્ર અયોધ્યા મોકલવાનું કહેલું, ગુહરાજ આ નિયમ નિભાવતો હતો.

રામ વનવાસ પછી કૌશલ્યા-રાજમાતા પોતાનાં રાજભવન-શયનકક્ષમાં નથી ગયા.રામ જે નાના નાના બાણથી રમતા એને પોતાના ઓશિકા પાસે રાખીને નિહાળતી રહેતી.રામનું ધનુષ્ય શસ્ત્ર નથી, જગત વાળા સાંભળી લો! જે દેખાય છે એ જ અર્થ ન લ્યો,તેનો એક્સ-રે લ્યો.શસ્ત્રની પાછળ રામનો સંદેશ શું છે?ગીતામાં કૃષ્ણ કહે છે:શસ્ત્રધારીઓમાં રામ હું છું.સંયમ અને નિયમ રામના બાણ છે.કોઈકને મારી દીધો એ માત્ર લીલા છે,બાકી આ શાસ્ત્ર છે. રોજ પત્ર આવતો,કૌશલ્યા એ વાંચીને રઘુકુલ ગુરુ વશિષ્ઠને આપતી.દરેક સમાજે પોતાના કુલગુરુને દરેક વાત કહેવી જોઈએ.વશિષ્ઠ વાંચીને ખૂબ રડીને અયોધ્યાનાં ઘરે-ઘરે જઈને આ પત્ર વાંચતા.

સીતાના અપહરણનાં,યુદ્ધનાં સમાચાર મળ્યા તો પણ કોઈ ગયું નથી.સીતાજીના વાલ્મીકિનાં આશ્રમમાં મોકલ્યા પછી કોઈ અયોધ્યાવાસી નથી ગયું.

સ્નેહ,દયા,સત્ય,જાનકીજી સહિત બધું જ છોડીશ પણ લોક આરાધના નહીં છોડું-એવું કહેનાર રામ કદાચ ન જાય.લક્ષ્મણ અને ભરત પણ નથી ગયા. વશિષ્ઠ પણ જઈ શકતા કે યજમાનની કૂળવધુ છે અને જાણતા હતા જગદંબા,પરામ્બા છે.સુમંત પણ જઇ શકતા હતા.એકમાત્ર વ્યક્તિ ગઈ છે,એ છે: શત્રુઘ્ન.ગીતાવલિનાં ઉત્તરકાંડના અંતિમ પદ-૩૪માં એનું પ્રમાણ મળે છે.કે જ્યારે શુભદિન,શુભઘડી આવી.લવ-કુશનો જન્મ થયો.ઋષિપત્નીઓ ગાતી વગાડતી હતી,આશ્રમમાં આનંદ હતો એ વખતે દૈવયોગે શત્રુગ્ન વિધિવશ ત્યાં ગયા.પરિવારમાં સૌથી નાનાને બધાની યાદ આવતી હોય છે.
વાલ્મીકિય રામાયણ ઘરઘરમાં નથી પહોંચ્યું કારણકે સંસ્કૃતમાં છે.આદિમાં તો એ જ છે.વધારે પડતું વિદ્વાનોની પાસે રહ્યું છે.પણ મૂળ છે,પર્ણનો પ્રચાર થાય પણ મૂળ ધરતીમાં હોય છે.એનો કાલખંડ રામની પહેલાંનો છે,એ પછી રામ આવ્યા છે.રામનાં કાળ વિશે અલગ-અલગ વિદ્વાનોના પોતાના મતાંતરો છે પણ આદિકાળ છે.

વાલ્મીકિએ બીંબ-રામ,છાયા-સિતા અને પ્રતિબિંબને પણ આશ્રય આપ્યો છે.

પહેલો શ્લોક ઓમથી શરૂ થાય છે.પછી દર હજારમાં શ્લોકે ભુર ભુવ: સ્વ: આ ગાયત્રી મંત્રના શ્લોક આવે છે.વાલ્મીકીય રામાયણ ગાયત્રી મંત્રનો જ વિસ્તાર છે.વાલ્મીકિને ખૂબ આનંદ આવ્યો પણ એક પીડા શરૂ થઈ કે ગ્રંથ તો બની ગયો પણ એને ગાનાર કોણ કુશ મોટો અને લવ નાનો છે.બંને આઠ વર્ષના થયા ત્યારે બંનેના હૃદયમાં રામાયણના દરેક શબ્દ અને બીટવીન ધ લાઇન્સ પણ એને સમજાવી.જેમ કહે છે મારી તિજોરીમાં અઢળક નાણા,પણ મારે કૂંચી કોને સોંપવી!-આ બાળકો ગાશે તો ખરા પણ સાંભળનાર કોણ?શ્રોતા કોણ?વાલ્મીકિએ પોતાનાં હાથે પત્ર લખીને વનમાં એક-એક આશ્રમમાં મોકલાવ્યો કે રામકથાનું ગાયન થાય છે,આપ આવો.ઋષિમુનિઓ પોતાના તપ-સાધના છોડીને આવ્યા.આખો આશ્રમ ભરાઈ ગયો.લવ-કુશે એવું ગાયું કે જાણે પ્રત્યક્ષ દર્શન હોય.ધર્મસભા કરતા પણ સાધુસભા વધુ સારો શબ્દ લાગે છે.

કથા સાંભળવાથી દોષ,દુઃખ અને સંતાપ મટી જવા જોઈએ.વિશ્વ પૂજ્ય માણસ હોય પણ એમાં સત્ય ન મળે તો એને ન સંભળાય.

પહેલો પ્રયોગ સફળ થયો.ફરી વાલ્મીકિને એક મનોરથ થયો કે આ કથા બાળકો દ્વારા અયોધ્યામાં પણ ગવાય.

અયોધ્યામાં રાજારામ યજ્ઞ કરી રહ્યા હતા એ અવસર હતો.વાલ્મીકિએ લવ-કુશને મોકલવાનો નિર્ણય કર્યો.સરસ્વતી દીક્ષિત બે વીણાઓ આપીને કહ્યું અયોધ્યામાં કોઈની ઘરે ભોજન ન કરતા,તમારી માતાનું નામ ન આપતા પણ પૂછે તો કહેજો કે વાલ્મીકિનાં શિષ્ય છીએ. બાળકો અયોધ્યા તરફ જાય છે.

બાપુ વારકરિ કીર્તન સાથે અતિ ભાવમગ્ન થઈને કથા મંડપમાં બધાની સાથે કીર્તનથી ઝૂમ્યા.આખો કથા મંડપ ભાવમગ્ન થઈને બાપુની સાથે કીર્તનમાં ઝૂમી ઉઠ્યો.

 


Spread the love

Check Also

કથામાં ક્રાઉડ નહીં કંપની હોય છે.

Spread the loveકથા જેવું કોઈ માધ્યમ નથી,શ્રવણ જેવું કોઈ સાધન નથી અને રામ જેવી કોઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *