કથા સાધન નહીં સાધ્ય છે

Spread the love

આમ તો મારા માટે કોઈ ઉદ્દેશ નથી. નિરૂદ્દેશે…નિરૂદ્દેશે..નિરૂદ્દેશે.. પણ તુલસીના કદમ ઉપર ચાલુ છું તો ગોસ્વામીજીના ઉદ્દેશને હું ગાઇ રહ્યો છું.

આપણી આંખોથી જે દેખાય એ આકાશ અને આપણી ઇન્દ્રિયથી પણ ન દેખાય એ અવકાશ.

માણસ જેટલો રિક્ત એટલો વિરક્ત.

રામાયણનો રા અને મહાભારતનો મ લઇ લો તો રામ બની જશે.

ઋષભદેવનો ર અને મહાવીર સ્વામી નો મ લ્યો તો પણ રામ બની જશે!

સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટર-ન્યૂયોર્કથી પ્રવાહિત રામકથાનાં ત્રીજા દિવસે એક પ્રાસંગિક જિજ્ઞાસાથી કથા આરંભ કરતા જણાવ્યું પૂછાયું છે કે:

વિશ્વ સંસ્થા(યુનો)ની બિલ્ડીંગ પરથી કથાનો શો ઉદ્દેશ છે?

બાપુએ આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે:

વ્યવહાર જગત સદૈવ ઉદ્દેશને ધ્યાનમાં રાખે છે. પોતાનો કોઈ ગોલ-લક્ષ્યને ધ્યાનમાં રાખે છે.આમ તો મારા માટે કોઈ ઉદ્દેશ નથી. નિરૂદ્દેશે…નિરૂદ્દેશે..નિરૂદ્દેશે.. પણ તુલસીના કદમ ઉપર ચાલુ છું તો ગોસ્વામીજીના ઉદ્દેશને હું ગાઇ રહ્યો છું.વ્યાસપીઠનો એટલો જ ઉદ્દેશ.

કથાના માધ્યમથી ઘણા પોતાનો ઉદ્દેશ પૂરો કરી લેતા હોય છે.કથાને આપણે સાધન બનાવીએ છીએ ત્યારે કંઈક જુદુ બને છે. કથા સાધન નહીં સાધ્ય છે.કથા ફળ નથી.

બુદ્ધકાલિન બે શબ્દનો ઉપયોગ કરું.એક શબ્દ છે: તથાગત-ઘણો જ પ્યારો શબ્દ છે.

બોધિસત્વ એવો જ એક બીજો શબ્દ છે.

ઘણાએ પૂછ્યું છે કે બાપુ હમણાં હમણાં તમે જલ્દી જલ્દી કથાઓ આપો છો,એક કથા પૂરી થાય અને બીજી તરત શરૂ થાય છે,આપને ૧૦૦૮ કથા પૂરી કરવાની છે કે શું?બાપુએ કહ્યું કે તમે ચિંતા ન કરો! મારું કોઈ લક્ષ્ય નથી.

ઓશો કહે છે ગુરુ શિષ્યની વચ્ચે કયો સંબંધ હોય છે? ગુરુ કંઈ આપતો નથી,શૂન્ય આપે છે. અને શૂન્ય લેવા માટે જે તત્પર છે એ શિષ્ય છે.બંનેની વચ્ચે શૂન્યનો વિનિમય-વિનયોગ થાય છે. શૂન્ય સિવાય કંઈ આપતા નથી.આકાશ અને અવકાશ શબ્દ વચ્ચેનું અંતર સમજાવતા બાપુએ કાગબાપુની કવિતા વિશે વાત કરી બાપુએ કહ્યું કે મારી કથા પછી ૪૦ કલાક બાદ હું જ અંગ્રેજીમાં મારાજ અવાજમાં બોલું છું એ પ્રસારિત થાય છે,અને કોમેન્ટ કરતા કહ્યું કે આનાથી મોટો કળિયુગ કયો હોય! ક્યારેક થાય કે ઉકો શબ્દ બોલું એનું અંગ્રેજી આ લોકો શું કરશે?! કાગબાપુની કવિતાનું અંગ્રેજી શું કરશે એ બધાની જિજ્ઞાસા છે.આકાશ અને અવકાશ અંતર છે: આપણી આંખોથી જે દેખાય એ આકાશ અને આપણી ઇન્દ્રિયથી પણ ન દેખાય એ અવકાશ કહેવાય. એવું કહીએ કે ગોળી ફુલ બની જાય અને બોમ બમ-બમ કાવડિયા યાત્રાના બોલ બની જાય! માણસ જેટલો રિક્ત એટલો વિરક્ત.ચારે બાજુ આખી દુનિયા છે પણ અંદરથી જેટલો ખાલી બને એટલો વિરક્ત બનશે.

ગોસ્વામીજીએ ત્રણ ઉદ્દેશ લગાવ્યા:સ્વાન્ત: સુખાય- નિજ સુખ માટે.

મોરે મન પ્રબોધ જેહિ હોય-મારા મનને બોધ થાય અને નિજગિરા પાવન કરન-મારી વાણીને પવિત્ર કરવી-તુલસીના આ ત્રણ ઉદેશ છે.

મારી રામકથા જ્ઞાનયજ્ઞ નહીં ગાનયજ્ઞ છે.અને જ્યાં ગાન હોય ત્યાં પ્રેમ હોય જ.પણ મને કહ્યું છે મારો તો કોઈ ઉદ્દેશ નથી.જે થઈ રહ્યું છે એનો સ્વિકાર કરતો રહું છું.૧૦૦૮ કથા ન પણ થાય.

આપણે તથાગત ન થઈ શકીએ કથાગત તો થઈ શકીએ.ઉદ્દેશના રૂપમાં નહીં આનંદના રૂપમાં. અને બોધિ સત્વ ઉદ્દેશ નથી પણ પોથીસત્વ બની શકીએ. તો આપણે પોથીસત્વ બનીએ,કથાગત બંનીએ.

આ યુનોના ૧૭ ઉદેશ છે હું જોઉં છું ત્યારે લાગે છે કે ઉત્તરકાંડમાં રામરાજ્યના વર્ણનમાં એના બધા જ બીજ પડેલા છે.

ચાર ઉદ્દેશમાં:એક-પોતાનો એક દેશ હોવો જોઈએ સદદેશ,એક સ્થાન.

બાપુએ જણાવ્યું કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે,બીજો સોમવાર છે.મહાકાલનાં મંદિરમાં ભગવાન શિવનું રુદ્રાષ્ટક અને એનું ગાન કરી અને મહાદેવની યાદોથી સમગ્ર કથાને બાપુએ ભરી દીધી.

બાપુએ ખગ,મૃગ,સુર,નર,મુની,અસુર-આ બધા જ ચરણના ઉપાસક છે એ વિસ્તારથી સમજાવી અને દાદાની અમૃતવાણીનાં થોડાક છાંટાઓ વહેંચ્યા. મહાભારતના પાત્રોનાં નામના સાત્વિક,તાત્વિક અને વાસ્તવિક અર્થો બતાવીને થોડો સમય બાપુ મહાભારત કાળમાં લઈ ગયા.

ભીમનો અર્થ સાહસી થાય છે.રામરાજ્ય લાવવું હશે તો સાહસ કરવું પડશે.બાપુએ કહ્યું કે યુનોએ કંઈક સાહસ કરવું હશે તો કોઈ પણ દેશના દબાણમાં આવ્યા વગર રહેવું પડશે.યુધિષ્ઠિર એટલે જે દ્વંદ વચ્ચે સ્થિર થે એ.યુધિષ્ઠિરની જેમ સ્થિર રહીને જોવું પડશે.અર્જુનનો અર્થ-જે સંવેદનશીલ છે.વિશ્વ શાંતિ માટે સંવેદના પણ હોવી જોઈએ.બાપુએ કહ્યું કે સાહસ,સ્થૈર્ય,ઋજુતાની સાથે સાથે નકુળનો મતલબ વૈરાગ અને ત્યાગ થાય છે અને સહદેવનો અર્થ થાય છે-સંયમ.સહદેવ બનવું ખૂબ અઘરું છે,બધું જ જાણતા હોવા છતાં ચુપ રહેવું અઘરું છે એવું બાપુએ જણાવ્યું.કુંતી એટલે જે તિક્ષ્ણ છે એ.ભીમ અને ધર્મરાજની માતા છે.માદ્રીનો અર્થ શું?

મા-નકારસૂચક શબ્દ છે.આદ્રી એટલે પર્વત,આથી અહીં મા-આદ્રી-માદ્રી એટલે જે પર્વત જેવી જડ નહી પણ ઋુજુ છે,જેણે સહદેવ અને નકુળ જેવા બે રત્નોને જન્મ આપ્યો છે.

બાપુએ કહ્યું કે રામાયણનો રા અને મહાભારતનો મ લઇ લો તો રામ બની જશે.એ જ રીતે ઋષભદેવનો ર અને મહાવીર સ્વામી નો મ લ્યો તો પણ રામ બની જશે!સમગ્ર બ્રહ્માંડ રામમય છે.

કોઇએ પૂછેલું:આપની કથાથી શું લાભ થશે?બાપુએ કહ્યું લાભ માટે ન આવતા,કંઇ લાભ નહિ થાય,શુભ થશે.દરેક લાભ,શુભ નથી હોતો પણ નાનકડું શુભ અનેક લાભોથી મોટું હોય છે.તુલસીજીનાં રામના વિરાટરૂપની પંક્તિઓનું ગાન કરીને મંડપને ચોપાઇઓથી ભરી દીધો તથા નરસિંહ મહેતાની હૂંડીનું ગાન કરી વાતાવરણને રાસમય બનાવ્યું.

માનસકથા શું આપે છે?

આપણો દેશ-સદદેશ-સ્થાન-ઘરાનું-નીજતા આપે છે.માનસ સંદેશ,ઉપદેશ અને આદેશ આપે છે.

આવી સંસ્થાઓએ પણ દેશ-સ્થાનની સાથે સંદેશ,ઉપદેશ અને જરુર પડ્યે આદેશ આપવો જોઇએ.રામકથા સત્યનો આદેશ આપે છે,પ્રેમનો સંદેશ અને કરુણાનો ઉપદેશ આપે છે.


Spread the love

Check Also

સત્યા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના લોકો માટે મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Spread the loveસત્યા શક્તિ ફાઉન્ડેશને સત્યા માઇક્રોકેપિટલ લિમિટેડ સાથે મળીને મફત મેગા હેલ્થ ચેક-અપ અભિયાનનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *