હનુમાન કોટેશ્વર છે,કોટેશ્વર હનુમાન છે.

Spread the love

જે કલ્યાણ કારક છે એ ઈશ્વર છે.
આપણે અવંશના અંશ છીએ.
અનેકરૂપતા એ ઈશ્વરત્વનું પ્રતીક છે
નક્કી કરેલી દિશામાં જેની ગતિ હોય એ ઈશ્વર છે.
રાગ-દ્વેષ બહુ મોટા સ્પીડ બ્રેકરો છે,જે આપણી ગતિ અટકાવે છે.
શિવ કોટેશ્વર છે,પાર્વતી દુર્ગેશ્વરી છે.
કોટ બહારનાં આક્રમણથી બચાવે,દુર્ગ અંદરના આક્રમણથી બચાવે છે.

કોટેશ્વર-કચ્છથી ચાલી રહેલી રામકથાનાં ત્રીજા દિવસમાં પ્રવેશ કરતા શ્રીમદ ભાગવતમાં છઠ્ઠા અધ્યાયના છઠ્ઠા સ્કંધમાં ૧૬ અને ૧૭મો એક શ્લોક છે-જેમાં મહત્વના ૧૧ રુદ્ર વિશે વાત કરેલી છે-એ શ્લોક વિશે સંવાદ કરતા બાપુએ કહ્યું કે આમ તો કોટી રુદ્ર છે,પણ એમાં ૧૧ રુદ્ર મહત્વના છે.એ બધા જ રુદ્ર હનુમાનમાં છે.આથી હનુમાન ઈશ્વર છે. હનુમાન કોટેશ્વર છે,કોટેશ્વર હનુમાન છે.કોટેશ્વરને હળદરનો શૃંગાર અને મહાકાલને ભસ્મનો શૃંગાર થાય છે.ભસ્મનો શૃંગાર એ વૈરાગ્ય ભાવ છે અને હળદરનો શૃંગાર એ શૃંગાર ભાવ છે.
અહીં ૧૧ રૂદ્રમાં પહેલું રુદ્ર-રૈવત.રવ એટલે અવાજ, અતિશય ગતિવાનને રવ કહે છે.હનુમાન પવનવેગી છે.અહીં કોટી-કોટી રુદ્રનો મતલબ આધુનિક વિજ્ઞાન-મોર્ડન સાયન્સ એમ કહે છે કે ગોડ પાર્ટીકલ, અણુ-પરમાણુનાં ટુકડાઓ કરતા જઈએ એમ વધુને વધુ ઉર્જા ઉત્પન્ન થાય છે.પણ એથી પણ આધુનિક વિજ્ઞાન એમ કહે છે કે અણુઓને જોડવાથી પણ ઉર્જા ઉત્પન્ન થાય છે.પણ એ તમામ અણુઓ સ્વતંત્ર છે,આપણા જોડવાથી જોડાતા નથી,છતાં પણ જોડવાનું કામ કરવું જોઈએ.
ભાગવતમા કહ્યા મુજબ બીજો રુદ્ર અજ છે.અજ છે એ ઈશ્વર છે.રામની સેવા માટે હનુમાન જન્મ્યા એટલે એ અજન્મા-અજ છે.
ભવ-કલ્યાણ વાચક શબ્દ છે.જે કલ્યાણ કારક છે એ ઈશ્વર છે.
ભીમ-એટલે કે ભીષણ આકાર ધરાવતો.
વામ એટલે કે ઉલટો.બધાથી ઉલટો,પોતાની નીજતામાં ચાલે.ઉગ્ર એટલે કે વિકટ રૂપ ધરાવે, ક્યારેક વ્યગ્રમાંથી ઉગ્ર બને.એ જ રીતે વૃષ એટલે ધર્મનું પાલન કરે.અજૈકપાદ-જેનાં પગ બકરી જેવા ચપળ છે,અથવા તો ગમે એટલી પ્રતિષ્ઠા હોવા છતાં પદને સેવા માટે નાનું માને એ ઈશ્વર છે.અહિ એટલે કે ગળામાં સર્પ રાખે અને બહુરૂપા-જે અનેક રૂપ ધરે એ ઈશ્વર છે.અનેકરૂપતા એ ઈશ્વરત્વનું પ્રતીક છે .
એટલે જ નક્કી કરેલી દિશામાં જેની ગતિ હોય એ ઈશ્વર છે.
વાલ્મિકી રામાયણમાં હનુમાન બે વખત ઉત્તરાખંડમાં ગયા છે અને રામચરિત માનસમાં એક વખત એ ઔષધ લેવા માટે જાય છે.નિશ્ચિત દિશામાં લક્ષ્ય તરફ દિવ્ય ગતિ હોય એને ઈશ્વર સમજવો.એ બધું જ હનુમાનમાં છે,આથી હનુમાન પણ ઈશ્વર છે.આપણી ગતિ નિરંતર નથી,સ્ખલિત થાય છે,તેથી આપણે અટકી પડીએ છીએ.નાની ઘટનાઓ આપણને બાધક બને છે.રાગ-દ્વેષ બહુ મોટા સ્પીડ બ્રેકરો છે.તે મારું ને તમારું ઈશ્વરત્વ પૂર્ણ થવા દેતાં નથી.
મૂળ ઈશ્વર મહાદેવ અષ્ટમૂર્તિ છે.ભગવાન શિવ અને પાર્વતી નંદી ઉપર સવાર થઈને વિચરણ કરે છે અને ત્યાં સનત કુમારો એની મસ્તીમાં જાય છે એ વાર્તા પણ કહેવામાં આવી.
શિવ કોટેશ્વર છે અને પાર્વતી દુર્ગેશ્વરી છે.કોટ બહારનાં આક્રમણથી બચાવે દુર્ગ અંદરના આક્રમણથી બચાવે છે.
બાપુએ જણાવ્યું કે:સતી તોરલનાં એક પદમાં ૧૮ સૂત્રો મળે છે જેને હું તોરલ ગીતા કહું છું.
અહીં પાંચ પ્રકારના કોષની વાત થઇ.માતા તરફથી મળે એ અન્નમય કોષ,પિતા તરફથી પ્રાણમય કોષ, આચાર્ય આપણા મનોમય કોષને ખોલે છે.કારણ કે આચાર્ય કે ગુરુ મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે.અતિથિ દેવ આપણા વિજ્ઞાનમય કોષને ખોલે છે.આઈન્સ્ટાઈન,એડિસન વગેરે વિજ્ઞાનીઓના વિજ્ઞાનમય કોષ ખુલી ગયેલા.રામાયણમાં વાલ્મિકી અને હનુમાનજી વૈજ્ઞાનિક છે.પાંચમો આનંદમય કોષ. આ પાંચેય કોષ ખુલી જાય એમાં ઈશ્વરત્ત્વ ઉતરે છે
આપણે અવંશના અંશ છીએ.અવંશ મહાદેવ છે. આપણે ત્યાં સૂર્યવંશ અને ચંદ્રવંશ એ મુખ્ય વંશ ગણાય છે.
કથાધારામાં શિવજીએ રામચરિત માનસની રચના કરી અને યોગ્ય સમય જાણી પાર્વતીને સંભળાવી. ભુશુંડિએ ગરુડને સંભળાવી.કથા ધરતી ઉપર અવતરી અને પ્રયાગના સંગમ ઉપર એક વખતના કુંભમાં યાજ્ઞવલ્ક્ય ભારદ્વાજ પાસે એ ગાય છે. તુલસીએ એને ભાષાબધ્ધ કરીને વારંવાર ગુરુ પાસેથી વરાહક્ષેત્રમાં સાંભળી અને લોકવાણીમાં પોતાના મનને બોધ માટે કરી.
આ રીતે કથાનાં ચાર ઘાટ બતાવ્યા.
નારાયણ સરોવર,કોટેશ્વરનાં વિકાસ માટે પણ સરકારે ૧૦૫ કરોડ રૂપિયા ફાળવ્યા છે એનો રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે બધા જ ધર્મસ્થાનોની મૂળધારાને સાચવીને એનો વિકાસ થાય અને થવો જોઈએ.નારાયણ સરોવરમાં કરેલું સ્નાન માન સરોવરનાં સ્નાન જેટલું જ પવિત્ર છે.યાજ્ઞવલ્ક્ય પાસે ભારદ્વાજ રામ તત્વ વિશે સંશય કરે છે અને ત્યાંથી શિવકથાનો આરંભ થાય છે.

કથા-વિશેષ:
પુરૂષનાં અને સ્ત્રીનાં ૧૬ આભૂષણો:
જયમલ પરમારની એક રચના જેમાં એણે પુરુષનાં અને સ્ત્રીના ૧૬ શણગાર વિશેની વાત કરેલી છે: પુરુષના ૧૬ શણગારમાં:વસ્ત્ર,વીંટી,પાઘડી,હાર, હથિયાર,તિલક,કુંડળ,કટીવસ્ત્ર,તાંબુલ(મોઢામાં પાન),ફૂલ,કામ કલા,ચાતુર્ય,વિદ્યા,સંયમ,ઉપાનધાર (પગરખાં)અને ક્ષૌર-વાળ અને દાઢી સરખી કરવી
એ જ રીતે સ્ત્રીના પણ ૧૬ શણગાર આપ્યા છે,જેમાં સ્નાન,અભંગ-નેત્ર અભંગ હોય,ચાતુરી એટલે અહીં કુશળતા,કંકણ,કાજળ,નૂપુર,નકવેશ્વર એટલે નથડી, પુષ્પકાર એટલે કે વેણી,તાંબુલ,નથડી,ચોળી,ચાંદલો, વસ્ત્રો,કર્ણભૂષણ અને કટિમેખલા એ સ્ત્રીના આભૂષણો છે.


Spread the love

Check Also

સેમસંગ ઈન્ડિયા દ્વારા ગેલેક્સી A06 5Gલોન્ચ: કિફાયતી કિંમતે સુપરફાસ્ટ કનેક્ટિવિટી અને પાવરફુલ પરફોર્મન્સ સાથે ‘કામ કા 5G’

Spread the love ગેલેક્સી A06 5G તેના 12 5G બેન્ડ્સ સપોર્ટ સાથે આસાન અને શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *