અધિક માસની અષ્ટમીએ ધૈર્ય, પુન:નિર્માણ અને આસ્થાની ભૂમિ કિલ્લારીથી બાપુની રામકથાનો શુભારંભ થયો

Spread the love

ભવનમાં રાગ હોય,વનમાં વૈરાગ્ય હોય.

શોક મોહ અને ભ્રમનો સત્સંગ કે હરિનામથી જ નાશ થશે.

વાલ્મીકિજીના કહેવા ઉપર તલગાજરડાનાં રામ અહીં નિવાસ કરવા આવ્યા છે.

જ્યાં બધાને આશ્રય મળે,આરામ મળે,આહાર મળે, આગમ મળે,આનંદ મળે,આવકાર મળે,આશ્વાસન મળે-એ સ્થાન આશ્રમ છે. 

બીજ પંક્તિઓ:

દેખત બન સર સૈલ સુહાએ;

બાલમીકિ આશ્રમ પ્રભુ આયે.

રામ દિખ મુનિબાસુ સુહાવન;

સુંદર ગિરિ કાનનુ જલુ પાવન.

બાલમીકિ મન આનંદુ ભારી;

મંગલ મૂરતિ નયન નિહારી

-અયોધ્યા કાંડ

આ બીજ પંક્તિઓનાં ગાયન સાથે અધિક જેઠ માસની અષ્ટમી અને શનિવારે લાતુર જિલ્લાનાં કિલ્લારી ખાતે ૩૩ વર્ષ બાદ બીજી વખત મોરારીબાપુ દ્વારા ૯૭૮મી રામકથાનો શુભારંભ થયો.

ધૈર્ય,પુનઃનિર્માણ અને આસ્થાની આ ભૂમિ ઉપર ૧૯૯૩માં ભૂકંપ વખતે તૂટેલા મનોબળને બાપુની વાણીએ સંભાળેલું.સમગ્ર મહારાષ્ટ્ર અને લાતુર ઉપર બાપુની અનુકંપા રહી છે.

દીપ પ્રાગટ્ય બાદ અહીંના વિધાયક અભિમન્યુ પવાર દ્વારા સ્વાગત અભિવાદન અને મનોરથી ઈશ્વર પ્રકાશ ડાગા અને ઓમપ્રકાશ ડાગા પરિવાર દ્વારા સ્વાગત પ્રવચન બાદ ડાગા પરિવારની કુમારી દેવિકાએ કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો તેમજ ડાગા પરિવાર દ્વારા તુલસીનો છોડ વ્યાસપીઠને અર્પણ કરવામાં આવ્યો.

બાપુએ કહ્યું કે થોડા વરસો પહેલા અહીં જે દુર્ઘટના ઘટી,ઘણાં લોકોનાં પ્રાણ ગયા પછી હું ૨૫ વરસ પહેલા આવ્યો ને દિવંગતોનાં તર્પણ માટે કથા થયેલી.જે ‘માનસ વાલ્મીકિ’ નામથી થયેલી.વાલ્મીકિ પર ૨-૩ કથાઓ થઇ છે.

કિલ્લારી સાથે મારો આત્મીય સંબંધ રહ્યો છે.જે તીર્થમાં તલગાજરડાનાં ઠાકૂર રામ-લક્ષમણ-જાનકી અને હનુમાનજી બિરાજમાન કર્યા અને વાલ્મીકિ આશ્રમ નામ રખાયું.

કથાની ભૂમિકા બાબત જણાવ્યું કે અયોધ્યા કાંડની આ પંક્તિઓ જ્યાં ભગવાન વાલ્મિકીજીને રહેવાના સ્થાન પૂછે છે.વાલ્મિકીજી ૧૪ સ્થાન બતાવે છે.સંતો તેને ૧૪ પ્રકારની ભક્તિ પણ બતાવે છે.

રામજીને ચિત્રકૂટ બતાવેલું પણ એક સંકેત હતો કે ચિત્રકૂટમાં તો સીતાજી સાથે રહેશો,પણ ક્યારેક જાનકીજીને બીજી વખત વનવાસ થશે ત્યારે ગર્ભિત ઈશારો હતો કે વાલ્મિકીજીનાં આશ્રમમાં જાનકીજી રહેશે.

ભૂકંપ પછી વાલ્મીકિજીની કૃપાથી ફરી બધાને આ નવું સ્થાન પ્રાપ્ત થયું.વાલ્મિકીજીના કહેવા ઉપર તલગાજરડાનાં રામ અહીં નિવાસ કરવા આવ્યા છે. આશ્રમની ઘણી પરિભાષાઓ મળે છે વ્યાસપીઠ ઉપરથી તેની વિષદ વ્યાખ્યા ઘણી વખત કરી છે.

પણ ગુજરાતના વડોદરા પાસે ગોરજમાં મુનિ આશ્રમમાં કથાગાન વખતે આશ્રમની વિશાળ પરિભાષા કરેલી.

જ્યાં બધાને આશ્રય મળે,આરામ મળે,આહાર મળે, આગમ મળે,આનંદ મળે,આવકાર મળે,આશ્વાસન મળે-એ સ્થાન આશ્રમ છે.અહીં પણ આ બધું જ હશે.

ગીતાજી કહે છે કે જ્યાં પાંચ વસ્તુ ન હોય એ અનુષ્ઠાન ન કહી શકાય:જ્યાં વિધિ ન હોય.અહીં વિધિ એટલે કોઈનો નિષેધ નથી એ જ વિધિ છે.જ્યાં અન્ન-ભોજન ન હોય,મંત્ર ન હોય.પ્રાસંગિક સમયમાં મંત્ર-વિચારની ખૂબ જરૂર છે.દક્ષિણા ન હોય,જ્ઞાન ઉપદેશ એ દક્ષિણા છે અને શ્રદ્ધા ન હોય-એ યજ્ઞ તામસ યજ્ઞ કહેવાય છે.

મહારાષ્ટ્રની ભૂમિ સંતોની ભૂમિ,છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ છે.

બીજ પંક્તિ અનુસાર રામ,લક્ષ્મણ અને જાનકીજી અહીં આવે છે ત્યારે વન,સરોવર,જળ,પર્વત જુએ છે.આ ત્રણ વસ્તુ આધ્યાત્મિક સાંકેતિક ભાષામાં બતાવેલી છે. વન-જંગલ,જળ-પાણી,શૈલ-પર્વત. વનનો અર્થ છે વૈરાગ્ય.ચોથી અવસ્થામાં ભવનમાં રહેવાથી વૈરાગ્ય નહીં આવે,વનમાં રહેવાથી આવશે. ભવનમાં રાગ હોય છે.પણ વૈરાગ્ય શુષ્ક ન હોય એટલે જળ તત્વ જોયું.જળ તત્વ એ ભક્તિ રસિકતાનું પ્રતીક છે.શૈલ-પર્વત જ્ઞાનની ઊંચાઈનું પ્રતીક છે.

રામને જોઈને વાલ્મિકી આનંદથી ભરાઈ ગયા. બાપુએ આ મૂર્તિઓ વિશે પણ કહ્યું કે આ મૂર્તિ કેટલી બધી સુહાવન છે.બે વખત તલગાજરડાએ મૂર્તિનું દાન કરવું પડેલું.સૌથી પૌરાણિક જે મૂર્તિ હતી એ વાંગર ગામ,રાજુલા પાસે આપી.આ મૂર્તિ સ્થાપિત કરી.એ પછી અર્પણ-તર્પણની ભૂમિ કિલ્લારીમાં જળથી ભરેલી આંખે આ મૂર્તિનું પણ દાન કરેલું.

શોક મોહ અને ભ્રમનો સત્સંગ કે હરિનામથી જ નાશ થશે.બીજા કોઈ રીતે નહીં થાય.

શોક ભૂતકાળ સાથે,મોહ વર્તમાન સાથે અને ભ્રમ ચિંતા ભવિષ્ય સાથે જોડાયેલી છે.

એ પછી સાધુ સપ્તકના સાત ‘સા’ વિશેની વાત કરીને ગ્રંથ મહાત્મ્યમાં રામચરિત માનસના સાત કાંડ,પ્રથમ સોપાન અને એના સાત મંત્રો,એ મંત્રોમાં વંદનાઓ પછી સોરઠા અને ચૌપાઇઓમાં વિવિધ વંદનાઓ, ગુરુવંદના પછી હનુમંત વંદના સાથે આજની કથાને વિરામ અપાયો. 

Box

કથા-વિશેષ:

કિલ્લારી સાથે જોડાયેલી નાનકડી કથા

અધિક માસમાં આ રામકથા યોજાઇ રહી છે.

કિલ્લારી(લાતુરથી ૪૪ કિમી)મહારાષ્ટ્રમાં આવેલું છે.

આ સ્થળ સાથે બાપુનો પારિવારિક અને એક વિશિષ્ટ સંબંધ જોડાયેલો છે.

૩૩ વરસ બાદ બાપુ અહીં પધારી રહ્યા છે.

જ્યારે લાતુરમાં ભયાનક ભુકંપ થયેલો એ વખતે બાપુની કથા દ્વારા ફરીથી આ ગામનું સંવર્ધન થયું

તલગાજરડામાં બાપુ લેવિત જે રામ,લક્ષમણ,જાનકીજીની ઊભી મૂર્તિઓ હતી એ બાપુ દ્વારા કિલ્લારી રામ મંદિરમાં પધરાવવામાં આવી.

પછી તલગાજરડામાં આજની બેઠેલા સ્વરૂપની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી.


Spread the love

Check Also

છ મહિનાની ગર્ભવતી મહિલા, પછી થયો મોઢાના કેન્સરનો નિદાન… HCG કેન્સર સેન્ટર વડોદરાએ બચાવ્યા બે જીવ

Spread the loveવડોદરા, ગુજરાત | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | ગર્ભાવસ્થા દરમિયાન કેન્સરનું નિદાન થવું અત્યંત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *