મહારાષ્ટ્રની ઇલોરા ગુફા પાસેનાં જનાર્દન સ્વામી સંસ્થાન પાસે ગવાઇ રહેલી ક્રમમાં ૯૪૨મી રામકથાનાં બીજા દિવસે આરંભે મહારાષ્ટ્રના સંતો મહંતો સમાજ સુધારકોને યાદ કરી તેઓને પ્રણામ: મોરારી બાપુ

Spread the love

શબ્દ બ્રહ્મ છેવચન, પરબ્રહ્મ છે.

સાધુની બોલીમાં પરમાત્મા નિરાવરણ થાય છે.

તથાકથિત વિદ્વાનોની બોલીમાં પરમાત્મા દબાઈ ગયા છે.

સાધુ પાસે શબ્દ નહીં,વચન છે.

બધા નિયમ છૂટી જાય ત્યારે પરમાત્મા પકડમાં આવે છે.

કામ સર્જક છે,લોભ સંરક્ષક છે અને ક્રોધ સંહારક છે.

મહારાષ્ટ્રની ઇલોરા ગુફા પાસેનાં જનાર્દન સ્વામી સંસ્થાન પાસે ગવાઇ રહેલી,ક્રમમાં ૯૪૨મી રામકથાનાં બીજા દિવસે આરંભે મહારાષ્ટ્રના સંતો મહંતો સમાજ સુધારકોને યાદ કરી,તેઓને પ્રણામ કરતાં બાપુએ કહ્યું આવો આજે પ્રથમ ગુફાથી આપણે આગળ વધીએ.જે હિમગિરિ ગુફા છે.

હિમગિરિ ગુહા અતિ પાવની;

બહ સમીપ સુરસરિ સુહાવનિ

નારદ જે ગુફામાં સમાધિષ્ઠ થયા એ હિમાલયની ગુફા -મનની ગુફા છે.આજે થોડુંક મનની ગુફામાં જઈ અને શ્રવણ કરીએ અને ક્રમ પણ આ જ છે:મન, બુદ્ધિ,ચિત.અહંકાર.ક્યારેક કોઈ ગુફામાં પણ કથા કરેલી છે.પ્રવર્ષણ પર્વત કે જ્યાં ભગવાન રામ અને લક્ષમણે ચાતુર્માસ કરેલો,દક્ષિણ ભારતમાં એ ગુફા આગળ પણ એક કથા કરેલી છે.

બાપુએ કહ્યું કે તલગાજરડાનાં એક ખૂણાની ગુફામાંથી મને કથા મળી છે.અહીં આ નારદનો પ્રસંગ મનનો વિલાસ છે.નારદનું મન તો નિર્મળ હતું એટલે જેવા એ ગુફામાં જાય છે એને સહજ સમાધિ લાગે છે.મનની ગુફા હોવાને કારણે આસપાસમાં અનેક મુશ્કેલીઓ પેદા થઈ છે.બાપુએ કહ્યું કે ભ્રમરની ગુફા પણ મનની ગુફા છે.કારણ કે મન ભમરો છે,ક્યાંય સ્થિર રહેતું નથી.નિરંતર આપણને ભ્રમિત કરે છે. એટલે જ કબીર,ગોરખનાથ અને અન્ય મહાપુરુષોની વાણીનાં પદમાં ભ્રમર વિશે લખાયું છે. જેટલું સંસારમાં મન લાગે છે એટલું ઈશ્વરમાં મન લાગતું નથી લોકો આવીને પૂછે છે.મન પ્રભુમાં કેમ નથી લાગતું?આ ભ્રમર મન છે.શ્રીમદ ભાગવતમાં આખું ભંવર ગીત પણ છે.મન દુષ્ટતા કરવાનું ન છોડે તો પણ મનને ખીજાવ નહીં,એને રોકો નહીં,એની નિંદા ન કરો,એને છોડી દો.કારણ કે આ બધાની સમસ્યા છે.તો શું કરીએ?શું કરવું જોઈએ?મન એટલા માટે છે ભ્રમિત છે કારણ કે આપણે મનની રુચિ જાણી નથી.મનની રુચિ શું છે?

બાપુએ ચાર વસ્તુ કીધી:એક-મનની રુચિ છે કે આપણને સુખ મળવું જોઈએ.બે-મારું આ સુખ કાયમ-સદાય રહે.ત્રણ-સુખ ઘટે પણ નહીં અને ખૂટે પણ નહીં.અને ચાર-ક્યારેય આ સુખની અંદર નાનકડું દુઃખ મિશ્રિત ન થઈ જાય.

