માનસ સમુદ્રાભિષેક મહેશ એન.શાહ. કથા ક્રમાંક-૯૪૧ દિવસ-૯ તા-૨૫ ઓગસ્ટ ૨૦૨૪

Spread the love

૯૪૧મી રામકથાનો સંવેદનાભર્યો વિરામ; ૯૪૨મી રામકથા આગામી ૭ સપ્ટેમ્બરથી ઇલોરા ગુફા ઔરંગાબાદ(મહારાષ્ટ્ર)થી વહેશે.

“આપણે કોઈ પરમના નિમંત્રણ ઉપર કથામાં આવ્યા છીએ.”

તાડકારૂપી ક્રોધને બોધરૂપી રામ મારી શકે.

શૂર્પણખા રૂપી કામના પર જાગૃતિરૂપ લક્ષ્મણ પ્રહાર કરી શકે.

લોભરૂપી મંથરા પર મૌનરૂપી શત્રુઘ્ન પ્રહાર કરી શકે.

સંદેહનો નાશ કરવા શાસ્ત્ર પ્રમાણ,અનુમાન પ્રમાણ અને સાધુનું ભજન પ્રમાણ જરૂરી છે.

————————————————

કથા બીજ પંક્તિ:

છબિસમુદ્ર હરિ રૂપ બિલોકી;

એકટક રહે નયન પટ રોકી.

-બાલકાંડ દોહા-૧૪૮

બિપ્ર જેવાંઇ દેહિં દીન દાના;

સિવ અભિષેક કરહિં બિધિ નાના.

-અયોધ્યાકાંડ દોહા ૧૫૭

યોગ્યકર્તા-ઇન્ડોનેશિયા ખાતે ચાલી રહેલી રામકથાનાં નવમા-પૂર્ણાહૂતિ દિવસે આરંભે બીજપંક્તિઓનું ગાયન કરીને કથાના બાકીના પ્રસંગોનું સંક્ષિપ્ત વિહંગાવલોકન કરતા બાપુએ મનોરથી પરિવાર તરફ પ્રસન્નતાનો ભાવ વ્યક્ત કરીને કહ્યું કે બધા જ પ્રકારની સેવા કરી છે અને પ્રસન્નતાથી હું વિદાય લઇ રહ્યો છું.આ સમુદ્રાભિષેક સફળ રહ્યો છે.

સમાસના રૂપમાં સીતા અને રામના વિવાહ પછી આજે અયોધ્યા કાંડમાં પ્રવેશતા પહેલા ભુશુંડિનાં ન્યાયે:

બાલચરિત કહી બિબિધ બિધિ,મનમહું પરમ ઉછાહ

રિષિ આગવન કહેસિ,પુનિ શ્રી રધુવીર બિવાહ.

રામનું વનગમન અને રામ લક્ષ્મણનો સંવાદ,શૃંગવેર પૂરમાં એક રાત્રી રોકાયા.કેવટનાં અનુરાગની કથા પછી સુરસરી-ગંગા ઉતરી અને પ્રયાગ ગયા. વાલ્મિકીજીને મળી અને ચિત્રકૂટમાં નિવાસ કર્યો. દરમ્યાન દશરથનું દેહાંત થયું.ભરતજીને પોતાની જગ્યાએ અનર્થ અને અપશુકનો થયા.ભરતજીએ શિવ અભિષેક કર્યો.અયોધ્યાથી દૂત રવાના કરીને કહેવાયું કે ભરતને રામ વનવાસ અને દશરથના સ્વર્ગવાસ વિશે ન બતાવતા.વાયુવેગથી ભરત,શત્રુઘ્ન અયોધ્યા ગયા.તેણે રામની દિનચર્યા મુજબ રામ કૈકયી માતા પાસે હશે એમ સમજી સૌપ્રથમ ભરત કૈકયીનાં ભવનમાં ગયા.આખી અયોધ્યામાં બે જ વ્યક્તિ પ્રસન્ન દેખાઇ-કૈકયી અને મંથરા.મંથરાને સજી ધજેલી જોઈને શત્રુઘ્નએ પ્રહાર કર્યો.

બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં ત્રણેય ભાઈઓએ ત્રણ સ્ત્રીઓ ઉપર પ્રહાર કર્યો છે.તાડકા ઉપર રામે પ્રહાર કર્યો.તાડકા ક્રોધ છે,ક્રોધને બોધ રૂપી રામ જ મારી શકે છે.કારણ કે રામ બોધનું શરીર છે.અત્રિ રામને બોધનો વિગ્રહ કહે છે,વાલ્મિકીજી રામને ચિદાનંદ સ્વરૂપ અને તુલસીજી રામને કૃપાનું શરીર કહે છે.

મંથરા લોભ છે.લોભ ઉપર શત્રુઘ્નરૂપી મૌની પુરુષ પ્રહાર કરી શકે.લોભને મારવાની જરૂર નથી કારણ કે જીવનમાં થોડોક લોભ જરૂરી પણ છે,તેથી એને દૂર કરે છે.કામ શૂર્પણખા છે.કામના ઉપર જાગૃત પુરુષ લક્ષ્મણ પ્રહાર કરી શકે છે.

ચિત્રકૂટમાં ભરત મિલાપમાં પાદુકા આપવામાં આવી અયોધ્યાકાંડનું સમાપન થયું.પંચવટીમાં લક્ષ્મણની પાંચ જિજ્ઞાસાઓને રામે ઉત્તર આપ્યો.જ્યાં માયા સીતાનું હરણ થયું અને સીતા ખોજ વખતે જટાયુને ગતિ આપવામાં આવી.એ પછી રામે કંબંધ અને શબરી પાસે જઈને નવધા ભક્તિનું ગાન કર્યું,નારદ સાથે સંવાદ કર્યો.અરણ્ય કાંડના સમાપન પછી કિષ્કીંધાકાંડમાં સુગ્રીવ અને હનુમાનજી સાથે મૈત્રી થઈ.હનુમાનજીનું લંકા ગમન થયું,સીતાજીને મળ્યા લંકાદહન કરી સીતાજી પાસે ચુડામણી લઇ અને પાછા આવ્યા અને એ રીતે સુંદરકાંડનું સમાપન કરી અને લંકાકાંડમાં સેતુબંધ રામેશ્વરનું સ્થાપન થયું. સમાજને એકબીજા સાથે જોડવો એ સેતુબંધ છે. રામ લંકાનાં ત્રિકૂટ ઉપર ડેરો રાખીને રહ્યા.રામ રાવણનાં ભિષણ યુધ્ધનું વર્ણન અને એ પછી રાવણની આત્મા રામમાં લીન થઈ,રાવણને નિર્વાણ પછી વિભિષણને રાજ દઇને સિતારામ અયોધ્યામાં આવ્યા.ઉત્તરકાંડમાં રામનું રાજ તિલક થયું.

બાપુએ કહ્યું કે સંશય-વહેમ-સંદેહ ત્રણ પ્રકારે થાય છે:કોઈને જોઈને સંદેહ થાય છે.ભગવાનને રણ મેદાનમાં બંધાયેલા જોઈને ગરુડને સંદેહ થયો. પાર્વતીને રામની નરલીલા જોઈને સંદેહ થયો.કોઈની વાત સાંભળીને સંદેહ થાય.મંથરાની વાત સાંભળી કૈકયીને સંદેહ થયો અને કોઈના સ્વભાવમાં પણ સંદેહ હોય છે.ભવાનીનો નારી સ્વભાવ એને સંદેહ કરવા પ્રેરે છે. સંદેહ મટાડવા એનો નાશ કરવા શાસ્ત્ર પ્રમાણ,અનુમાન પ્રમાણ અને સાધુનું ભજન પ્રમાણ જરૂરી છે.

બાપુએ કહ્યું કે રામ માત્ર કોઈ એક વ્યક્તિના કહેવા ઉપર સીતા ત્યાગ ન કરે.તુલસીનું અન્ય સાહિત્ય જોઈને સમજવું કે નર લીલામાં સીતારામની પરસ્પર સમજૂતી છે.

બધા જ વક્તાઓએ પોતાની ભૂમિકાથી કથાને વિરામ આપ્યો અને બાપુએ વિરામ વખતે ઉપસંહારક સૂત્ર કહેતા કહ્યું કે:

માનસ સ્વયં સમુદ્ર છે.તેમ આપણું હૃદય પણ સમુદ્ર છે.જેમ સમુદ્રમાંથી ૧૬ રત્નની વાત કરી એ રામચરિત માનસમાં છે.વિષમ પરિસ્થિતિ રૂપી વિષ- જે કૈકયીએ પીધું.ચંદ્રમાં મુની છે.ભગવતી લક્ષ્મી અને પરિવારની મંહેક રુપી પારિજાત પણ છે.અહીં મદિરાનું વર્ણન છે.કામદુર્ગા ગાય છે અને દશરથરૂપી વડીલ એ કલ્પતરુ છે.રામ વિવેકથી ચાલે ઐરાવત છે અને સુમંતના ઘોડારૂપી ઉચ્ચશ્રવા પણ દેખાય છે રામાયણ સૌથી મોટું આરોગ્ય-ધનવંતરી છે. ભક્તિમણિ કૌસ્તુભ મણી છે,શંખનાદરૂપી શંખ છે અપ્સરાઓનું વર્ણન એ રંભા છે.નામામૃત અને કથામૃત રુપી અમૃત છે.

બાપુએ કહ્યું કે:આપણે કોઈ પરમના નિમંત્રણ ઉપર કથામાં આવ્યા છીએ.

બાપુએ સમગ્ર કથાનું ફળ મહાદેવને,દ્વાદશ જ્યોતિર્લિંગને સમર્પિત કરી અને આવનારા કૃષ્ણ જન્મની વધાઈ સાથે એ પણ કહ્યું કે હવે પછીની કથા મહારાષ્ટ્રમાં માનસ કંદરા ઉપર થશે.

આગામી-૯૪૨મી રામકથા ૭ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર ઇલોરા ગુફા ખાતે ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)થી પ્રવાહિત થશે.જે નિયત નિયમિત સમયે પ્રસારિત થશે.

Box

કથાવિશેષ:

હૃદયરૂપી સમુદ્રમાં પણ ૧૬ રત્નો છે જેમાં:

દ્વૈષરૂપી વિષ,મનનો ચંદ્ર,ઉદારતા રૂપી લક્ષ્મી અને વિવેકરૂપી ઐરાવત છે.હૃદયની બેતાબી એ ઉચ્ચશ્રવા છે,રુદ્ર શબ્દ ઔષધિ છે,ભક્તિરૂપી મણિ અને આત્માનો અવાજ એ પાંચજન્ય શંખ છે.કામના મુક્ત કળાનો સત્કાર એ રંભા છે.ઇર્ષારૂપી વારૂણિ છે અને પ્રેમરૂપી અમૃત છે.


Spread the love

Check Also

ઝેવિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ 2025 રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 30મી નવેમ્બર, 5મી જાન્યુઆરીએ એક્ઝામ યોજાશે

Spread the loveભારત 20મી નવેમ્બર 2024: ઝેવિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ (XAT), એક પ્રીમિયર નેશનલ લેવલની MBA …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *