મોરારી બાપુએ કન્યાકુમારીથી કેદારનાથ સુધીની પવિત્ર ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો શુભારંભ કર્યો

Spread the love

કન્યાકુમારી | ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ | ભારતની મુખ્ય ભૂમિના દક્ષિણ છેડે આવેલા કન્યાકુમારીમાં આજે એક આધ્યાત્મિક યાત્રાનો શુભારંભ થયો. પૂજ્ય મોરારી બાપુએ કન્યાકુમારીથી ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો પ્રારંભ કર્યો અને કેદારનાથ તરફની તેમની તીર્થયાત્રાના પ્રથમ રેલવે તબક્કા માટે પ્રસ્થાન કર્યું.

ભારત સ્વસ્તિક યાત્રાના રેલવે તબક્કાનો વિધિવત શુભારંભ સવારે 11 વાગ્યે કન્યાકુમારી રેલવે સ્ટેશન પર પૂજ્ય મોરારી બાપુ અને અનેક વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિમાં થયો હતો. આ પ્રસંગે શૃંગેરી શારદા પીઠમના શંકરાચાર્યના પ્રતિનિધિ આનંદજી, વિવેકાનંદ રોક મેમોરિયલ અને વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીનાં જીવનવ્રતી કાર્યકર અને સચિવ (વહીવટ) કુમારી બી. રાધા દેવી, સતુઆ બાબા, મદન પાલીવાલ તથા ભારતીય રેલવેના અચ્યુત અનુરાગ ઉપસ્થિત રહ્યા હતા. આધ્યાત્મિક સંતો, મહાનુભાવો, શ્રદ્ધાળુઓ અને સ્થાનિક સમુદાયના સભ્યોની ઉપસ્થિતિએ આ ઐતિહાસિક યાત્રાના શુભારંભને વિશેષ બનાવ્યો હતો. આ આયોજન ભારતની આધ્યાત્મિક પરંપરાઓ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને એકસૂત્રમાં પરોવવાનું પ્રતીક બન્યું હતું.

પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં પૂજ્ય મોરારી બાપુએ કહ્યું, “સ્વસ્તિક એ મંગળ, કલ્યાણ અને સદ્ભાવનાનું પ્રતીક છે, જેમાં ચારેય દિશાઓમાં વિસ્તરણની ભાવના સમાયેલી છે. ભારત સ્વસ્તિક યાત્રા આ જ ભાવના અને સમગ્ર વિશ્વના કલ્યાણની પ્રાર્થના સાથે આગળ વધી રહી છે. આ યાત્રાનો પાયો ચાર મુખ્ય મૂલ્યો પર આધારિત છે—ત્યાગ, તપ, તિતિક્ષા અને તર્પણ.”

ત્યાગ એ એવા લોકોના સમર્પણ અને બલિદાનને દર્શાવે છે, જેમણે આ પ્રયાસ માટે પોતાને અને પોતાના પરિવારોને સમર્પિત કર્યા છે. તપ એ તમામ લોકોની નિષ્ઠા, સાધના અને અથાક પરિશ્રમનું પ્રતીક છે, જેમણે આ યાત્રાના આયોજનમાં યોગદાન આપ્યું છે, ખાસ કરીને મદનજીના પરિવાર અને રૂપેશના. તિતિક્ષા એ એવા લોકોની ભાવનાને સમર્પિત છે, જેઓ આ યાત્રામાં સામેલ થઈ શક્યા નથી, પરંતુ તેમાં સહભાગી બનવાની ઊંડી અને સાચી ઇચ્છા ધરાવે છે. જ્યારે આજે અમાસના દિવસે તર્પણનું વિશેષ મહત્ત્વ છે. આ પિતૃઓને અર્પણ કરવાની અવધિનો અંતિમ દિવસ છે અને આવતીકાલથી નવરાત્રિનો શુભ આરંભ થવા જઈ રહ્યો છે.

“આ યાત્રા અત્યંત-અત્યંત-અત્યંત દુર્ગમ છે, પરંતુ ભગવાન શ્રીરામની કૃપાથી તે સુગમ બની જશે.

આ ચારેય મૂલ્યો મળીને ભારત સ્વસ્તિક યાત્રાને ગહન અર્થ પ્રદાન કરે છે. આ ત્યાગ, સમર્પણ, ધૈર્ય અને કૃતજ્ઞતાની યાત્રા છે, જે સમગ્ર વિશ્વના કલ્યાણની પ્રાર્થના સાથે આગળ વધી રહી છે.”

યાત્રાના શુભારંભ બાદ કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ કેન્દ્રમાં આ યાત્રાની પ્રથમ રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાનો પ્રારંભ શૃંગેરી શારદા પીઠમના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલા સ્વસ્તિ વાચનથી થયો હતો, જેમાં યાત્રા મંગલમય રહે અને આગામી માર્ગ માટે આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ શૃંગેરી શારદા પીઠમના પરમ પૂજ્ય જગદગુરુ શંકરાચાર્ય શ્રી ભારતી તીર્થ મહાસન્નિધાનમનો વિશેષ વીડિયો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમણે ભારત સ્વસ્તિક યાત્રા અને આધ્યાત્મિક તથા રાષ્ટ્રીય એકાત્મતાના તેના વ્યાપક ઉદ્દેશ્ય માટે પોતાના આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવ્યાં હતાં.

શૃંગેરી શારદા પીઠમના શંકરાચાર્યના પ્રતિનિધિ આનંદજીએ કહ્યું, “જો આપણે રામકથાને એક મેઘના રૂપમાં જોઈએ, તો તેનું દિવ્ય અમૃત રામામૃત છે, જેને પૂજ્ય મોરારી બાપુ પોતાના વચનોના માધ્યમથી આપણા પર વરસાવવા માગે છે. આ આધ્યાત્મિક યાત્રાનો ઉદ્દેશ્ય આપણને અરિષડ્વર્ગ એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા છ આંતરિક શત્રુઓથી ઉપર ઊઠવા તથા સ્વસ્તિ એટલે કે કલ્યાણ અને સદ્ભાવની અવસ્થા અપનાવવામાં મદદ કરવાનો છે.”

“ભારત સ્વસ્તિક યાત્રાનો ઉદ્દેશ્ય માત્ર વ્યક્તિગત કલ્યાણ સુધી સીમિત નથી, પરંતુ સમગ્ર માનવજાત અને વિશ્વના કલ્યાણની ભાવના સાથે જોડાયેલો છે. મારું માનવું છે કે આ જ આ પવિત્ર પહેલની વાસ્તવિક ભાવના છે. અમને અમારા ગુરુદેવ, પરમ પૂજ્ય જગદગુરુ શંકરાચાર્ય શ્રી ભારતી તીર્થ મહાસન્નિધાનમ, શૃંગેરી શારદા પીઠમના માર્ગદર્શન અને પ્રેરણાના આશીર્વાદ પ્રાપ્ત છે. તેમના આશીર્વાદ આ પ્રયાસને વિશેષ મહત્ત્વ પ્રદાન કરે છે.”

કન્યાકુમારીથી શરૂ થઈ હિમાલય તરફ આગળ વધતી આ યાત્રા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓના માધ્યમથી દેશની લંબાઈ અને વ્યાપને પ્રતીકાત્મક રીતે જોડવાનો પ્રયાસ છે. યાત્રાનો પ્રથમ તબક્કો 10થી 23 ઑક્ટોબર સુધી કન્યાકુમારીથી કેદારનાથ સુધી ચાલશે. આ દરમિયાન કાલડી, શૃંગેરી, હમ્પી, તુળજાપુર, ઓમકારેશ્વર, ઝાંસી, મથુરા, કુરુક્ષેત્ર, અટારી-વાઘા અને જમ્મુ સહિતનાં અનેક મહત્ત્વપૂર્ણ સ્થળો પરથી પસાર થઈને યાત્રા કેદારનાથ પહોંચશે.

આ યાત્રાની પરિકલ્પના સ્વસ્તિકના ગહન અર્થ અને સનાતન ધર્મમાં તેના મહત્ત્વને સમજવા સાથે જોડાયેલી છે. સ્વસ્તિક મંગળ, સદ્ભાવ, સંતુલન અને કલ્યાણનું પ્રતીક છે. તેની ચાર ભુજાઓને પરંપરાગત રીતે ચાર દિશાઓ, ચાર વેદો, ચાર પુરુષાર્થો—ધર્મ, અર્થ, કામ અને મોક્ષ—તથા જીવનના ચાર આશ્રમો જેવી સંકલ્પનાઓ સાથે જોડવામાં આવે છે.

આ યાત્રા સ્વસ્તિકના શાશ્વત સંદેશ ‘સ્વસ્તિ’ એટલે કે કલ્યાણ, મંગળ અને શુભતામાંથી પ્રેરણા લે છે. સ્વસ્તિકની ચાર ભુજાઓ ચારેય દિશાઓના એકસાથે આવવાનું પ્રતીક છે. આ યાત્રાના મૂળ વિચારને પ્રતિબિંબિત કરે છે કે ભારતના વિવિધ પ્રદેશો એક વ્યાપક સભ્યતાકીય અને આધ્યાત્મિક પરંપરાના અભિન્ન અંગો છે.

કન્યાકુમારીથી કેદારનાથ સુધીની આ યાત્રા આદિ શંકરાચાર્યની ભારતભરની યાત્રાઓનું પણ સ્મરણ કરાવે છે. આદિ શંકરાચાર્યે સનાતન ધર્મના માધ્યમથી ભારતના વિવિધ પ્રદેશોને જોડવાનો પ્રયાસ કર્યો હતો. આ યાત્રા દ્વારા પૂજ્ય મોરારી બાપુ એ જ વ્યાપક એકાત્મતાની ભાવનાને આગળ વધારવા માગે છે, જેથી વિવિધ પ્રદેશો અને જીવનનાં અલગ-અલગ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો એકસાથે આવી શકે.

ભારત સ્વસ્તિક યાત્રાના પ્રથમ તબક્કામાં આશરે 900 શ્રદ્ધાળુઓ પૂજ્ય મોરારી બાપુ સાથે બે વિશેષ ટ્રેનો—‘કૈલાશ ભારત ગૌરવ’ અને ‘ચિત્રકૂટ ભારત ગૌરવ’માં યાત્રા કરી રહ્યા છે. આ ટ્રેનોમાં અનુક્રમે 22 અને 16 કોચ છે.

પૂજ્ય મોરારી બાપુએ આ તીર્થયાત્રાના બંને તબક્કા—કન્યાકુમારીથી કેદારનાથ અને દ્વારકાથી પુરી સુધીની યાત્રામાં તેમની સાથે જોડાનારા શ્રદ્ધાળુઓ માટેની રામકથાનું નામ ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ રાખ્યું છે. આ અનુક્રમે તેમની 985મી અને 986મી રામકથા હશે, જે રામચરિતમાનસ સાથેની તેમની લાંબી આધ્યાત્મિક યાત્રામાં વધુ એક મહત્ત્વપૂર્ણ અધ્યાય ઉમેરશે.

આ યાત્રામાં આધ્યાત્મિક સંતો, આચાર્યો, વિદ્વાનો, ઉદ્યોગપતિઓ, સમાજના અગ્રણીઓ, સામાજિક આગેવાનો અને વિવિધ સમુદાયોના પ્રતિનિધિઓ સહભાગી થઈ રહ્યા છે. આ રીતે, આ યાત્રા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિવિધતાની સામૂહિક અભિવ્યક્તિ બની રહી છે.

‘ભારત સ્વસ્તિક યાત્રા’નું આયોજન સંતકૃપા સનાતન સંસ્થાન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

મિરાજ ગ્રુપના ચેરમેન અને સંતકૃપા સનાતન સંસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી મદન પાલીવાલે જણાવ્યું હતું કે, “ભારત સ્વસ્તિક યાત્રાનો શુભારંભ સામૂહિક આસ્થા અને સહભાગિતાનો અવસર છે. આ યાત્રાની વિશેષતા એ છે કે તે કોઈ એક વ્યક્તિનો પ્રયાસ નથી, પરંતુ જીવનનાં વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોનો સહિયારો અનુભવ છે. કથા, સેવા અને યાત્રા દરમિયાન સાથે વિતાવેલા સમયના માધ્યમથી અમે એવી તક ઊભી કરવા માગીએ છીએ, જ્યાં લોકો પોતાનાં મૂલ્યો, એકબીજા સાથેના સંબંધો અને પોતાની સભ્યતાના વિરાસત સાથે વધુ ઊંડાણપૂર્વક ફરીથી જોડાઈ શકે.

અમારા માટે આ યાત્રાની સાચી સફળતા એમાં હશે કે તે પોતાના દરેક પડાવ પર પરસ્પર એકતા, સદ્ભાવ અને સદભાવનાની ભાવના છોડી જાય છે.”

યાત્રાનો પ્રથમ તબક્કો 23 ઓક્ટોબરે કેદારનાથમાં પૂર્ણ થશે. તેનો બીજો તબક્કો 14 નવેમ્બરે દ્વારકાથી શરૂ થઈને 22 નવેમ્બરે જગન્નાથ પુરીમાં પૂર્ણ થશે. આ રીતે સમગ્ર દેશમાં સ્વસ્તિકની વ્યાપક પરિકલ્પનાને પૂર્ણતા તરફ લઈ જવામાં આવશે.

પૂજ્ય મોરારી બાપુની રામકથાઓ હંમેશાં સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ આપતી રહી છે. ભારત સ્વસ્તિક યાત્રા આ જ મૂલ્યોને સમગ્ર ભારતમાં એક વ્યાપક આધ્યાત્મિક યાત્રા તરીકે આગળ વધારવાનો પ્રયાસ છે. યાત્રા દરમિયાન આયોજિત રામકથા અને સંબંધિત કાર્યક્રમો સૌ કોઈ માટે ખુલ્લા રહેશે. યાત્રાના દરેક પડાવ પર પ્રસાદ સ્વરૂપે શાકાહારી સામૂહિક ભોજન (ભંડારા)ની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

BSE અને મીશોનો પ્રોજેક્ટ શિખર સુરત પહોંચ્યો; ઈ-કોમર્સ વિક્રેતાઓ વચ્ચે SME IPO અંગે જાગૃતિ વધારવાની પહેલ

Spread the loveભારતના મુખ્ય ઉદ્યોગસાહસિક અને MSME કેન્દ્રોમાંના એક એવા સુરતમાં SME IPO અંગે જાગૃતિ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *