આજે જગતને જે શાસ્ત્રની જરૂર છે-એ રામચરિતમાનસ છે.

Spread the love

જે એકરસ અને અખંડ છે એ ઇશ્વર છે.

પુરુષની કસોટી છે ચાર રીતે થાય છે:ત્યાગેન,શીલેન,ગુણેન,કર્મણા..

શીલવાન કોઈ દિવસ સ્પર્ધામાં ન પડે.

“ક્યારેક સાગરપેટા માણસની અંદર પણ સિંહકા રૂપી ઈર્ષા નીકળતી જોયેલી છે”

ભાવ જગતમાં દ્વૈત જરૂરી છે.

ઈશ્વરનું જ્ઞાન એકરસ હોય છે.

રામચરિતમાનસ સૂત્રાત્મક,સત્યાત્મક,મંત્રાત્મક ગ્રંથ છે.

માનસનો ખૂબ પાઠ કરજો,પાઠ પાકશે ત્યારે એના રહસ્ય ઉદઘાટન કરવા કોઈ મહાપુરુષ આપને મળી રહેશે.

યજ્ઞ બલિદાન માટે હોય બદલા માટે ન હોય.

કોટેશ્વર મહાદેવ,ત્રિકમરાયજી,કમલા માતાજી અને ઝૂલેલાલની ભૂમિને પ્રણામ કરીને પાંચમા દિવસની કથામાં બે ચાવીરૂપ પંક્તિઓનો અર્થ સમજાવતા બાપુએ કહ્યું કે:બધાનું જ્ઞાન જો એકરસ-અખંડ રહે તો પછી ઈશ્વર અને જીવમાં ભેદ રહેતો નથી.ઈશ્વરનું જ્ઞાન એકરસ હોય છે.રસ ભક્તિ પ્રધાન શબ્દ છે અને અખંડ-જ્ઞાન પરખ શબ્દ છે.આપણે જીવ છીએ પણ એના અંશ તો છીએ જ.અમુક સંતો કહે છે કે જીવાત્મા ક્યારેય પરમાત્મા ન થઈ શકે.પણ અદ્વૈત સિદ્ધાંતમાં જગતગુરુ શંકરાચાર્યજી એમ કહે છે કે જીવ પણ શિવ થઇ શકે.વૈષ્ણવ પરંપરામાં એવી માન્યતા છે કે જીવ ઈશ્વર ન થઈ શકે.આથી જ રામાયણનાં અરણ્યકાંડમાં લક્ષ્મણ જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ પૂછે છે.શંકર પરંપરા બંનેને એક કરે છે. ભાવ જગતમાં દ્વૈત જરૂરી છે.ગુરુ એ ગુરુ છે અને શિષ્ય એ શિષ્ય છે.પત્ની પતિને એમ કહે કે આપણે અદ્વૈત છીએ તમે વાસણ ધોઈ નાંખો!-એ વ્યવહારુ નથી.જોકે તોરલના કપડાં ધોવા જેસલ ભર બજારે નીકળ્યો છે એ એની કસોટી છે.

ભક્તિમાં ચાર પ્રકારે પુરુષની પરીક્ષા ગણાય છે.જેમ સોનાની ચાર કસોટી હોય એમ પુરુષની ચાર કસોટી છે:ત્યાગેન,શીલેન,ગુણેન,કર્મણા..

આપણે ઈશ્વરના માર્ગે છીએ કે કેમ એ ચકાસવા પરીક્ષા છે.સોનાની પરીક્ષા ચાર રીતે થાય છે: ઘર્ષણથી એટલે કે કસોટીના પથ્થર સાથે ઘસવામાં આવે,એનું છેદન કરીને,એને તપાવીને અને એને ટીપીને પરીક્ષણ કરવામાં આવે છે.

સુંદરકાંડમાં હનુમાનજી સીતા ખોજ માટે જાય છે રસ્તામાં એ ચારેય પરીક્ષા આપે છે કારણ કે હનુમાનજી સોનારૂપ છે.

જેવા સમુદ્ર લાંઘવા ઉડાન ભરે છે કે મૈનાક પર્વત બહાર નીકળે છે.પુરાણોમાં લખેલું છે-પર્વતો પહેલા ઊડતા હતા,પર્વતોને પાંખો હતી.પણ ગમે ત્યાં એ વિશ્રામ માટે બેસતા અને લોકોને નુકસાન થતું, અભિમાની બની ગયા,આથી ઇન્દ્રએ પર્વતોની પાંખો કાપી છે.એ વખતે મૈનાક પર્વત સમુદ્ર પાસે ગયો,એનું શરણ માંગ્યું અને સમુદ્રના તળિયે છુપાયો જેથી એની પાંખો કપાઇ નથી.મૈનાક હિમાલયનો પુત્ર છે, એની માતાનું નામ મૈના છે એટલે પાર્વતીનો ભાઈ પણ કહી શકાય.એ વખતે સમુદ્રએ કહ્યું કે જ્યારે હનુમાનજી નીકળે ત્યારે એને વિશ્રામ આપજે તો ઋણ મુક્ત થઈ શકીશ.મૈનાક નીકળે છે પણ હનુમાનજી એને સ્પર્શ કરે છે અને સોનાનો ત્યાગ કરે છે.બીજી સુરસા નીકળે છે,પોતાનું કદ વધારતી જાય છે ત્યારે હનુમાનજી પોતાના શીલથી અતિશય નાના બનીને ત્યાંથી નીકળી જાય છે.શીલવાન કોઈ દિવસ સ્પર્ધામાં ન પડે.

સનાતન ગોસ્વામી અને જીવ ગોસ્વામી વિશેની વાત કરતા જણાવ્યું કે કાશીના દિગ્ગજ પંડિત સનાતન ગોસ્વામીને શાસ્ત્રાર્થ કરવા માટે પડકાર કરે છે.એ વખતે સનાતન ગોસ્વામી પહેલેથી જ એમ કહે છે કે હું લખી આપું છું કે હું શાસ્ત્રાર્થમાં હારી ગયો છું.એ લઈને પંડિત અભિમાનથી આગળ વધે છે એ વખતે જીવ ગોસ્વામી મળે છે,કાશીના પંડિતને હરાવવા માટે શાસ્ત્રાર્થ કરે છે અને પંડિત હારે છે.જીવ ગોસ્વામી લખાવી લે છે અને લખાણ લઈને સનાતન ગોસ્વામી પાસે આવે છે ત્યારે સનાતન કહે છે કે એક વર્ષ સુધી મને મોઢું ન બતાવતો! કારણ કે શીલવાન કોઈ દિવસ સ્પર્ધામાં ઉતરતો નથી,હું હારવા માટે જ સાધુ થયો છું.સિંહિકા નામની નિશિચરી પડછાયાને પકડે છે.સિંહિકા રાહુની માતા છે,પડછાયા પકડે છે અને એ વખતે લંકીની સામે પોતાના ગુણથી જીતે છે સ્થિરમતિ રહે એ ગુણ છે.એ ગુણ દ્વારા હનુમાનજી જીતે છે.

બાપુએ કહ્યું કે ક્યારેક સાગર પેટા માણસની અંદર પણ સિંહકા રૂપી ઈર્ષા નીકળતી જોયેલી છે.લંકીની સામે કર્મથી જીત્યા.

રામચરિતમાનસ સૂત્રાત્મક,સત્યાત્મક,મંત્રાત્મક ગ્રંથ છે.ખૂબ પાઠ કરજો.પાઠ પાકશે ત્યારે એના રહસ્ય ઉદઘાટન કરવા કોઈ મહાપુરુષ આપને મળી રહેશે. ઈશ્વર એકરસ છે,અખંડ છે.

અષ્ટમૂર્તિ શિવ છે.હનુમાન કોટેશ્વર છે એટલે ઈશ્વર છે અને સુંદરકાંડમાં હનુમાનજીની શિવ રુપી અષ્ટમૂર્તિ દેખાય છે.

આજે જગતને જે શાસ્ત્રની જરૂર છે એ રામચરિતમાનસ છે.એક માનસ પકડી લીધું તો બેડો પાર છે.

અષ્ટમૂર્તિ હનુમાન-ઈશ્વરની પહેલી લીલા અતુલિત બલધામં છે.લંકામાં પ્રવેશ કરે છે ત્યારે કોઈથી ડરતા નથી.હેમશૈલાભ દેહં-આખો સોનાનો બનેલો છે.

દનુજવનકૃશાનુ- રાક્ષસોનાં વનને બાળવા માટે હનુમાન અગ્નિ છે.હનુમાને સુષેણ,રાવણ,વિભિષણ, કુંભકર્ણ અને સીતાજીનું આંગણું બાળ્યું નથી.

જ્ઞાનિનાં અગ્રગણ્યમ-જ્ઞાની ઘણા હોય પણ જ્ઞાની બંધનથી ડરે છે.જ્ઞાનીનો અગ્રણી હનુમાન બંધન પણ સ્વિકારે છે.સકલ ગુણનિધાનં-એના ગુણોનો કોઈ પાર નથી.વાનરાણાંધિશં-વાનરોમાં શ્રેષ્ઠ.જેને હનુમાન બાહુકમાં રામ મહાવીર કહીને બોલાવે છે. રઘુપતિ પ્રિયભક્તમ-અનેક કસોટી પાર કરીને રઘુપતિના સૌથી પ્રિય ભક્તોમાં છે.વાતજાતં- આપણને સ્પર્શીને,અડીને,મદદ કરીને નીકળી જાય એટલે કે એ અસંગ છે-આ એનું આઠમું લક્ષણ છે. રામાયણમાં કોટ શબ્દ સાત વખત આવ્યો છે.

શિવચરિત્ર ની કથામાં ૮૭ હજાર વર્ષની સમાધિ પછી શિવ જાગે છે.સતીને સન્મુખ આસન આપે છે. રસપ્રદ કથાઓ કરે છે.એ વખતે દક્ષયજ્ઞમાં જવા માટે ઉપરથી વિમાનો જાય છે.સતી જીદ કરીને આમંત્રણ ન હોવા છતાં યજ્ઞમાં જાય છે.ત્યાં શિવનું અપમાન જુએ છે.ત્રણેય દેવતાઓનાં સ્થાપન નથી, સતિ યજ્ઞને ધ્વંશ કરીને પોતે પણ પ્રાણ ત્યાગ કરે છે. યજ્ઞ બલિદાન માટે હોય બદલા માટે ન હોય.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *