
અમદાવાદ, ગુજરાત | ૧૮ ઓક્ટોબર ૨૦૨૬ | ગુજરાતની અગ્રગણ્ય હરોળની મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો.ઓપ. બેંક, ધી કાલુપુર કોમ. કો.ઓપ. બેંક લિ. બેંકીંગ કામકાજની સાથે વિવિધ સેવાકીય અને સામાજીક પ્રવૃત્તિઓ વર્ષોથી કરતી આવી રહી છે. જેમાં દર વર્ષે ઓકટોબર મહિનામાં “Joy of Giving” અંતર્ગત કર્મચારીઓ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.
“Joy of Giving” અંતર્ગત વધુમાં વધુ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચવા માટે આ વર્ષે કર્મચારીઓ ધ્વારા ગ્રાહકો, પરિચિતો તેમજ શુભેચ્છકો પાસેથી તેમના ઘરમાં રહેલી બિનજરૂરી પણ ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓ તથા અનાજનું એકત્રીકરણ કરવામાં આવેલ. સૌ સેવાભાવી લોકોના સહયોગથી કર્મચારીઓએ ૨૭,૦૦૦ થી વધુ સામગ્રી અને અનાજ ભરેલા ડોનેશન બોકસ એકત્રીત કરી સદવિચાર પરિવારના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને પહોંચાડી અનેક ચહેરાઓ પર દિવાળીના શુભ પર્વે સ્મિત લાવવાનું શુભ કાર્ય કરેલ છે.
આ કામગીરીની મહેંક સમાજમાં ફેલાય તે માટે બેંક ધ્વારા “આનંદ અર્પણનો” કાર્યક્રમનું આયોજન પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડીટોરિયમ ખાતે માનનીય રાજયપાલ, ગુજરાત રાજય શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવેલ.
ગુજરાત રાજયના માનનીય રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ્હસ્તે આ સામગ્રી ભરેલા ૨૭,૦૦૦ થી વધુ બોકસની પ્રતિકાત્મક અર્પણ વિધિ કરવામાં આવેલ જે સદવિચાર પરિવારનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પી.કે. લહેરી સાહેબ ધ્વારા સ્વીકારવામાં આવેલ.
ઉપરોકત પ્રસંગે ગુજરાત રાજયના માનનીય રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, સદવિચાર પરિવારના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી પી.કે. લહેરી સાહેબ, કાલુપુર બેંકના ચેરમેન શ્રી મિનેશભાઈ પટેલ, પૂર્વ ચેરમેન અને ડિરેકટરશ્રી અંબુભાઈ પટેલ, શ્રી નવનીતભાઈ પટેલ, પૂર્વ ચેરમેન શ્રી દિનેશભાઈ અમીન તથા બેંકના સી.ઈ.ઓ. સી.એ. શ્રી વિરાગભાઈ શાહ તથા બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ અને મેનેજમેન્ટના સભ્યો, શાખા વિકાસ સમિતિના સભ્યો, સેવાભાવી સંસ્થાઓના વડાઓ, સદવિચાર પરિવારના સભ્યો, આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ, બેંકના ગ્રાહકો તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહેલ.
== સમાપ્ત ==
Aajna Samachar