તલગાજરડી વાયુમંડળમાં સદ્ગુરુ ભગવાન દાદાગુરુ, પૂજ્ય પિતામહ ત્રિભુવનદાસ બાપુને સ્મરણાંજલિ રૂપે કાકીડી ગામે રામકથાનું મંગલ ગાન આજે વિરામ પામે છે.

Spread the love

ત્રિભુવની રામકથા “માનસ પિતામહ” ની પૂર્ણાહુતિ ટાણે…
તલગાજરડી વાયુમંડળમાં સદ્ગુરુ ભગવાન દાદાગુરુ, પૂજ્ય પિતામહ ત્રિભુવનદાસબાપુને સ્મરણાંજલિ રૂપે કાકીડી ગામે રામકથાનું મંગલ ગાન આજે વિરામ પામે છે.
સહુનાં હૈયાં જાણે તરબતર છે. કાકીડી ગામનો ટીંબો ય રસ તરબોળ ભાસે છે. આ જ પુણ્ય ધરા પર દાદાજીએ મહાભારતના કથા પ્રસંગોનું ગાન કર્યું હતું. એ જ કારણે તલગાજરડી વૈશ્વિક વ્યાસપીઠે કાકીડીના ગોંદરે ઉતારા કર્યા અને આ નાનકડાં ગામની રળિયામણી છબિ વિશ્વના નકશામાં દીપી ઊઠી. આપણી ભૌતિક આંખો ભલે ન જોઇ શકે પણ મારું હૈયું સાક્ષી પૂરે છે કે કાકીડીના નભમંડળમાં તેત્રીસ કરોડ દેવતા દુંદુભી વગાડતા હશે. પ્રસન્નતાની પુષ્પ વર્ષા થઇ રહી હોવાનું તો નવ દિવસથી આપણે સહુ અનુભવી રહ્યા છીએ.
કથાના મનોરથી ટીનાભાઇ જસાણીના વ્યાસપીઠ તરફના પરિપૂર્ણ સમર્પણથી આ અનેરો પ્રેમયજ્ઞ આરંભાયો. વિરપુર જલિયાણ ધામના શ્રી ભરતભાઈ અને ભરોસાને જ ભગવાન માનનારા મહુવાના ચીમનભાઈ વાઘેલા, મૌન સાધના અને કેવળ આશ્રયના ઉદાહરણ જેવા જયદેવભાઇ તેમ જ કાકીડીના ગ્રામજનો અને સમગ્ર વહિવટી તંત્રના પુરુષાર્થથી બધું જ સુખરૂપ ગોઠવાયું. આ બધાં તો આપણાં ભૌતિક પરિમાણો, પણ અસ્તિત્વ જ જ્યારે કથાનું આયોજન કરતું હોય, ત્રિભુવની ચૈતન્ય સ્વયં જ્યાં કથાનો આધાર હોય અને પરમ સાધુ જ્યારે સજળ નેત્રે અને ભીના હૈયે સદ્ગુરુની વંદના કરતા હોય ત્યારે બધું જ અનુકૂળ બને એમાં નવાઈ શી? 
…… નવ દિવસ સુધી પૂજ્ય બાપુની પૂર્ણ પ્રસન્નતા સાથે ધ્યાન સ્વામી બાપાની ચેતન સમાધિના આશિર્વાદથી, ત્રિભુવન ઘાટ પરથી વહેતી થયેલી માનસ મંદાકિનીનો પવિત્ર પ્રવાહ વહ્યો. જીવનદાસ બાપુથી આરંભાયેલી હરિયાણી વંશ પરંપરાની પૂજ્ય પ્રભુદાસબાપુ સુધીની તમામ દિવ્ય સમાધિઓ જાણે કાકીડીના નભમંડળમાં બિરાજીને સમગ્ર વિશ્વ પર આશિર્વાદ વરસાવી રહી… ગગન ધન્ય થયું, ધરા ધન્ય થઇ, નદી – નાળા – જળાશયો ધન્ય થયાં, વનસ્પતિ અને વન્ય સંપદા ધન્ય થઇ, સૂર્ય – ચંદ્ર – તારલાંઓ અને નક્ષત્ર ધન્ય થયા, વાયુ મંડળ તો શ્રી હનુમાનજીની ઉપસ્થિતિમાં ધન્ય ધન્ય હોય જ…. સાથે વ્યાસપીઠ ધન્ય થઇ, કથા મંડપ ધન્ય થયો, શ્રોતાઓ ધન્ય થયા, સમગ્ર સૃષ્ટિ ધન્ય… ધન્ય…. ધન્ય…

Spread the love

Check Also

ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન ના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યોની વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂંક બાબત

Spread the love સવિનય જણાવવાનું કે ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન, અમદાવાદ ની તા. ૧૬/૦૫/૨૦૨૫ ના રોજ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *