માનસ નંદપ્રયાગ મહેશ એન.શાહ
કથા ક્રમાંક-૯૫૬ દિ-૧. તા-૩ મે ૨૦૨૫.
ચારધામનાં પંચ પ્રયાગનાં એક સંગમ નંદ પ્રયાગથી ૯૫૬મી રામકથાનો આહ્લાદક આરંભ થયો.
નવ દિવસ નંદપ્રયાગમાં આનંદની કથા વહેશે.
“આજે દુનિયાને શીલકંઠની જરુર છે”
રામચરિત માનસ સદગુરુનું વાંગમય સ્વરૂપ છે
સાત કાંડ-સદગુરુનાં સાત લક્ષણો છે.
બધાને આનંદ આપે એ નંદ છે.
ઉત્તરાખંડનાં ચારધામ યાત્રા માર્ગ પર સુખ્યાત પંચ પ્રયાગ આવેલા છે.ત્યાં જ છે આહ્લાદક કૂદરતનું સ્વર્ગ એવું ચમૌલી,જેમાંનાં અલકનંદા અને મંદાકીનિનાં સંગમ પર નંદપ્રયાગ છે.અહીં મોરારિબાપુની-કથાક્રમની ૯૫૬મી-રામકથા શરૂ થઇ છે.
ગયા વરસે કર્ણપ્રયાગનાં જિલાસૂંમાં રામકથા યોજાયેલી.
આ પહેલા પંચપ્રયાગોમાંથી દેવપ્રયાગ,રૂદ્રપ્રયાગ અને નંદપ્રયાગ ખાતે કથા અનુષ્ઠાન યોજાઇ ગયા છે.
આ કથાનાં મનોરથી મુંબઇ સ્થિત રીના ગૌડ અને પરિવાર છે.કથા આયોજક સમિતિમાં મનોજ જોશી કાર્ય સંભાળી રહ્યા છે.
બિલકૂલ સરલ,સહજ રીતે જ રીનાબહેને સૌ કોઇનું શબ્દ સ્વાગત કર્યું.
ને આઇએ હનુમંત બિરાજીએ…..-ગાન દ્વારા શ્રી હનુમાનજીનું આવાહન,સ્થાપન કરીને જૂજ પણ ખરાં કથા રસિક શ્રોતાઓ સામે લોકાભિરામં-નાં મંડાણ કરીને અતિ વિલંબિતમાં રામ સ્તુતિનું ગાન કરીને બીજરુપી પંક્તિઓ-જે બાલકાંડમાંથી લીધેલી છે એનું ગાન થયું:
હરષિત જહં તંહ ધાઇ દાસી;
આનંદ મગન સકલ પુરબાસી
જો આનંદ સિંધુ સુખરાસી;
સીકર તેં ત્રૈલોક સુપાસી.
ને શ્રોતાઓની કાનની તરસ છીપાવતા શબ્દો વહ્યા:બાઆ…પ!!
પ્રવાહમાન પરમાત્મા આપણી દિવ્ય નદીઓ છે.આ દેવભૂમિ,દિવ્ય અને સેવ્ય ભૂમિનાં કણ-કણને અને દેવ નદીઓના બૂંદ-બૂંદને પ્રણામ કરીને કહ્યું કે ભગવદ્ કૃપા એવી થઈ છે કે ઉત્તરાખંડમાં ૩૧ કથાઓ થઈ એની નોંધ વિશેની વાત કરી.
આ ભૂમિ ખેંચી રહી છે.ગંગધારા ઉપરથી નીચે જાય અને રામકથા રૂપી ગંગા નીચેથી ઉપર જઈ રહી છે! કેટલા બધા પ્રયાગો,એમાં ત્રણ પ્રયાગમાં કથા થઈ. આ ચોથું પ્રયાગ.હજી વિષ્ણુ પ્રયાગ અને સોન પ્રયાગ પણ છે.
કથાનું નામ તો માનસ નંદપ્રયાગ પણ આનંદ શબ્દબ્રહ્મ ઉપર વિશેષ રૂપે સંવાદ કરવામાં આવશે. નંદનો એક અર્થ આનંદ થાય છે.બ્રહ્મલિન ડોંગરેજી બાપા કહેતા કે બધાને આનંદ દે એ નંદ છે અને બધાને યશ આપે,ખુદ અપયશ લ્યે એ યશોદા છે. રામચરિતમાનસ સદગુરુ છે.શ્રીમદ ભાગવત શ્રીકૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે અને એમાંથી આનંદનો વરસાદ થાય છે.
આ દિવસોમાં પરમ ચેતનાઓનાં પ્રાગટ્ય ઘણા આવ્યા છે.આદિ શંકરાચાર્યજી ઉપરાંત અક્ષય તૃતીયા,ગણેશ ચતુર્થી,પંચમી એ પછી સપ્તમીએ ગંગા સપ્તમી અને નવમી તિથિ મા જાનકી જયંતિ. આપણે દેવતાઓનો,સોમ સૂર્યનો વંશ છીએ. ઋષિમુનિઓ આપણા પૂર્વજ છે.
રામચરિતમાનસ,મહાભારત,બ્રહ્મસૂત્ર,ભગવદ ગીતા, વેદ આદિ ગ્રંથો આપણા પૂર્વજો છે.રામચરિત માનસમાં આનંદ શબ્દનો વરસાદ થયો છે. સચ્ચિદાનંદ,બ્રહ્માનંદ,ચિદાનંદ,પરમાનંદ વગેરે શબ્દોની ભીડ છે.અહીં જ્ઞાન અને યોગનો સમન્વય થયો છે.જ્ઞાનની જેમ સાત ભૂમિકા છે એમ સદગુરુનાં સાત લક્ષણો છે જે બાલકાંડથી શરૂ કરીને ઉત્તર કાંડ સુધીમાં સદગુરુ બાલકમલવત હોય છે પોતાને જ નિહાળી અને નાચે એવા.સંઘર્ષ રહિત હોય.આજે દુનિયાને નીલકંઠ કરતાં પણ વધારે શીલકંઠની જરૂર છે,નીલકંઠ મહાદેવ તો છે જ. ભવનમાં રહી અને દૃષ્ટિ વનમાં રાખે,મૈત્રી,સુંદરતા નિર્વાણ,પરમ વિશ્રામ વગેરે સદગુરુનાં લક્ષણો છે.
પ્રવાહી,પરોપકારી પરંપરામાં સદગ્રંથ માહાત્મ્ય,જેમાં સાત મંત્રોમાં વાણી,વિનાયકથી શરૂ કરી નવ વંદનાઓ થઇ,ગુરૂવંદના તથા હનુમંત વંદના બાદ કથા વિરામ થયો.
