ગુજરાત, અમદાવાદ ૩૦ એપ્રિલ ૨૦૨૫: ખેડા જીલ્લાના મહેમદાવાદ નજીક આવેલ કનીજ ગામે એક દુર્ઘટનામાં ૬ બાળકોના મોતના સમાચારો મળી રહ્યા છે ! એ ઉપરાંત કોલકતામાં એક હોટેલમાં આગ લાગતાં ૧૫ લોકોના મોત થયાં છે. પ્રથમ ઘટનામાં ઉનાળુ વેકેશન દરમ્યાન નરોડાનો એક પરિવાર મહેમદાવાદ નજીકના કનીજ ગામે એમના મામાને ત્યાં રજાઓ ગાળવા એકઠો થયો હતો. પરંતુ વિધિને જાણે બીજું જ મંજુર હોય તેમ નજીકના તળાવમાં પરિવારના બાળકો નાહવા ગયાં હતા અને તેમાં પ્રાપ્ત માહિતી મુજબ ૬ બાળકોનાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. પૂજ્ય મોરારિબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓ પ્રતિ સંવેદના વ્યક્ત કરી તેમના પરિવારને હનુમંત સાંત્વના સ્વરૂપે રૂપિયા ૯૦,૦૦૦ ની સહાયતા રાશી અર્પણ કરી છે. આ રકમ નડીઆદ સ્થિત રામકથાના શ્રોતા શ્રી. હસિત મહેતા દ્વારા પહોંચતી કરવામાં આવશે.
બીજી કરુણાતિકામાં કોલકતા ખાતે એક હોટેલમાં આગ લાગતાં પ્રાપ્ત માહિતી મુજબ ૧૫ યાત્રિકોના દુઃખદ મોત નિપજ્યા છે. પૂજ્ય બાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને તત્કાલ રાહત મળે તે હેતુથી મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા ૨,૦૦,૦૦૦ ની રાશી પ્રેષિત કરી છે જે શ્રી. ચિત્રકૂટધામ ટ્રસ્ટ દ્વારા બેંક ટ્રાન્સફરથી મોકલવામાં આવશે. બંને ઘટનાઓમાં માર્યા ગયેલાઓ પ્રતિ પૂજ્ય બાપુએ સંવેદના વ્યક્ત કરી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.