“એક લેવલ નિર્માણ કરો,લેબલને છોડી દો”
આજકાલ કૃષ્ણને પણ જબરદસ્તી તંત્રમાં ખેંચવાની કોશિશ થઈ રહી છે.
કોઈ બુદ્ધપુરુષની છાયામાં બેસી જાવ.દરેક પ્રકારની ગંદકી મટી જશે.
વિશ્વ વિખ્યાત ઇલોરા ગુફાઓની સાંનિધ્યમાં ચાલી રહેલી રામકથાનાં ત્રીજા દિવસે બાપુએ જણાવ્યું કે બાહ્ય ગુફાની સામે બેઠા છીએ અને આપણી આંતરિક ગુફામાં પ્રવેશ કરીએ.આમ તો મારો કોઈ ક્લાસ નથી,એકમાત્ર કૈલાશ છે.
મનની ગુફા ભયંકર,ડરામણી,અવાવરું છે,ગંદકીથી ભરેલી છે,અંધારું પણ ખૂબ છે;તો સ્વચ્છ કરવા માટે શું ઉપાય કરવો જોઈએ એવા સવાલના જવાબમાં બાપુએ કહ્યું:શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે ઇન્દ્રિયોમાં મન મારી વિભૂતિ છે.આપણે કેમ માની બેઠા છીએ કે આ મન મારું છે!પરમાત્માએ વિભૂતિના રૂપમાં મન આપ્યું છે તો વધારે ચિંતા કરવાની જરૂર નથી.અરણ્યકાંડમાં વાલ્મિકીજી પણ રામને કહે છે કે આ પ્રકારના મનમાં રામ તમે નિવાસ કરો.અહીં દોષ દર્શન નહીં. છે તો છે!શુધ્ધિ માટે ઉપાય શું?કદાચ એક જ ઉપાય છે:મનને દોષ ન આપો.મન વિભૂતિ છે,કોઈ બુદ્ધપુરુષની છાયામાં બેસી જાવ.દરેક પ્રકારની ગંદકી મટી જશે.
બાપુએ કહ્યું કે જગતમાં ચાર પ્રકારના સાધુ છે: અસાધુ,સાધુ,સબબિધિ સાધુ અને પરમસાધુ. અસાધુ સારો નથી પણ એને સાધુ શબ્દ જોડાયેલો છે.
સંસાર અને સંન્યાસ વિશેની વાત કરતા બાપુએ કહ્યું કે પોતાના પરમાત્માના ચરણોમાં અવિરલ પ્રેમ થઈ જાય તો એણે સંસાર છોડવાની કે સંન્યાસ ગ્રહણ કરવાની કોઈ જરૂર નથી.દરેક સન્યાસ સંસારમાંથી પ્રગટ થાય છે,જેમ બાળક માતાની કૂખમાંથી પ્રગટ થાય છે.એટલે બાળક કરતાં માતા વધારે મહિમાવંત છે,એમ સંન્યાસથી વધારે સંસાર મૂલ્યવાન છે.અને આનો આધાર આપતા બાપુએ કહ્યું કે ચૈતન્ય મહાપ્રભુજીનો એક પ્રસંગ છે મહાપ્રભુજીએ નિત્યાનંદને કહ્યું કે તું ગૌડ દેશ જા.પૂછાયું કે તમે મને દૂર શુ કામ મોકલી રહ્યા છો?ત્યારે ચૈતન્ય મહાપ્રભુજીએ આગળ કહ્યું કે ગદાધરને પણ સાથે લઈ જા અને કૃષ્ણ પ્રેમની ગંગા વહાવો.બધા જ ચૂપચાપ,શૂન્યમનસ્ક ઊભા છે.એ વખતે મહાપ્રભુજી શ્રીનિવાસને કહે છે કે હું તારી ઘરે અચાનક આવીશ અને કોઈ મહામંત્ર ઉપર નૃત્ય કરીશ પણ તું લોકોને ભેગા ન કરતો.જગન્નાથ ભગવાનના ઉપવસ્ત્ર અને આ ચોખાની દોણી લઈને મારી મા પાસે જા.મેં મારી માતાનો અપરાધ કર્યો છે.પૂછાયું કે તમે કઈ રીતે અપરાધ કર્યો છે?ત્યારે કહ્યું કે હું મારું કર્તવ્ય,મારી ફરજ-મારી માતાની સેવા કરવાનું-એ ચૂકીને સંન્યાસ ગ્રહણ કર્યો છે.
બાપુએ કહ્યું કે આ સંન્યાસની આલોચના કે ઉપેક્ષા નથી.સંસાર અને સંન્યાસ એક સિક્કાની બે બાજુઓ છે.આ બાજુ સંન્યાસ છે,બીજી બાજુ સંસાર છે. ચેતન્ય મહાપ્રભુનાં સંન્યાસ વખતે માતા રોતી રહી, વિષ્ણુપ્રિયા પણ રોતી રહી ત્યારે એને કીધું હું અહીં જ રહીશ દૂર નહીં જાઉં,ક્યારેક-ક્યારેક દર્શન કરવા પણ આવીશ.પણ કૃષ્ણ ચરણમાં અગાધ,
અપરિમિત પ્રેમ હતો તો મારે પરિવર્તનની કોઈ જરૂર ન હતી.
બાપુએ કહ્યું કે એક લેવલ નિર્માણ કરો અને લેબલને છોડી દો.એ પણ કહ્યું કે:સાધુ ચલતા ભલા,સાધુ જાગતા ભલા,સાધુ હસતા ભલા અને સાધુ ભજતાં ભલા.
બીજી ગુફા બુદ્ધિની ગુફા છે.એ સ્વયંપ્રભાની ગુફા છે અને રામચરિત માનસની સ્વયંપ્રભા એટલે પ્રતિષ્ઠિત પ્રજ્ઞા,સાક્ષાત ગાયત્રી.સ્વયંપ્રભાનો મતલબ આખું વાલ્મિકી રામાયણ,૨૪૦૦૦ શ્લોકનું અને આખો ગાયત્રી મંત્ર કહી શકાય.
બાપુએ વચ્ચે તંત્ર વિદ્યા વિશે કહ્યું કે આપણો માર્ગ નથી અને મને એમાં રુચિ પણ નથી.તંત્ર કરતાં મંત્રમાં જાઓ.આજકાલ કૃષ્ણને પણ જબરદસ્તી તંત્રમાં ખેંચવાની કોશિશ થઈ રહી છે.કૃષ્ણ શુદ્ધ પ્રેમ છે, ભક્તિ છે.હરિ ભજો.હરિનામમાં ખૂબ તાકાત છે. લોકો હનુમાનજીની સાથે પણ તંત્રને જોડી રહ્યા છે બાપુએ કહ્યું કે શક્ય બને એટલી સાફ સૂફી હું કરી રહ્યો છું.
ગીતાજીમાં કહ્યું છે કે બુદ્ધિની શરણમાં જાઓ. બુદ્ધિના ત્રણ સ્તર કહ્યા.એમાં સાત્વિક બુદ્ધિ આઠ વસ્તુ સાથે જોડાયેલી છે:પ્રવૃત્તિ-નિવૃત્તિ,કાર્ય-અકાર્ય બંધન-મુક્તિ,ભય અને અભય સમજાવે એ સાત્વિક બુદ્ધિ છે.જે બુદ્ધિ ધર્મ અને અધર્મને યથાર્થ સમજાવી શકતી નથી એ રાજસી બુદ્ધિ છે અને અધર્મને જ ધર્મ માનતી,તમામ વસ્તુનો વિપરીત અર્થ કરતી બુદ્ધિ એ તામસી બુદ્ધિ છે.
Box
કથા વિશેષ:
મનની શુધ્ધિનો એકમાત્ર ઉપાય
મનની શુદ્ધિ માટેનો ઉપાય કહેતા બાપુએ કહ્યું કે:એક નાનકડી ચોપડી છે-‘સૂફીઓં કી પુરાની કહાની’ એમાં એક વાત લખેલી છે.એક માણસને પોતાના મન ઉપર પોતાના શરીર ઉપર,પડછાયા ઉપર,એના કદમો ઉપર પણ નફરત થઈ ગઈ હતી.એ ધિકારવા માંડ્યો હતો. પોતાનાથી એટલો બધો બેવફા થવા લાગ્યો કે પોતાના પડછાયાને પણ નફરત કરવા માંડ્યો.એને થયું કે મારા કદમના નિશાન પણ ન રહેવા જોઈએ. એને એક અસાધુ મળ્યો.અસાધુએ તેને કહ્યું કે તારા પડછાયાની ગતિ તારી ગતિ કરતા ઓછી છે. પડછાયાથી બચવું હોય તો કોઈ વૃક્ષની,કોઈ સાધુની છાયામાં બેસી જા.આ એક માત્ર ઉપાય છે.મનની તમામ ગંદકીને,તમામ પ્રકારનાં પડછાયાઓથી મુક્તિ માટે કોઈ સાધુની છાયામાં બેસી જવું જોઈએ.