પરંતુ સંસારમાં આવી કોઈ વ્યવસ્થા નથી કે સદા સુખ મળે,કાયમ રહે….એ વખતે મનની ગુફામાં જઈ અને વિચારવું જોઈએ કે સુખ ક્યાં છે? સુખ હરિનામમાં,રામમાં,પરમાત્મામાં છે.પરમાત્મામાં રસ લેવો એ સદા સુખ છે.આથી મનની રુચિને પરમાત્માની તરફ વાળી દેવી જોઈએ.તો આપોઆપ મનનો ભટકાવ દૂર થશે.

બાપુએ કહ્યું કે સાધુની બોલીમાં પરમાત્મા નિરાવરણ થાય છે.તથાકથિત વિદ્વાનોની બોલીમાં પરમાત્મા દબાઈ ગયા છે.કારણ કે સાધુ પાસે શબ્દ નહીં વચન છે.શબ્દથી પણ વચનનું મહત્વ વધારે છે.શબ્દ બ્રહ્મ છે,વચન પરબ્રહ્મ છે.જ્યાં સુધી નિયમ પકડી રાખીશું ત્યાં સુધી પરમાત્મા પકડમાં નહીં આવે.એક અવસ્થા પછી નિયમ છોડવા પડશે.બધા જ નિયમ છૂટી જાય ત્યારે પરમાત્મા પકડમાં આવે છે.

તુકારામના અભંગોને યાદ કરીને વચન વિશે બાપુએ વિસ્તારથી સમજાવ્યું.મન ભટકી રહ્યું છે એનો મતલબ કોઈકને શોધી રહ્યું છે.કથા એ વચનનો મેળો છે અને મનનું યોગ્ય આસન છે હરિનામ.

બાપુએ કહ્યું કે કામ,ક્રોધ અને લોભ ત્રણેય ખરાબ જ છે.આમ છતાં એ ત્રણમાં ક્રોધ સૌથી વધુ ખતરનાક છે.કારણ કે કામ સર્જક છે,લોભ સંરક્ષક છે અને ક્રોધ સંહારક છે.મનની ગુફાની આસપાસ કામનો વૈભવ થાય છે.કામદેવ નારદની સમાધિ તોડવા આવે છે.પરંતુ કામકલા મુનિને વ્યાપતી નથી.નારદને ક્રોધ પણ આવતો નથી.નારદ કામને જીતે છે,ક્રોધને પણ જીતે છે,નારદને કોઈ લોભ પણ નથી પરંતુ અહંકાર આવે છે અને એને કારણે પોતાની પ્રશંસા લઈ કૈલાશમાં જાય છે.ત્યાં શિવજીની ના કહેવા છતાં પણ વિષ્ણુ પાસે આત્મ પ્રશંસા કરવા જાય છે અને વિષ્ણુ પોતાના ભક્તનું પરમહિત ઈચ્છે છે.આથી નારદને સારી રીતે શિક્ષા આપવા માટે માયા રચે છે. વિશ્વમોહિનીનું રૂપ લઈ અને સ્વયંવર યોજવા માટેની નગરી વાળી યોજના બનાવે છે,જ્યાં નારદનો અહંકાર અને ગર્વ ઉતરે છે એ સમગ્ર નારદનું વૃતાંત વિસ્તારથી સમજાવી અને બાપુએ કહ્યું કે મનની ગુફાનું એકમાત્ર સમાધાન હરિનામ છે.

 

Box

કથામૃત:

ગાંધીજીએ કાઢેલો રસ્કિનનાં પુસ્તકનો નિષ્કર્ષ

રસ્કિનનું પુસ્તક ‘અન ટુ ધી લાસ્ટ’ ગાંધીજીને ખૂબ જ પ્રભાવિત કરી ગયું.

રસ્કિનની વાત ગાંધીજીએ પોતાના જીવનમાં સરળ રીતે ઉતારી.

માત્ર ૩૨ પાનાનું આ પુસ્તક,બાપુએ કહ્યું કે દરેક યુવાનોએ ખાસ વાંચવું જોઈએ.

ગાંધીજીએ રસ્કિનના પુસ્તકનો નિષ્કર્ષ ત્રણ વસ્તુ માં ઉતાર્યો:

૧-બધાની ભલાઈમાં આપણી ભલાઈ છે.

૨-સાદું અને સહજ જીવન જ જીવન છે.

૩-વાણંદ અને વકીલ,દરેકનો સ્વિકાર કરો.

એટલે કે છેલ્લામાં છેલ્લા માણસ સુધી પહોંચો.

આ રસ્કિનનનું કહેવું હતું અને એને ગાંધીબાપુએ ખુબ સરળ રીતે પોતાનાં પુસ્તકમાં અને અનુભવમાં ઉતારેલું છે.

 


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *