ઋષિ દર્શન કરે છે, મુનિ મનન કરે છે.

Spread the love

ઋષિઓ પાસે સિદ્ધિઓ હોય,મુનિઓ પાસે શુદ્ધિ હોય છે.

ઋષિ બહુધા બ્રહ્માંડોનું,મુનિ પિંડનું દર્શન કરે છે.

કબીર ઋષિ અને મુનિથી બનેલા-સંયુક્ત સાધુ છે.

આપણી નિષ્ઠા થઈ શકે એટલી ગોપનીય રાખો

ચિત્ર ચરિત્ર અને ડિઝાઇન જ પ્રેરણા આપશે.

ભગવાન શ્રી કૃષ્ણની વ્રજલીલાઓનું સાક્ષી એવું અગ્રવન-આગ્રા,ઋષિ-મુનિઓની વંદનાનું ત્રીજું ચરણ,ગુરુવારે મનોમન કર્મપ્રવાહી યમુનાજી સહિત આખી ભૂમિને વંદન કરીને બાપુએ કહ્યું કે વારંવાર સ્પષ્ટતા કરું છું કે ઋષિ અને મુનિઓમાં કોઈ ભેદ ન જુઓ.આ શ્રેષ્ઠ,આ નિમ્ન એવું નહીં વિચારતા.

પણ ઋષિ બહુધા બ્રહ્માંડોનું અને મુનિ પિંડનું દર્શન કરે છે,ભીતરી દર્શન કરે છે.ઋષિઓનાં નેત્ર ખુલ્લા હોય છે,એ દર્શનના દેવતા છે.મુનિગણ ભીતરી દર્શન કરે છે.

દુનિયામાં જેટલા પણ વૈજ્ઞાનિક થયા તેઓને મનિષીઓએ ઋષિ કહ્યા છે.ઋષિઓ માટે બહિર ઉડાન અને મુનિઓ માટે ભીતરી શોધ હોય છે. કાગભુશુંડીની બહિરયાત્રા પણ છે અને ભીતરી યાત્રા પણ છે.એક બ્રહ્માંડોને,એક પિંડને જુએ છે. વિશ્વામિત્ર ઋષિ હોવાને નાતે નવું સ્વર્ગ બનાવવાની વાત કરે છે પણ જ્યારે મહામુનિ બની જાય છે ત્યારે એનું આંતરિક દર્શન શરૂ થાય છે.ઋષિ સદાય મુખર અને મુનિ સદૈવ મૌન હશે.

થોડો મૌનનો અભ્યાસ કરો.સાપ્તાહિક,એક દિવસ કે વર્ષમાં થોડા દિવસો,આપનાં જન્મદિને જેટલા વર્ષના થયા હો એટલા કલાકો,એટલા દિવસોનું મૌન ધારણ કરો.

કબીર ઋષિ છે કે મુનિ?અને એ જ રીતે આપણા મહાપુરુષો નાનકજી,રામકૃષ્ણ પરમહંસ,મીરાંબાઈ, નરસિંહ મહેતા,તુકારામ,જ્ઞાનદેવ,સ્વામી નામદેવ વિશે પણ માનવું?.કબીર ઋષિ અને મુનિથી બનેલો સંયુક્ત સાધુ છે.બધા મહાપુરુષો માટે પણ એ જ કહી શકાય.ગુરુનાં ચિત્રનું દર્શન આપણને સાવધાન કરે છે,ચિત્ર મંઝિલ નથી.જેના ચિત્રને પૂજીએ એનાં ચરિત્રનું ધ્યાન કરીએ,મનન કરીએ.પરમાત્મા કે ગુરુએ જે ચિત્રણ કર્યું એના ઉપર ખૂબ વિચાર કરો. ગુર્જિએફની ભાષામાં ગુરુ એક ડિઝાઇન બનાવે છે. ભગવાન કૃષ્ણ રાસલીલામાં સંલગ્ન થાય એ એની ડિઝાઇન છે.

પંડિત રામકિંકરજી મહારાજે રામાયણનાં ખૂબ રહસ્યો ખોલ્યા છે ત્યારે કથા જગતે એમનાં વિચારોને વિનયથી નામ દઈને પ્રસ્તુત કરવા જોઈએ કારણ કે આજકાલ પ્રજ્ઞાચોરી પણ ખૂબ થાય છે. આપણી નિષ્ઠા થઈ શકે એટલી ગોપનીય રાખો.ચિત્ર ચરિત્ર અને ડિઝાઇન જ પ્રેરણા આપશે.મુનિ થવા માટે ઘણું કરવું પડે છે.ઋષિ દર્શન કરે છે,મુનિ મનન કરે છે.ઋષિ ગૃહસ્થ અને મુનિ ગૃહસ્થ હોય તો પણ વાનપ્રસ્થ છે.ઋષિઓ પાસે સિદ્ધિઓ હોય મુનિઓ પાસે શુદ્ધિ હોય છે.ઋષિ કર્મયોગી છે.

આખાં રામચરિત માનસમાં ‘પરમ સાધુ’ શબ્દ માત્ર એકવાર છે.કોઇ-કોઈ જ હોય છે,સાધુઓનાં મેળા નથી હોતા.’સાધુતા’ શબ્દ પણ એક જ વખત દેખાય છે.મહાકાલનાં મંદિરમાં બેઠેલો પરમસાધુ એ તરફ સંકેત કરે છે.આશ્રમ બનાવ્યાથી પણ મુનિ બની શકાતું નથી

Box

કથા-વિશેષ:

ઋષિઓ ક્રીએટર,નિર્માતા સર્જકો છે.

માનસનાં સાતેય ઋષિઓએ કંઈક ને કંઈક સર્જન કર્યું છે.ઋષિ નિર્માતા છે.

વાલ્મીકિજીએ રામચરિત માનસનું નિર્માણ કર્યું. વશિષ્ઠ ભાગ્ય નિર્માતા છે.પ્રારબ્ધવાદી છે,ઈચ્છે તો ભાગ્ય બદલી શકે એવી શક્તિ ધરાવે છે. વિશ્વામિત્રએ નવા સ્વર્ગનું નિર્માણ કર્યું.

યાજ્ઞવલ્ક્ય કથાનાં નિર્માતા છે.

ભરદ્વાજ રામના માર્ગને કંડારે છે.

અત્રિ દત્તાત્રેયનાં નિર્માતા છે.ત્રણ દેવતાઓનું રૂપ એ દત્તાત્રેય-ભગવાન દત્તનું નિર્માણ અત્રિ દ્વારા થયું છે. કુંભજ મંત્ર નિર્માતા છે.બધા જ ઋષિઓ કર્મઠ છે.

Box

શેષ-વિશેષ:

આપ બહાર ભાગ્યા,હું અંદર-ભીતર ભાગ્યો!

વર્ષો પહેલા સૌરાષ્ટ્રમાં મોરબી પાસે મચ્છુ ડેમ તૂટ્યો. ભયંકર દુર્ઘટના થયેલી.તત્કાલીન મુખ્યમંત્રી સચિવાલય સહિત ત્યાં પહોંચેલા.હું એ વખતે અલિબાડા હતો.રહેવાયું નહીં.પીડિતોને મળવા માટે ગયો.એક ગૃહસ્થની ઘરે બધા બેઠા ત્યારે કહ્યું કે આશ્વાસન આપો!શું આશ્વાસન આપું પણ મનમાં એક ડિઝાઇન શરૂ થઈ.

સિદ્ધાંતને પૂરેપૂરો સમજાવવા માટે દ્રષ્ટાંત દેવું એ ડિઝાઇન છે.સ્વામી રામતીર્થે બનાવેલી એ ડિઝાઇન એ વખતે મનમાં આવેલી.સ્વામીજીએ કહ્યું કે એક સાધુ જાપાન ગયા.જાપાન ભૂકંપોનો દેશ છે,વારંવાર ભૂકંપો આવે.એક ગૃહસ્થની ઘરે સત્સંગ ચાલતો હતો અચાનક ભૂકંપ થયો એના અભ્યાસી હતા એ ઝડપથી બહાર ભાગી ગયા.સાધુ બેઠો રહ્યો.થોડા સમય પછી બધું સરખું થયું,બધાં આવ્યા અને જણાવ્યું કે અમે તો આદતી છીએ અહીંના,એટલે નીકળી જઈએ.તમે તો ભારતથી આવ્યા છતાં પણ ભાગ્યા નહીં?સાધુએ કહ્યું કે ભૂકંપ આવે ત્યારે બધા જ ભાગે છે.આપ બહાર ભાગ્યા,હું અંદર ભીતર ભાગ્યો!જે અંતરયાત્રા કરે છે એને કોઈ ભૂકંપ હલાવી શકતો નથી.એ વખતે મેં કહ્યું કે થોડીક અંતરયાત્રા પણ કરવી.

== સમાપ્ત ==


Spread the love

Check Also

કોકા-કોલા ઇન્ડિયા મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં રિફ્રેશમેન્ટ અને અનોખા ઉત્સવના બ્રાન્ડ અનુભવો લાવે છે

Spread the love કોકા-કોલાનો મજબૂત પોર્ટફોલિયો રિટેઈલ, પાડોશીઓ, પંડાલો અને ઓન-ધ-ગો ટચપોઇન્ટ્સમાં એકત્ર આવીને કંપનીના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *