યોગ્યકર્તા, ઇન્ડોનેશિયા 24 ઓગસ્ટ 2024: જાણીતા આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપુએ યુક્રેન-રશિયા સંઘર્ષને સમાપ્ત કરવા અને શાંતિ સ્થાપવાના પ્રયાસો કરવા માટે વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે.
યોગ્યકર્તા, ઇન્ડોનેશિયામાં તેમની ચાલી રહેલી રામકથા દરમિયાન પૂજ્ય મોરારી બાપુએ યુદ્ધ, આતંક અને અમાનવીયતાના વૈશ્વિક પડકારો વિશે વાત કરી હતી. તેમણે યુક્રેન-રશિયા સંઘર્ષને કારણે થતી પીડા માટે ઊંડી ચિંતા વ્યક્ત કરી અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે ભારતના તાજેતરના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
મોરારી બાપુએ જણાવ્યું હતું કે, “ગઈ કાલે, મને સમાચાર મળ્યા કે, આપણા આદરણીય વડાપ્રધાને યુક્રેનની ટૂંકી મુલાકાત લીધી અને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. ભારતે હંમેશા અન્ય લોકો સાથે મૈત્રીપૂર્ણ અને શાંતિપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા છે અને ચાલી રહેલા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ સુધી પહોંચવા માટે બંને પક્ષો વચ્ચે વાતચીતની સતત હિમાયત કરી છે. આપણા વડાપ્રધાને ખાતરી આપી છે કે, ભારત શાંતિ સ્થાપવા માટે કોઈપણ પ્રકારની મદદ કરવા તૈયાર છે અને મને વિશ્વાસ છે કે તેમના પ્રયાસો ચોક્કસ સકારાત્મક પરિણામ આપશે.”
ભગવાન રામ અને રામચરિતમાનસના ઉપદેશોના પ્રસાર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર મોરારી બાપુએ વૈશ્વિક એકતા અને સુલેહશાંતિ માટેની પ્રાર્થના સાથે સમાપન કરતાં કહ્યું કે, “હું ભગવાન હનુમાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આશા રાખું છું કે, શાંતિ માટેના આ પ્રયાસો સફળ થશે. પ્રભુના આશીર્વાદ દરેક લોકો પર બની રહે.”
આદરણીય આધ્યાત્મિક ગુરુએ જૂનમાં વિશ્વના નેતાઓને સંઘર્ષ અને યુદ્ધોને સમાપ્ત કરીને વૈશ્વિક શાંતિ માટે સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી. તેમણે એ પણ કહ્યું હતું કે, જો તક મળશે તો તેઓ શાંતિ અને એકતાને પ્રોત્સાહન આપવા માટે યુક્રેન-રશિયા બોર્ડર પર રામકથાનું આયોજન કરશે.
યુક્રેનની તેમની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સ્મારકની મુલાકાત લીધી હતી અને હાલમાં ચાલી રહેલા સંઘર્ષમાં દુઃખદ રીતે જીવ ગુમાવનારા માસૂમ બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ગયા મહિને મોસ્કોની તેમની મુલાકાત દરમિયાન, વડાપ્રધાને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે, “શાંતિ અત્યંત મહત્વની છે” અને કોઈપણ સમસ્યા કે સંઘર્ષનું સમાધાન યુદ્ધના મેદાનમાં થઈ શકતું નથી.