ગુજરાત, અમદાવાદ ૦૨ એપ્રિલ ૨૦૨૫: ગઈકાલે બનાસકાંઠાના ડીસામાં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 21 લોકોના કરુણ મોત નિપજયા છે. ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને તેને કારણે ગોડાઉનમાં આગ લાગી હતી. બ્લાસ્ટ એટલો બધો ભારે હતો કે મનુષ્ય શરીરનાં ફૂરચા ઉડી ગયા હતા અને તેમનાં અંગો દુર સુધી ફંગોળાઇ ગયાં હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર આ કરુણ ઘટનામાં મઘ્ય પ્રદેશના ૨૧ મજુરોના મોત નિપજયા છે. બાપુએ તેમનાં પરિવારજનોને રુપિયા ૩,૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.
થોડા દિવસ પહેલાં જમ્મુ ના કઠુઆ વિસ્તારમાં ભારતીય સેનાના ચાર જવાનો મુઠભેડમાં શહીદ થયા હતા તેમની શહાદતને વંદન કરી પૂજ્ય મોરારીબાપુએ આ જવાનોને પ્રત્યેકને રૂપિયા ૨૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. જે રકમ આર્મી વેલફેર ફંડમાં મોકલવામાં આવશે. એ ઉપરાંત શિહોર નજીકના દેવગાણા ગામે મહિલાનું મોત નિપજ્યું હતું તેના પરિવાર ને ૧૫,૦૦૦ રુપિયા અર્પણ કરવામાં આવ્યા છે. મહુવા નજીક અકસ્માતમાં એક વ્યક્તિનું મરણ થતાં તેના પરિવારને પણ રુપિયા પંદર હજારની સાંતવના રાશી અર્પણ કરી છે.
પૂજ્ય મોરારીબાપુની રામકથા આર્જેન્ટિના ખાતે ચાલી રહી છે. તેમણે આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. આ તમામ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને માટેની વિતજા સેવા કથાના મનોરથી પરિવાર રોહીત દ્વારા કરાશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.