આધ્યાત્મિક વાતોમાં ભાષાંતર નહિ,ભાવાંતર કામ આવે છે.
શબ્દકોશ નહીં પણ હૃદય કોષની જરૂર પડે છે.
અભાવમાં જો કોઈ રાહત દેતું હોય તો એ છે: ભગવદ કથા.
જ્યારે અભાવ ખૂબ જ સતાવે ત્યારે કોઈ બુદ્ધપુરુષ સમાધિને ફેંકીને અભાવગ્રસ્તનાં સમાધાન માટે પ્રગટ થઈ જાય છે.
ભગવદ કથાઓએ વિશ્વનું ખૂબ જ મંગલ કર્યું છે.
મનોહર આર્જેન્ટિનાનાં ઉશૂવાયા પ્રાંતમાં ચાલી રહેલી રામકથા ચોથા દિવસે
પૂછાયેલું કે: ગુરુને સૌથી વધારે સંતોષ ક્યારે મળે છે? બાપુએ કહ્યું કે જ્યારે શિષ્ય ગુરુના વચન પર પૂર્ણત: ભરોસો કરે છે ત્યારે. ઘણા ઉદાહરણો છે પણ ગૌરાંગ મહાપ્રભુ-ચૈતન્ય મહાપ્રભુ અને સનાતન ગોસ્વામી વચ્ચે આ ભરોસો દ્રઢ છે.સનાતન ગોસ્વામી કહે છે કે એના પગ નીચે કચડી નાંખે કે ખભા પર બેસાડે;મારો ભરોસો ચલિત નહીં થાય.આ જ વાત ભરતજી પણ કહે છે કે પાદુકા પાસે માથું રાખીશ કે પાદૂકાને માથા પર રાખીશ,મારો ભરોસો અખંડ રહેશે.
આધ્યાત્મિક વાતોમાં ભાષાંતર કામ નથી આવતું ભાવાંતર કામ આવે છે,શબ્દકોશ નહીં પણ હૃદય કોષની જરૂર પડે છે.તીર્થ બે પ્રકારના છે:બહિર તીર્થ અને આંતર તીર્થ.હ્રદયમાં ભાવ,કર્તવ્યપરાયણતા અને બ્રહ્મવિચાર ફરી રહ્યા હોય તો એ આંતરતિર્થ છે આજે શિવજી સમાધિમાં ગયા પછી સતીને વિયોગ થયો છે એ વિયોગનાં અભાવ વિશેની વાત કરવામાં આવી.
કહ્યું કે ઘણા પ્રકારના અભાવ હોય:ધનનો,પરિવારનો,કોઈ મહત્વની વ્યક્તિ ચાલી ગઇ હોય એનો,પ્રતિષ્ઠાનો,પ્રિય વ્યક્તિનાં વિયોગનો અભાવ હોય.પણ,પૂર્ણ પ્રેમમાં વિયોગ જ સંયોગ બની જાય છે અને સંયોગમાં જ વિયોગ હોય છે. સદગુરુ ક્યારેક દૂર રહે છે તો એનો પણ અભાવ લાગે છે.
સતીને ૮૭ હજાર વર્ષ અભાવમાં ગયા,શરીર સુકાઈ ગયું.આખા રામચરિત માનસમાં જુઓ,વારંવાર કથા દેખાય છે.બધા જ અભાવમાં જો કોઈ રાહત દેતું હોય તો એ છે ભગવદ કથા.
પરમનો વિયોગ અને એનો અભાવ પણ ખટકતો હોય છે.ગોકુળ છોડી અને કૃષ્ણ મથુરા ગયા ત્યારે અભાવ જીવવા પણ દેતો નથી મરવા પણ દેતો નથી અને કૃષ્ણએ કહેલું કે હું આવીશ એનો મતલબ કે તમે ત્યાં ન આવતા! વ્રજાંગનાઓ વ્રજગોપ જ નહીં પશુ પક્ષી પણ કિનારો પાર કરતાં ન હતા.આજ્ઞા પાલનમાં વાયુ પણ કાલિન્દીંના આ કિનારાને છોડીને સામે જતો ન હતો.
મહાભારતના પાંડવોની અભાવગ્રસ્ત સ્થિતિમાં કોઈક ને કોઈક મહાપુરુષ આવે છે.અહીં નળ દમયંતીની કથા અને એના આખ્યાન વિશેની વાત થઇ.
જ્યારે અભાવ ખૂબ જ સતાવે ત્યારે કોઈ બુદ્ધપુરુષ સમાધિને ફેંકીને અભાવગ્રસ્તનાં સમાધાન માટે પ્રગટ થઈ જાય છે.હું તો સમાધાનને જ સમાધિ માનું છું.
બીતે સંબત સહસ સતાસી;
તજી સમાધિ સંભુ અબિનાસી.
રામ નામ સિવ સુમિરન લાગે;
જાનેવું સતી જગતપતિ જાગે.
રામનામ અને રામકથા દરેક અભાવ પુનઃ સારી સ્થિતિમાં લાવી દેશે.આથી જ વારંવાર તુલસી પણ કહે છે: રામ ભજ!રામ ભજ! રામ ભજ!એકમાત્ર ઉપાય છે:રામકથા અથવા રામનામ.ભગવદ કથાઓએ વિશ્વનું ખૂબ જ મંગલ કર્યું છે.એક કથા ના હોત તો?આપણા વિશે જ વિચારીએ,કલ્પના કરતા પણ ધ્રુજી જવાય છે કે આપણે શું હોત!
કથા-વિશેષ:
ભગવાન એટલે….
ભગવાનની મારી તલગાજરડી વ્યાખ્યા આવી છે: ભ-જેના જીવનમાં પાંચેય પ્રકારના ભજન,એટલે કે પલક-પલક, શ્વાસે-શ્વાસે, હૃદયના ધડકન-ધડકન, કદમ કદમ અને માળાનાં મણકે-મણકે હરિનામ રુપી ભજન છે એવો ભ હોય.
ગ-જે જીવતો,ખાતો,પીતો જમીન ઉપર હોય પણ જેનો વિહાર ગગનમાં હોય.વ્યોમવિહારી હોય.એટલે કે અસંગતાનો ગ હોય.
વા-જીવનમાં સંસારમાં રહેવા છતાં કોઈપણ પ્રકારનો વા લાગુ ન પડે.સંસારની હવા જેને સ્પર્શ ન કરે.કોઈ કામરૂપી વાત રોગ કે કામના ન હોય.
ન-જીવનમાં નકારાત્મક પ્રતીતિ જ ન હોય.સુખ મળ્યું,દુઃખ મળ્યું,જય-જયકાર કે ગાળો,આવકાર કે તિરસ્કાર-બધાનો જ સ્વિકાર.આવા લક્ષણો ભગવાન તરફ દોરી જાય. રામાનુજાચાર્ય રામના ઉપાસક હતા પણ એના ઇષ્ટદેવ લક્ષ્મી-નારાયણ હતા.એના પછી આવેલા રામાનંદાચાર્ય જે સીતારામની ઉપાસના કરતા.બંને એક જ મત છે એટલે લક્ષ્મી-નારાયણ અન્ય કોઈ નહીં પણ સીતારામ જ છે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી.