કૃષ્ણ પરમાર્થ નથી, કૃષ્ણ અમારો સ્વાર્થ છે – મોરારીબાપુ

Spread the love

કથા મારું પરમ એકાંત છે. અહીં એકાંતમાં વાતો મંડાય છે!

હંમેશા બધું પોતાના હાથમાં ન રાખવું. કૈંક પરમાત્માના હાથમાં સોંપી દેવું.

કૃષ્ણ બધું જ કરે છે છતાં બધાથી મુક્ત છે.

નવ દિવસીય રામકથા માનસ કૃષ્ણ અવતારના અંતિમ દિવસે પૂજ્ય બાપુએ મુંડકોપનિષદના એક શ્લોકથી કથારંભ કર્યો.
“સત્યેન લભ્યસ્તપસા હ્યેષ આત્મા સમ્યગ્જ્ઞાનેન બ્રહ્મચર્યેણ નિત્યમ્ ।
અંત: શરીરે જ્યોતિર્મયો હિ શુભ્રો યં પશ્યંતિ યતય: ક્ષીણ દોષા:।।”
(પરમ સત્ય કેવળ સત્ય, તપસ્યા, સમ્યક્ જ્ઞાન અને બ્રહ્મચર્ય દ્વારા જ પ્રાપ્ત થઇ શકે છે.)
પૂજ્ય બાપુએ કહ્યું કે આ મંત્ર જેટલો ભગવાન કૃષ્ણને લાગુ પડે છે એટલો કદાચ પરમાત્માના અન્ય કોઈ વિગ્રહને લાગુ પડતો નથી. કૃષ્ણ સત્ય છે – કૃષ્ણ જ સત્ય છે. કૃષ્ણએ બહુ જ તપસ્યા કરી છે. મહાપુરુષ એ છે જે બીજા માટે તપ કરે. મારું જે થવાનું હોય એ થાય પણ બીજાનું પતન ન થાય એ માટે જે તપે એ તપસ્વી છે. આપણે ત્યાં તો કહેવાયું છે કે જે તપર્ષિ છે એ જ રાજર્ષિ છે. કૃષ્ણનું જ્ઞાન સમ્યક્ છે. કૃષ્ણની ભીતર જ્યોતિ રૂપે પ્રભુ બિરાજમાન છે. કૃષ્ણ નિતાંત શુભ્ર છે. જ્યાં કોઈ દોષ નથી, દુ:ખ નથી, દરિદ્રતા નથી.
એવા વિતરાગીના તમામ દોષો ક્ષીણ થઇ જાય છે.
ઉપનિષદના મંત્રના આ તમામ લક્ષણો ભગવાન શ્રી કૃષ્ણમાં દેખાય છે.
મૃત્યુ સમયે ભજનાનંદીને મૃત્યુની આહટ સંભળાય છે એ સંદર્ભમાં બાપુએ મહાભારતના કર્ણની કથાનું સ્મરણ કર્યું. કર્ણના એક હાથમાં રથનું પૈડું છે. બીજા હાથમાં ગુરુના શ્રાપથી નિરર્થક બની ગયેલું બ્રહ્માસ્ત્ર છે. એ વખતે કૃષ્ણના કહેવાથી અર્જુન એના પર બાણ વર્ષા કરે છે ત્યારે કર્ણ એને કહે છે કે આ ક્ષાત્ર ધર્મની વિરુદ્ધ છે. એ વખતે ભગવાન કૃષ્ણ કર્ણને લાક્ષાગૃહની યોજના, વનમાં પાંડવોની પજવણી, કુરુકુળની પુત્રવધૂની લાજ લૂંટાતી હતી એ સમયે અને મા કુંતાની વિનંતિને ઠુકરાવીને પાંડવોને બદલે દુર્યોધનનો સાથ આપવો – આ બધા પ્રસંગોનું સ્મરણ કરાવીને કર્ણને કહે છે કે એ વખતે તારો ધર્મ ક્યાં ગયો હતો?
એ સમયે કર્ણ કહે છે કે
“મને મૃત્યુ દેખાય છે. એનું સ્વાગત કરવા હું તૈયાર છું. બીજા મને મારા ગુરુ પરશુરામ દેખાય છે અને ત્રીજા યોગેશ્વર ભગવાન કૃષ્ણ દેખાય છે.”
સન્મુખ રહેલા ભગવાન કૃષ્ણને સંબોધીને આખરી ક્ષણે કર્ણ કહે છે કે “હે માધવ! બોલ્યું ચાલ્યું માફ કરજો.” એ વખતે કૃષ્ણની આંખો ભીની થાય છે.”
બાપુએ પોતાના જન્મ પૂર્વે બનેલી વાતનું સ્મરણ કરતા દાદા ગુરુએ એમને પછીથી કહેલી ઘટના યાદ કરી. જુના રામજી મંદિરે નિમ્બાર્કી પરંપરાના એક સાધુ આવેલા. એ કોઈના હાથનું બનાવેલું ભોજન ગ્રહણ કરતા ન હતા. દાદા કોઈ સાથે બહુ બોલતા નહીં. મોટા ભાગે મૌન રહેતા પણ એમણે એ સાધુને કહ્યું કે – “આપને વાંધો ન હોય તો અમે નિમ્બાર્કી સાધુ છીએ. મારી પુત્રવધૂ સાવિત્રી રોટલો બનાવે, એ આપ ગ્રહણ કરશો?”
સાધુએ મા ના હાથનો પ્રસાદ લીધેલો. એ મહાત્માએ દાદાજીને નિમ્બાર્કી પરંપરાની કૃષ્ણ ઉપાસનાની ચોવીસ વિધા બતાવી હતી. એ મુજબ, ભગવત્ વિયોગમાં વ્યાકુળતા અનુભવાય એ ભજન છે. ભગવત્ વિરહમાં સતત રૂદન પ્રકટે એ ભજન છે. જગ કલ્યાણક ભગવદ્ કથા સાંભળવી કે કોઇને ભગવત કથા કહેવી એ ભજન છે. જગતનું ભલું થાય એવું બોલવું એ પણ ભજન છે.
જેનું સ્મરણ કરવાથી ભય મુક્ત અને ભવ મુક્ત થવાય એનું સ્મરણ ભજન છે. બીજાનું ભલું થાય એવું કરવું, કાયમ ભજનાનંદીની સેવામાં રહેવું એ પણ ભજન છે. સહુમાં ભગવાનનું દર્શન કરવું એ ભજન છે.
મૃત્યુનું દર્શન પ્રસ્તુત કરતા બાપુએ કહ્યું કે મહાભારતમાં મૃત્યુને સુંદર સ્ત્રી તરીકે વર્ણવી છે. એ આપણને પરણે એ માટે ભજનાનંદીએ મૃત્યુને મહોત્સવ સમજવો જોઇએ.
બાપુએ સ્નેહાર્દ્ર ભાવે કહ્યું કે
“હે કૃષ્ણ!તું એક માત્ર ભજનીય છે. કારણ કે તેં બહુ સહન કર્યું છે. કોઇને ખબર ન પડે એમ આંસુડા પાડ્યા છે.”
ઉપનિષદ કહે છે કે જેણે જાણ્યું નથી એ જે જાણે છે, એણે જ જાણ્યું છે. એણે જાણી લીધું છે કે પરમાત્માને કોઈ જાણી શક્યું નથી. એ જ ખરેખર એને જાણે છે!
પૂજ્ય બાપુએ કહ્યું કે કૃષ્ણ અમારો છે. અમારે કૃષ્ણ જોઇએ છે. અમારે તો જીવવું હોય તો તારું નામ લેવું પડશે. જેને કૃષ્ણ સિવાય અન્ય કાંઇ દેખાય એ ભજન શું કામનું? કૃષ્ણ સ્મરણ કરતા કરતા ભજનાનંદી વેદાંતને છોડીને આગળ વધી જાય છે!
કથાના ક્રમમાં પ્રવેશતા કરતા, ભુસંડીજીના ન્યાયે બાપુએ બાલકાંડથી ઉત્તર કાંડ સુધીના તમામ પ્રસંગોને સંક્ષેપમાં વર્ણવીને રામકથાને વિરામ આપ્યો.
————————————–
બોક્સ આઇટમ – ૧
બાપુએ આગામી સમયમાં શારદા પીઠની હોસ્પિટલ માટે જે કથા આપી છે, એના મનોરથી સ્વયં દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ છે અને વીત્તજા સેવા જગત મંદિરના પૂજારી શ્રી ચિતરંજનજીએ સ્વીકારી છે. બાપુએ કહ્યું કે બ્રાહ્મણત્વ બહુ ઉદાર હોય છે.

રત્ન કણિકા
(૧) મહત્પાદની ચરણ રજનો જેને અભિષેક થાય એને આપોઆપ બધો ઉઘાડ થવા લાગે છે.
(૨) માળાની કોઈ ગમે તેટલી નિંદા કરે, માળાને ભૂલશો નહીં.
(૩) સાધુનું પ્રીતિ શાસ્ત્ર કહે છે કે શઠની સાથે વિનય, કુટીલ સાથે પ્રેમ, લોભી પાસે દાનની વાત અને મમતાવાનને જ્ઞાન કથા કહેવી!
(૪) નરોત્તમ કદી ઉત્તર નથી આપતા. ઉત્તર આપવા માટે સામે યોગ્ય પાત્ર જોઇએ!
(૫) આટ આટલી કથા સાંભળ્યા પછી ય ઈર્ષા, નિંદા અને સ્પર્ધાનો ભાવ છૂટ્યો કે નહીં એનો વિચાર કરજો!


Spread the love

Check Also

જેનામાં કુટુંબ પ્રીતિ ન હોય તે રાષ્ટ્ર પ્રીતિમાં પ્રવેશી ન શકે

Spread the love ખુમારી ક્યારેક હિંસક બને,નમ્રતા સાધુતાનું અવતરણ કરે. પત્રકારે સત્તા અને સંપત્તિનીશેહમાં ન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *