આદિ શંકરાચાર્યની જન્મભૂમિ કાલડીમાં આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપુની રામકથા ભારત સ્વસ્તિક યાત્રા પોતાની પવિત્ર યાત્રાની પ્રેરણા શક્તિને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પે છે

Spread the love

આદિ શંકરાચાર્યની જન્મભૂમિ કાલડીમાં આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપુની રામકથા ભારત સ્વસ્તિક યાત્રા પોતાની પવિત્ર યાત્રાની પ્રેરણા શક્તિને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પે છે

કાલડી, કેરાલા | ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ | ભારત સ્વસ્તિક યાત્રાએ આજે પોતાની આધ્યાત્મિક સફરના એક અત્યંત મહત્ત્વપૂર્ણ તીર્થસ્થળે પદાર્પણ કર્યું હતું. પૂજ્ય મોરારીબાપુ 11 ઑક્ટોબરના રોજ કેરળના કાલડી ખાતે પહોંચ્યા હતા. આદિ શંકરાચાર્યની જન્મભૂમિ તરીકે પૂજનીય આ પાવન ભૂમિ પર તેમણે રામકથાનું રસપાન કરાવ્યું હતું. ભારત સ્વસ્તિક યાત્રામાં કાલડીની આ મુલાકાત વિશેષ મહત્ત્વ ધરાવતી હતી. આ એ પાવન ભૂમિ છે, જ્યાં આદિ શંકરાચાર્યનું પ્રારંભિક જીવન વીત્યું હતું. અહીંથી જ તેમણે સમગ્ર ભારતનો પ્રવાસ ખેડી, વિવિધ દાર્શનિક પરંપરાઓ સાથે સંવાદ સાધ્યો અને અદ્વૈત વેદાંતને ભારતીય તત્ત્વજ્ઞાનની મુખ્ય વિચારધારાઓમાંની એક તરીકે સ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

ભારત સ્વસ્તિક યાત્રા માટે કાલડીની પાવન ભૂમિ પર પૂજ્ય મોરારીબાપુની ઉપસ્થિતિ વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતી હતી. ભારતના વિવિધ પ્રદેશોને સહિયારા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસા દ્વારા જોડવાના ઉદ્દેશ સાથે આ યાત્રા સમગ્ર ભારતભ્રમણ કરી રહી છે. સદીઓ પૂર્વે આદિ શંકરાચાર્યએ સમગ્ર દેશમાં કરેલી ધર્મયાત્રા આ જ સંકલ્પનાને ઐતિહાસિક સંદર્ભ પૂરો પાડે છે અને યાત્રાના ઉદ્દેશને વધુ પ્રસ્તુત બનાવે છે.

પેરિયાર નદીના કિનારે વસેલું કાલડી આદિ શંકરાચાર્યના બાળપણ, તેમનાં માતા આર્યામ્બા અને તેમના પ્રારંભિક આધ્યાત્મિક જીવન સાથે સંકળાયેલી પરંપરાઓને આજે પણ જીવંત રાખે છે. આ ભૂમિ આદિ શંકરાચાર્યના સંન્યાસ ગ્રહણ સાથે જોડાયેલી પરંપરાઓ માટે પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. અહીંથી જ તેમની એ આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ થયો હોવાનું મનાય છે, જે આગળ જતાં સમગ્ર ભારતના ખૂણેખૂણા સુધી વિસ્તરી હતી.

કાલડી ખાતે ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધિત કરતાં આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારીબાપુએ રામચરિતમાનસનો સંદેશ એવી પાવન ભૂમિ પર વહેતો કર્યો, જે સદીઓથી વેદાંતના અધ્યયન અને આધ્યાત્મિક ચિંતન-મનનના મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પ્રતિષ્ઠિત રહી છે. રામકથાએ જ્ઞાનની શોધ, આત્મચિંતન અને સનાતન ધર્મનાં ગહન તત્ત્વોને સમજવાની કાલડીની ચિરંતન પરંપરાને સમકાલીન અભિવ્યક્તિ પ્રદાન કરી હતી.

કથાના પ્રવચન દરમિયાન પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું હતું કે, “કાલડી આદિ શંકરાચાર્ય જેવા મૂળ પુરુષની ભૂમિ છે. આજે મારા મનમાં વારંવાર ‘મૂળ’ શબ્દના અર્થ અને મહત્ત્વના વિચારો આવતા રહ્યા. ફૂલો અને કાંટા ક્યાં હોય છે? ડાળીઓ પર. ડાળીઓ ક્યાંથી ઊગે છે? થડમાંથી. થડને શક્તિ મૂળમાંથી મળે છે, મૂળ ધરતીમાં સ્થિત છે, ધરતી શેષનાગ પર ટકેલી છે અને શેષનાગ મહાદેવ પર આધારિત છે. આમ, સમગ્ર સૃષ્ટિના મૂળમાં મહાદેવ છે. આપણે ક્યારેય આપણાં મૂળ, આપણા મૂળસ્રોતને ભૂલવાં ન જોઈએ.”

પૂજ્ય બાપુએ માતા આર્યામ્બાનું પણ સ્મરણ કર્યું, જેમની કૂખે અધ્યાત્મજ્ઞાનના માર્ગને પ્રજ્વલિત કરનાર મહાન આત્મા આદિ શંકરાચાર્યએ જન્મ લીધો હતો. તેમણે જણાવ્યું કે આ પવિત્ર ભૂમિ પર ઉપસ્થિત રહેવું એ સૌભાગ્ય અને આશીર્વાદ સમાન છે, કારણ કે આ ભૂમિ આપણને સૌને આધાર આપતાં અને આપણું અસ્તિત્વ ટકાવી રાખતાં મૂળ સાથે પુનઃજોડાવાની પ્રેરણા આપે છે.

“આજે દ્વારકાધીશના પૂજારીશ્રીનું અહીં આગમન થયું, તે પણ એટલું જ મંગલકારી છે. 14 ઑક્ટોબરથી દ્વારકાથી ભારત સ્વસ્તિક યાત્રાના આગામી ચરણનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે હું કાલડી, શૃંગેરી તેમજ કન્યાકુમારી સહિત આ યાત્રા સાથે સંકળાયેલાં તમામ પવિત્ર તીર્થસ્થળોના સૌને દ્વારકા ખાતે યોજાનારી રામકથામાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ આપું છું.”

આદિ શંકરાચાર્ય સાથે સંકળાયેલા અખિલ ભારતીય આધ્યાત્મિક ભૂગોળના સંદર્ભમાં કાલડી અને ભારત સ્વસ્તિક યાત્રા વચ્ચેનું જોડાણ પણ વિશેષ મહત્ત્વ ધારણ કરે છે. પરંપરા અનુસાર, આદિ શંકરાચાર્યને ભારતની ચારેય દિશાઓમાં આવેલા ચાર મુખ્ય મઠો સાથે સાંકળવામાં આવે છે — દક્ષિણમાં શૃંગેરી, પશ્ચિમમાં દ્વારકા, પૂર્વમાં પુરી અને ઉત્તરમાં જ્યોતિર્મઠ. આદિ શંકરાચાર્યના ભારતભ્રમણ અને તેમના ઉપદેશોએ એક એવી આધ્યાત્મિક પરંપરાનું નિર્માણ કર્યું, જેણે દેશના દૂર-દૂરના પ્રદેશોને એક સમાન દાર્શનિક દૃષ્ટિકોણ અને સાંસ્કૃતિક વારસાના તાંતણે જોડ્યા.

સ્વસ્તિક પણ ચારેય દિશાઓના સમન્વયની ભાવનાને સાકાર કરે છે. તેની ચારેય ભુજાઓ ચારેય દિશાઓમાં વિસ્તરે છે, છતાં તે કેન્દ્ર સાથે જોડાયેલી રહે છે. આ જ વિશેષતા સ્વસ્તિકને મંગળ, કલ્યાણ અને સુખાકારીના ચિરંતન પ્રતીક તરીકે સ્થાપિત કરે છે. ભારત સ્વસ્તિક યાત્રાના સંદર્ભમાં સ્વસ્તિક ભારતની પરસ્પર સંકળાયેલી આધ્યાત્મિક પરંપરાઓ અને સાંસ્કૃતિક એકતાનું સશક્ત પ્રતીક બની રહે છે. ભારત સ્વસ્તિક યાત્રાના પ્રથમ ચરણમાં પૂજ્ય મોરારી બાપુની સાથે આશરે 900 શ્રદ્ધાળુઓ બે વિશેષ ટ્રેનો દ્વારા યાત્રા કરી રહ્યા છે. આ ટ્રેનોનાં નામ કૈલાશ ભારત ગૌરવ અને ચિત્રકૂટ ભારત ગૌરવ છે. આ પૈકી કૈલાશ ભારત ગૌરવ ટ્રેનમાં 22 કોચ, જ્યારે ચિત્રકૂટ ભારત ગૌરવ ટ્રેનમાં 16 કોચનો સમાવેશ થાય છે.

સંતકૃપા સનાતન સંસ્થાન દ્વારા આયોજિત ભારત સ્વસ્તિક યાત્રા દેશભરમાં પોતાની આધ્યાત્મિક સફર દરમિયાન વિવિધ ક્ષેત્રો અને જીવનનાં અલગ-અલગ વર્ગો સાથે સંકળાયેલા શ્રદ્ધાળુઓને એકસાથે જોડવાનું કાર્ય કરી રહી છે.

મિરાજ ગ્રુપના ચેરમેન અને સંતકૃપા સનાતન સંસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી મદન પાલીવાલે જણાવ્યું હતું કે, “આદિ શંકરાચાર્યની જન્મભૂમિ કાલડી ખાતે પહોંચવું એ ભારત સ્વસ્તિક યાત્રા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ અને ભાવનાત્મક ક્ષણ છે. આદિ શંકરાચાર્યની સમગ્ર ભારતની યાત્રા અને સનાતન ધર્મમાં તેમનું અવિસ્મરણીય યોગદાન આ સ્થળને આપણા માટે વિશેષ મહત્ત્વપૂર્ણ બનાવે છે. અહીં પૂજ્ય મોરારીબાપુની રામકથા એ શાશ્વત આધ્યાત્મિક વારસાને વર્તમાન સમય સાથે જીવંત સંવાદના તાંતણે જોડે છે.”

કન્યાકુમારીથી કેદારનાથ તરફ આગળ વધી રહેલી ભારત સ્વસ્તિક યાત્રાના સંદર્ભમાં કાલડીનું વિશેષ મહત્ત્વ છે. ભારતના દક્ષિણ છેડેથી પ્રારંભ થયેલી આ યાત્રા હવે દેશના સૌથી પ્રભાવશાળી આચાર્યોમાંના એક આદિ શંકરાચાર્યની જન્મભૂમિ સાથે સંકળાયેલી પાવન ભૂમિએ પહોંચી છે. અહીંથી યાત્રા હિમાલય તરફની પોતાની ઉત્તરાભિમુખ સફર આગળ ધપાવશે. કાલડી ખાતે યોજાયેલી રામકથા ભારત સ્વસ્તિક યાત્રાના પ્રથમ ચરણનો એક ભાગ છે. આ યાત્રાનો પ્રારંભ 10 ઑક્ટોબરના રોજ કન્યાકુમારીથી થયો હતો અને 23 ઑક્ટોબરના રોજ કેદારનાથ ખાતે તેનું સમાપન થશે. આ દરમિયાન યાત્રા માર્ગમાં આવતાં અનેક મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્રોની મુલાકાત લેશે.

પૂજ્ય મોરારીબાપુ માટે ભારત સ્વસ્તિક યાત્રા એ રામકથાના માધ્યમથી દેશના વિવિધ પ્રદેશો સુધી સત્ય, પ્રેમ અને કરુણાનાં મૂલ્યો પહોંચાડવાની એક વિશેષ તક છે. સાથોસાથ, આ યાત્રા સદીઓથી ભારતની આધ્યાત્મિક ચેતનાને ઘડતી આવેલી વિવિધ આધ્યાત્મિક પરંપરાઓ સાથે સંવાદ સાધવાનું માધ્યમ પણ બની રહી છે. આમ, કાલડી ખાતેનો દિવસ ભારત સ્વસ્તિક યાત્રાના એક મહત્ત્વપૂર્ણ પડાવ તરીકે અંકિત થયો. આદિ શંકરાચાર્યની જન્મભૂમિ સાથે સંકળાયેલી આ પાવન ભૂમિ પર યાત્રાનો પરિચય જ્ઞાન, તત્ત્વચિંતન અને આધ્યાત્મિક અન્વેષણની એવી જીવંત પરંપરા સાથે થયો, જે આજે પણ સમગ્ર ભારતના સનાતન ધર્મને પ્રભાવિત કરી રહી છે.

પૂજ્ય મોરારીબાપુ વિશે 

પૂજ્ય મોરારીબાપુનો જન્મ ઈ.સ. 1946માં મહાશિવરાત્રિના પાવન પર્વે થયો હતો. છ દાયકાથી વધુ સમયથી તેઓ રામકથાનું ગાન અને રસપાન કરાવી રહ્યા છે. માત્ર 14 વર્ષની વયે ગુજરાતના એક ગામમાં વૃક્ષની છાયામાંથી તેમની આ આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ થયો હતો. તેમના દાદાશ્રી અને ગુરુ ત્રિભુવનદાસજી પાસેથી તેમણે રામચરિતમાનસનું જ્ઞાન અને સંસ્કાર પ્રાપ્ત કર્યા હતા. વૈદિક સનાતન ધર્મની પરંપરામાંથી પ્રેરણા મેળવીને, જેને લોકપ્રિય રીતે હિન્દુ સનાતન ધર્મ તરીકે ઓળખવામાં આવે છે, પૂજ્ય બાપુ પોતાની રામકથાઓમાં વિશ્વશાંતિ, સત્ય, પ્રેમ અને કરુણા જેવા સાર્વત્રિક મૂલ્યો પર વિશેષ ભાર મૂકે છે. તેમની રામકથામાં દેશ-વિદેશના વિવિધ પ્રદેશો, જ્ઞાતિઓ અને સંપ્રદાયોના લોકો કોઈ પણ ભેદભાવ વિના સહભાગી બને છે.

છેલ્લાં કેટલાંક દાયકાઓ દરમિયાન પૂજ્ય મોરારીબાપુએ ભારતનાં અનેક શહેરો અને તીર્થસ્થળો ઉપરાંત શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, કેન્યા, યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, બ્રાઝિલ, ઑસ્ટ્રેલિયા, ઇઝરાયેલ અને જાપાન સહિત વિશ્વના અનેક દેશોમાં 950થી વધુ રામકથાઓનું આયોજન કર્યું છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ સહભાગી બન્યા છે. તાજેતરમાં તેમણે ટ્રેન દ્વારા ભારતનાં તમામ 12 જ્યોતિર્લિંગોમાં રામકથા કરી હતી. આ ઉપરાંત, ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્યાલય તેમજ યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજ અને હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે પણ તેમણે વિશિષ્ટ રામકથાઓનું આયોજન કર્યું હતું. વિશ્વ પ્રદક્ષિણાની યાત્રા દરમિયાન તેમણે જહાજ અને વિમાનમાં પણ રામકથાનું રસપાન કરાવ્યું હતું. આ રીતે, તેમણે રામકથાને વિવિધ દેશો, સંસ્કૃતિઓ અને વિશિષ્ટ સ્થળો સુધી પહોંચાડીને આધ્યાત્મિક સંવાદની નવી ક્ષિતિજો ખોલી છે.

પરંપરાગત કથા સ્થળોથી આગળ વધીને, પૂજ્ય મોરારીબાપુએ સમાજના વંચિત અને ઉપેક્ષિત વર્ગો સુધી પણ રામકથાનો સંદેશ પહોંચાડ્યો છે. આ અંતર્ગત તેમણે સેક્સ વર્કર્સ અને ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો માટે પણ રામકથાનું આયોજન કર્યું છે. આ ઉપરાંત, વિશ્વના વિવિધ ભાગોમાં કુદરતી આફતો અને માનવસર્જિત સંકટોથી પ્રભાવિત વિસ્તારોમાં તેમણે માનવતાવાદી રાહતકાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું છે. યુદ્ધગ્રસ્ત યુક્રેન અને ઇઝરાયેલ સહિતના વિસ્તારોમાં પણ તેમણે માનવસેવાની પ્રવૃત્તિઓમાં સહભાગી બનીને કરુણા, સંવેદના અને માનવતાનો સંદેશ પ્રસરાવ્યો છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

અમદાવાદમાં પ્રથમ વખત યોજાશે ઓપરેશનલ નેટ-ઝીરો ગરબા, પર્યાવરણ સંરક્ષણ સાથે નવરાત્રિની ઉજવણી

Spread the love યંગ ઇન્ડિયન્સના અમદાવાદ ચેપ્ટર દ્વારા 15 ઓક્ટોબરે ગરબા યોજાશે; દરેક ગરબા પાસના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *