અમદાવાદ 26 ઓક્ટોબર 2024: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના સ્થાપક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર 31 ઓક્ટોબરથી 04 નવેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ અમદાવાદ, વાસદ અને સુરતમાં દિવાળી અને નવા વર્ષ નિમિત્તે આયોજિત વિવિધ ખાસ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આ મુલાકાત તહેવારોની ઉજવણી દરમિયાન યોજાઇ રહી છે, જેમાં તેઓ ઘણા પવિત્ર આધ્યાત્મિક અનુષ્ઠાનો, વર્કશોપ અને કાર્યક્રમોનું નેતૃત્વ કરશે. આ કાર્યક્રમો આનંદ અને ઉત્સાહની ભાવના સાથે લોકોને એક સાથે લાવવા આયોજિત કરવામાં આવી રહ્યાં છે.
તેઓ 31 ઓક્ટોબરના રોજ અમદાવાદ પહોંચશે તથા શહેરમાં કર્ણાવતી ક્લબ ખાતે સાંજે 6થી8 વાગ્યા સુધી દિવાળી સ્પેશિયલ મહાલક્ષ્મી હોમ અને ચોપડા પૂજન વિધિમાં ભાગ લેશે. ધનની દેવી મહાલક્ષ્મીની પૂજા કરતાં આ વિશેષ હોમમાં સમૃદ્ધિ અને સુખાકારી માટે આશિર્વાદ પ્રાપ્ત કરાશે.
01 નવેમ્બરના રોજ સવારે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા એક મહત્વપૂર્ણ પહેલમાં સામેલ થશે. આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન વાસદમાં એસવીઆઇટી કેમ્પસ ખાતે ‘સીડ ધ અર્થ’ કાર્યક્રમનું આયોજન કરશે, જેમાં 5,000થી વધુ લોકો ભેગા મળીને 100થી વધુ પ્રજાતિના 2.5 લાખ સીડ બોલ તૈયાર કરશે તથા હરિયાળા ભારતની રચનામાં યોગદાન આપશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય બે વર્લ્ડ રેકોર્ડ – સૌથી વધુ સીડ બોલ બનાવવા તથા સીડ બોલ ટ્રેનો ઉપયોગ કરીને સૌથી લાંબુ સ્લોગન બનાવવાનો છે. ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
02 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર નવા વર્ષની વિશેષ ગોવર્ધન પૂજામાં ભાગ લેશે. આ પવિત્ર કાર્યક્રમ પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા તથા પૃથ્વી તરફથી મનુષ્યોને મળેલી અપાર ભેટોના સન્માનના પ્રતીક છે. 03 નવેમ્બરના રોજ ગુરુદેવ સુરતમાં આશિર્વાદ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે, જ્યાં જ્ઞાન અને ધ્યાનનું અભૂતપૂર્વ મિશ્રણ જોવા મળશે.
04 નવેમ્બરના રોજ તેઓ રુદ્ર પૂજામાં ભાગ લેશે, જેમાં આંતરિક શક્તિ, શાંતિ અને પરિવર્તન માટે ભગવાન શિવના આશિર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. આ કાર્યક્રમ સવારે 8.30 કલાકે યોજાશે.
આ કાર્યક્રમોમાં તમામ વ્યક્તિઓ ભાગ લઇ શકે છે અને તે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના માર્ગદર્શન હેઠળ પરિવર્તનકારી આધ્યાત્મિક અભ્યાસમાં સામેલ થવાની ઉત્તમ તક પ્રદાન કરે છે. આર્ટ ઓફ લિવિંગ દરેક વ્યક્તિને આ દિવ્ય ઉત્સવનો હિસ્સો બનવા તથા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે દિવાળીના ઉત્સવ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરવા આમંત્રિત કરે છે.