સત્તા,સંપત્તિ,સન્મતિ એક જગ્યાએ કેન્દ્રિત થાય તો જગતને ખૂબ નુકસાન કરે છે.
“ગુજરાતી ભાષા ઘરમાં રહેવી જોઈએ.”
“આપણી મા ઘરમાં નહીં રહે તો કયા વૃદ્ધાશ્રમમાં રાખીશું!”
“દરેકની માતૃભાષા કુળદેવી છે.”
આપણી વૃત્તિ પ્રકૃતિની વેરી બની રહી છે.
આજે અષાઢી બીજ,રામકથાનો બીજો દિવસ. ગઈકાલે વિવિધ પ્રકારની વંદના પ્રકરણમાં મંત્રાત્મક અને સૂત્રાત્મક વાત કરતા બાપુએ કહેલું કે શાંતિ આપણને પચતી નથી.એ ઉપરાંત ચારે બાજુ થઈ રહેલા યુદ્ધોને કારણે બાળકો મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે અને ખાવાના પણ સાંસા છે,બાળકો ખાવા માટે ભીખ માંગી રહ્યા છે એનાથી વ્યથિત બાપુનું કોમળ હૃદય દ્રવિ ઉઠ્યું અને બાપુએ કહ્યું કે મંજૂરી મળે તો એ લોકોને ખાવાનું પહોંચાડીએ એવી ઈચ્છા છે.
બીજા દિવસની કથાના આરંભે જણાવ્યું કે આજે રથયાત્રાનો દિવસ.પહેલા નંબરની રથયાત્રા મોક્ષદાયીની જગન્નાથ પુરીની,બીજા નંબરની અમદાવાદની અને ત્રીજા નંબરની ભાવનગરની રથયાત્રા હોય છે.
અહીં ભારતથી આવેલા અનેક શ્રોતાઓમાં કવિ તુષાર શુક્લએ કવિતાઓ રચી,બાપુએ એમાની એક કવિતા વાંચી:
જગન્નાથજી આવો,
તમે જ ખેંચો જીવનરથને,
લઈએ આજે લહાવો.
શ્વાસના રથને તમે જ ચલાવો,
અમે જાણીએ,અમે ખેંચીએ;
પણ તમે તો મુખડું મલકાવો,
જગન્નાથજી આવો.
અન્ય એક કવિતાનું વિવરણ કરતી વખતે બાપુએ ખૂબ જ મહત્વનો મુદ્દો ઉત્કંઠા શબ્દ વિશે કહ્યો.
ઉત્કંઠા શબ્દ ઉપર બાપુએ પોતાની ખૂબ જ રસભરી વાત કરતા કહ્યું કે એના માટે એક શબ્દ છે લૌલ્ય. કહ્યું કે પાંચ પ્રકારની ઉત્કંઠા હોવી જોઈએ.જેમાં પરમ સાથે પ્રેમ થાય,એની મુલાકાત કે સાક્ષાતકાર થાય,જે પરમ છે પરમના જે કોઈ છે એના પ્રતિ દ્વૈષ ન જાગે,પરમ વિશે વાત કરે એવો સાધુ મળી જાય અને કોઈ એવો મંત્ર મળી જાય આ ઉત્કંઠાના પાંચ બિંદુ બતાવ્યા.
રામકથાને પંચમ વેદ કહ્યો છે.ભગવાન શંકરને પાંચ મુખ છે.ત્યાંથી કથા નીકળી છે.બાપુએ કહ્યું કે વેદમાં પાંચ પ્રકારના સૂક્ત છે:એક છે-અધ્યાત્મસુક્ત.જ્યાં દર્શન છે.બીજું સંવાદ સૂક્ત,ત્રીજુ ઊર્મિ સૂક્ત-જ્યાં પર્જન્ય સંધ્યા વગેરેનું વર્ણન છે.ચોથું પ્રાર્થના સૂક્ત અને પાંચમું નિરપેક્ષ સૂક્ત છે.
બાપુએ કહ્યું કે ગુજરાતી ભાષા ઘરમાં રહેવી જોઈએ આપણી મા ઘરમાં નહીં રહે તો કયા વૃદ્ધાશ્રમમાં રાખીશું! દરેકની માતૃભાષા કુળદેવી છે.
કરીબ હૈ તો ઇશારા કર!
ચલા ગયા હો તો પુકારા કર!
સત્સંગથી પણ મૂલ્યવાન છે સ્વસંગ.સત્સંગનું ફળ સ્વસંગ છે.બાપુએ કહ્યું કે આપણી વૃત્તિ પ્રકૃતિની વેરી બની રહી છે.સાથે-સાથે એ પણ જણાવ્યું કે વેદની એક ઋચા કહે છે કે આટલી વસ્તુ એક જગ્યાએ ભેગી થાય તો જગત માટે ખૂબ નુકસાનકારક છે:સંપત્તિ,જ્ઞાન અને સત્તા.જેનું વિતરણ થવું જોઈએ. સત્તા સંપત્તિ,સન્મતિ એક જગ્યાએ કેન્દ્રિત થાય તો જગતને ખૂબ નુકસાન કરે છે.
મંત્રાષ્ટક કથાના પ્રવાહમાં બાપુએ કહ્યું કે અહીં સાબરમંત્ર એ પહેલા મંત્રની વાત રામચરિત માનસમાં આવે છે.શિવ અને પાર્વતી કૈલાશ ઉપર બેઠા હોય છે અને નારદ આવે છે.પ્રશ્ન પૂછે છે કે પૃથ્વીની સ્થિતિ શું છે.ત્યારે કહે છે કલિપ્રભાવ ખૂબ છે.ત્યારે ભગવાન શંકરે સાબરમંત્ર પ્રગટ કર્યો.સાબર મંત્રનું જાળું ઉત્પન્ન કર્યું.સાબરમંત્ર એક નથી અનેક છે એટલે મંત્રજાળ લખ્યું.શાબર નામના એક મુનિ છે. સાચો શબ્દ શાબર છે. વેદના એક ખંડનું એણે ભાષ્ય પણ કર્યું છે.ધરો જેવી એક વનસ્પતિ ઘાસને પણ સાબર કહે છે.સાબર નામનું એક હરણ હોય છે.એના શરીરથી દોઢ ગણા એના શિંગડા મોટા હોય છે.એ પ્રગાઢ જંગલમાં નથી રહેતા કારણ કે એના શીંગડા ફસાઈ જતા હોય છે.વર્ષમાં બે વખત એના શીંગડા ખરી જાય છે.ગરમીમાં શીંગડા ખરી ગયા પછી વર્ષાઋતુમાં પાછા આવે છે.માદા સાબરને શિંગડા નથી હોતા.સાબરમંત્રનું પણ એવું જ છે.નિશ્ચિત નહીં ક્યારે શીંગ ફૂટે,ક્યારે તૂટી જાય.એનું કોઈ સર્જન કોઈ બંધારણ નથી.કોઈ અર્થ નથી. એનો કોઈ (છંદ,માત્રા)મેળ પણ નથી.વ્યવસ્થિત જાપ પણ સહિત થઈ શકતો નથી પણ સામાન્ય લોકો માટે શ્રદ્ધાથી એ જપ કરે તો એનું કામ થઈ જાય છે. સાપ ઉતારવાનો મંત્ર- આવા અનેક સાબરમંત્ર વિશે બાપુએ જણાવ્યું.
બાપુ એ પણ કહ્યું કે ૨૦ હર્ટઝથી ૨૦ હજાર હર્ટઝ વચ્ચેની તરંગલંબાઈ વચ્ચે આપણે જીવીએ છીએ. પણ જે ૨૦ હર્ટઝ કરતા નીચેના તરંગો સાંભળી લે એ શુદ્ધ થઈ જાય અને ૨૦ હજાર હર્ટઝથી ઉપરના તરંગો સહન કરી શકે એ બુદ્ધ થઈ જાય છે.
એ પછી કથાનાં દોરમાં વંદના પ્રકરણનું વિવરણ થયું.
Box-1:
વૃક્ષ બચાવો,જળ બચાવો,જીવ બચાવો.
પ્રકૃતિથી ઘેરાયેલા એક વિસ્તારમાં પાણીની ખૂબ તંગી હતી.ત્રણ વર્ષથી વરસાદ ન હતો.પ્રાંતમાં કડક સૂચના હતી કે પાણી બચાવો.એક-એક બુંદને બચાવીને રાખતા હતા.એક ઘરમાં એક બાળક પાણીની તંગી હોવાથી મા કામ કરતી હતી અને બાળક પોતાની મુઠ્ઠીમાં કંઈક દબાવી અને રસોડામાંથી દોડીને બાજુના જંગલમાં જતો હતો. ફરી પાછો આવતો,રસોડામાં જતો હતો.ફરી પાછો આવતો હતો.આવું ત્રણ-ચાર વખત કર્યું. મા જોઈ રહી હતી તેને થયું કે આ બાળક શું કરે છે? અને બાળકને ખબર ન પડે એ રીતે એની પાછળ ઝાડ પાછળથી જોયું તો બાળક થોડુંક પાણી મુઠ્ઠીમાં લઈ અને એક હરણનું બચ્ચું પાણી વગર તડપી રહ્યું હતું એના મોઢા ઉપર બે ત્રણ ટીપા રાખતો હતો.બે ત્રણ વખત આવું કરવાથી,પાણી મળવાથી હરણનું બચ્ચું એનામાં ફરી જાન આવી ગઈ.જાણે કે જીવી ગયું. અને એ પછી બાળક પાસે પાણી વધ્યું એ પાસેના ઝાડના મૂળમાં નાખ્યું.માની આંખમાં આંસુ આવી ગયા ત્યારે બાળકે કહ્યું કે મારે એક જીવ અને એક વૃક્ષને બચાવવું હતું. બાપુએ કહ્યું કે આપણી વૃત્તિ પ્રકૃતિની વેરી બની ગઈ છે.એ જ વખતે માની આંખમાંથી આંસુ પડ્યું સાથે સાથે આકાશ પણ વરસી પડ્યું.
બાપુ કહે છે કે કાલે પણ કહેલું આજે પણ કહી રહ્યો છું અને ફુલછાબમાં બે-ત્રણ દિવસ પહેલા ઈસરોના પ્રેસિડેન્ટ એસ સોમનાથનો લેખ હતો એ સાવધાન કરતા લખે છે કે ઘણા વર્ષ પહેલાં એક ઉલ્કા પડી અને કરોડો ચોરસ માઇલ વિસ્તારનો જંગલ ખતમ કરી દીધું.આવનારા ૨૫-૨૬ વર્ષ પછી ફરી એવી સ્થિતિ આવી રહી છે ત્યારે બધા જ વૈજ્ઞાનિકોએ સ્પર્ધા છોડી અને ભેગું થવું પડશે.બાપુએ કહ્યું કે એક કરોડ વૃક્ષ વાવવાની વાત કરી અને મદનભૈયા પાંચ કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ પણ કર્યો છે.બાપુએ સાથે-સાથે એ પણ કહ્યું કે વિજ્ઞાન રૂપી રોકેટમાં અધ્યાત્મ બુસ્ટરનું કામ કરે છે. વિનોબાજી પણ વિજ્ઞાન અને અધ્યાત્ના સમન્વયની વાત કરે છે.
Box-2
ઘરમાં એક ભગવાન છે,શોધો!
ઘરમાં અશાંતિ કેમ છે?
હિમાલયની તળેટીમાં એક બૌદ્ધ મઠ હતો.ઘણા જ વિદ્યાર્થીઓ ભણતા હતા. અચાનક શું થયું બધા જ વિદ્યાર્થીઓ ચાલ્યા ગયા. થોડાક સાધુ અને શિક્ષકો રહ્યા.આશ્રમ ખાલી થઈ ગયો.મુખ્ય સાધુએ મીટીંગ બોલાવી અને કહ્યું કે બધા કેમ ચાલ્યા ગયા? કોઈ પાસે જવાબ ન હતો. પણ પર્વતની ઉપરની ચોટી ઉપર એક પરમસાધુ રહેતા હતો.વર્ષમાં એક જ વખત આંખ ખોલતા અને એક જ વાક્યમાં જવાબ આપતા અને ફરી તપમાં ચાલ્યા જતા.સાધુએ કહ્યું કે બધા જ ત્યાં જાઓ. બધા નીકળી પડ્યા અને પ્રતીક્ષા કરીને બેઠા.સાધુએ આંખ ખોલી.બધાએ પૂછ્યું કે મારા આશ્રમમાંથી બધા જ ચાલ્યા ગયા છે. શું કરવું જોઈએ? સાધુએ કહ્યું કે તમારા મઠમાં એક ભગવાન છે એને ઓળખો અને એના હોઠ બંધ થયા.બધા જ ત્યાંથી નીકળીને આવ્યા.પણ બીજા જ દિવસથી એકબીજા તરફનો વ્યવહાર બદલાઈ ગયો,કારણ કે આમાંથી કોણ ભગવાન હોય કેમ ખબર પડે! અને એક જ વર્ષમાં બધું જ પહેલા જેવું હર્યું ભર્યું થઈ ગયું. બાપુએ કહ્યું કે દરેકના ઘરમાં એક ભગવાન છે એને ખોજો.