આપણે અન્ય કોઈ કારણથી અશાંત નથી, આપણા પોતાના કારણે જ અશાંત બનીએ છીએ

Spread the love

“કથાની એવી કક્ષા ક્યારે આવશે, જ્યારે વક્તા બોલે નહીં, છતાં શ્રોતાઓ એના મૌનની ભાષાને સમજી જાય?”

“જે ધનમાં અભિમાન છે, એ નકલી ધન છે પરંતુ જેમાં હનુમાન છે, એ જ અસલી સંપદા છે.”

 સાધુના સ્વભાવને અનુકૂળ હોય એવી એની સેવા કરજો.

 એ જ શાશ્વત કથા છે, જે શાંતિમાં પ્રવાહિત થતી રહે છે.

“કોઈ બુદ્ધ પુરુષની સેવા મળી જાય એ જીવન મુક્તિનું વરદાન છે, હયાતિમાં મળી ગયેલો મોક્ષ છે.”

આજની ચોથા દિવસની કથાના પ્રારંભે એક જિજ્ઞાસાના સમાધાનમાં પૂજ્ય બાપુએ કહ્યું કે ત્રણ અવસ્થામાં વ્યક્તિને શાંતિ પ્રાપ્ત થવી જોઈએ તો જ એ શાંત ગણાય. એટલે જ આપણી સંસ્કૃતિની પવિત્ર પરંપરામાં શાંતિ મંત્રને અંતે ત્રણ વખત “શાંતિ:” નું ઉચ્ચારણ થાય છે. જાગૃત અવસ્થા, સ્વપ્નાવસ્થા અને સુષુપ્તાવસ્થા – એ ત્રણેમાં શાંત રહી શકે, એ શાંતિ પામેલ વ્યક્તિ ગણાય. એવી શાંતિ જો મળી ગઈ હોય તો એનાથી અસંગ થઈ જવા અંગે બાપુએ કહ્યું કે “જે વસ્તુ આપણી પાસે છે જ નહીં, એના ત્યાગની ઘોષણા કેવી રીતે થઈ શકે? અને જો આપણી પાસે એવી અમૂલ્ય વસ્તુ હોય તો એને વિવેકથી સમાન રૂપે વહેંચવી જોઈએ. જ્યારે ખેદ અને અખેદથી મુક્ત થઈ જવાય ત્યારે જ શાંતિની – સંતોષની પ્રાપ્તિ થઈ ગણાય, એવું ભારતીય પ્રજ્ઞા કહે છે. કેટલીક વ્યક્તિને જાગૃત અવસ્થામાં શાંતિ હોય છે પણ સ્વપ્નવસ્થામાં એને અશાંતિ જણાય છે. સુષુપ્તાવસ્થામાં પણ જો શાંતિનો અનુભવ થતો હોય, તો એ બહુ જ મોટી ઉપલબ્ધિ છે. અને તુર્યાવસ્થા તો સૌથી અદ્ભુત છે, જેમાં શાંતિ પણ શાંત થઈ જાય છે! તુર્યાવસ્થામાં કશું જ બચતું નથી.

જો ત્રણેય અવસ્થામાં શાંતિ મળી ગઈ હોય તો પછી આપોઆપ વ્યક્તિ અસંગ થઈ જાય છે! પરંતુ શાંતિની પ્રાપ્તિ જ ન હોય, તો અસંગ થવાની વાત જ રહેતી નથી! અને જો ત્રણે અવસ્થામાં શાંતિ હોય, તો પછી એ વ્યક્તિ સ્વયં શાંતિ સ્વરૂપ થઈ જાય છે- શાંતિ-વિગ્રહ બની જાય છે.

બાપુએ અહીં સૂત્રપાત કરતા કહ્યું કે “ધનવાને ધાર્મિક બનવું પડે છે અથવા ધાર્મિક હોવાનો દેખાવ કરવો પડે છે! સાચા ધનિકને ધાર્મિકતા બતાવવી પડતી નથી.”

રામચરિત માનસના સિંદૂર દર્શનમાં બાપુએ ગુરુમુખી વાણીમાં માનસની લંકા દહનની ઘટનાનું રહસ્ય સ્પષ્ટ કર્યું ભગવાન રામે સીતાજીની માંગમાં સિંદૂર ભર્યું છે, તેથી સીતાજીની માંગ પૂરી કરવાનું રામનું દાયિત્વ બને છે. પરંતુ રામના હૃદયમાં એક પીડા રહી ગઈ છે કે તેઓ સીતાજીની સુવર્ણ મૃગ લાવી આપવાની માંગ પૂરી કરી શક્યા નથી. સુવર્ણ લેવા ભગવાન એની પાછળ તો દોડે છે અને બાણ પણ છોડે છે. પણ ત્યાં સુવર્ણ મૃગ હતો જ નહીં, એ તો મારિચ હતો. દરમિયાન સીતાજીનું અપહરણ થાય છે અને રાવણ એને લંકામાં લઈ જાય છે, ત્યારે ભગવાન રામ, હનુમાનજીને લંકા મોકલે છે. શ્રી હનુમાનજી મૃગ (પશુ) છે અને એમનો દેહ સુવર્ણનો છે (હેમ શૈલાભદેહમ્). એટલે હનુમાનજીને સીતાજી પાસે મોકલીને સીતાજીની સુવર્ણ મૃગની માંગ ભગવાન રામે અહીં પૂરી કરી છે!

સીતાજીની સુવર્ણ મૃગની માંગ પૂરી કરવાનો રામે સીતાને મોકલેલ અબોલ સંદેશ હનુમાનજી છે! પરંતુ એક વખત સુવર્ણ મૃગથી છેતરાયેલા માતા જાનકી હનુમાનજી પર વિશ્વાસ કરી શકતા નથી. ભગવાન રામ હનુમાનજીને લંકા દહનનો સંકેત કરે છે, જેથી સ્પષ્ટ થઈ જાય કે અસલી સોનું કોણ છે? લંકા બળી જાય છે, પણ શ્રી હનુમાનજી સળગ્યા નથી.

જે સોનામાં અભિમાન હોય, એ સોનું નકલી છે અને જે સોનામાં હનુમાન હોય, એ સોનું અસલી છે!

“જે ધનમાં અભિમાન છે, એ નકલી ધન છે પરંતુ જેમાં હનુમાન છે, એ જ અસલી સંપદા છે.”

શ્રીમદ્ ભગવત્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે “જપ, તપ, યજ્ઞ, દાન – તમામ સત્કર્મનો ભોક્તા હું છું. સર્વલોકનો મહેશ્વર હું છું અને હું જ સૌનો સુહ્રદ છું.”

ભગવાન કૃષ્ણની આ મહત્તા જે જાણે છે, એ શાંતિને પ્રાપ્ત કરી શકે છે. ભોક્તાનો એક અર્થ રક્ષક પણ છે. “જપ, તપ, દાન, યજ્ઞ – વગેરે જે જે સત્કર્મ થાય છે, એના રક્ષક પરમાત્મા છે” – એ સત્યને જે જાણી લે છે, એને જાગૃત અવસ્થામાં શાંતિ પ્રાપ્ત થાય છે. એવા સાધકને પછી અશાંતિ રહેતી નથી. કારણ કે એ જાણે છે કે સ્વયં ભગવાન કૃષ્ણ મારું રક્ષણ કરે છે.

સર્વ લોકના મહેશ્વર તરીકે ભગવાન કૃષ્ણને જે જાણી જાય છે, એને સ્વપ્નાવસ્થામાં શાંતિની પ્રાપ્ત થાય છે. અને પરમાત્મા સહુનો સુહ્રદ છે, એ સત્ય જે જાણી લે છે એને સુષુપ્તાવસ્થા માં પણ શાંતિ મળે છે. ત્રણેય અવસ્થામાં શાંત થયેલો સાધક તુર્યાવસ્થામાં ખુદ શાંતિ સ્વરૂપ બની જાય છે!

કોઈ પહોંચેલા બુદ્ધ પુરુષ પાસે આપણે જઈએ, ત્યારે આપણને શાંતિનો અનુભવ થાય છે. કારણ કે એની શાંતિ જ આપણને શાંત કરી દે છે. આવા શાંત બુદ્ધ પુરુષ પાસે પાંચ મિનિટ બેસવાની પણ જો તક મળી જાય, તો એને જીવનની બહુ મોટી સંપદા માનજો. કિંમતી વસ્તુ આપણી પાસે હોય, એ આપણને પણ મૂલ્યવાન બનાવી દે છે!

રામચરિત માનસ પરમ સાધુ છે એટલે આપણે સહુ એના સંગમાં આટલા શાંત અને પ્રસન્ન છીએ.

પૂજ્ય બાપુએ કહ્યું કે

“આપણી તકલીફ એ છે કે આપણે મૌનને સાંભળવાનું ભૂલી ગયા છીએ! વૃક્ષ, નદી, આકાશ, પૃથ્વી – પ્રકૃતિનાં પાંચેય તત્વો મૌન છે. એનું મુખર્ થવાનું કારણ જુદું જ હોય છે. ફૂલ ખીલી જાય તો ફોરમ છૂટે જ છે. ફૂલને પણ એ ખબર નથી કે એ કઈ રીતે પ્રગટ્યું છે કે કઈ રીતે મૂર્ઝાઇ ગયું છે! એને તો બસ મહેક પ્રસરાવવાની છે.

એ રૂપમાં કોઈ સાધક જ્યારે જગતમાં આવે છે, ત્યારે એ મૌન હોય છે. બાપુએ પોતાના મનની વાત પ્રગટ કરતા કહ્યું કે

“કથાની એવી કક્ષા ક્યારે આવશે, જ્યારે વક્તા બોલે નહીં, છતાં શ્રોતાઓ એના મૌનની ભાષાને સમજી જાય?”

એ જ શાશ્વત કથા છે, જે શાંતિમાં પ્રવાહિત થતી રહે છે.

પૂજ્ય બાપુએ ભગવાન વિષ્ણુનો સંદર્ભ આપતા શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય એનું દર્શન કરાવ્યું. ભગવાન વિષ્ણુ સમુદ્રની શૈયામાં પોઢ્યા છે. સમંદર તરંગાયિત છે, એમાં કોઇ શાંતિથી કઇ રીતે સૂઇ શકે? સર્પોની પથારી છે, ઉપર કાળની ફેણ છે, નાભિમા કમળ ખીલ્યું છે અને સાક્ષાત્ લક્ષ્મી જેનાં પગ દબાવે છે- એવી સ્થિતિમાં પણ ભગવાન વિષ્ણુ શાંત છે! નાનક, કબીર, તુકારામ, એકનાથ, ઠાકુર રામકૃષ્ણ દેવ – આ મહાપુરુષો કોઈ પણ પરિસ્થિતિમાં શાંત રહે છે. આવા મહાપુરુષો જ ભારતનો વૈરાગી વૈભવ છે. મહર્ષિ રમણ શાંત છે, મહર્ષિ અરવિંદ શાંત છે, મીરાં નૃત્ય નથી કરતી, એની શાંતિએ ઘુંઘરુ બાંધ્યા છે – મીરાં નહીં, મીરાંની  શાંતિ નૃત્ય કરે છે! “આપણે અન્ય કોઈ કારણથી અશાંત નથી, આપણા પોતાના કારણે જ અશાંત બનીએ છીએ – શાંતિ તો જય માળા પહેરાવવા તૈયાર છે!”

આપણા શાસ્ત્રોમાં ત્યાગીને ભોગવી જાણવાની વાત છે. પાંચિકાની જેમ પહેલા ઉછાળી દો, તો આપોઆપ પાછું એ તમારા હાથમાં આવી જશે.

બાપુએ કહ્યું કે લાલસાનો અર્થ ઈચ્છા, કામના કે લાલચ નથી. લાલસા એ તીવ્રતમ ઝંખના છે, જેના વિના રહી જ ન શકાય એવી ઝંખના!

“કોઈ બુદ્ધ પુરુષની સેવા મળી જાય એ જીવન મુક્તિનું વરદાન છે, હયાતિમાં મળી ગયેલો મોક્ષ છે.”

સિંદૂર દર્શનમાં આગળ સંવાદ કરતા પૂજ્ય બાપુએ કહ્યું કે રામજી સીતાજીની માંગમાં સિંદૂર ભરે છે, એની શોભા વર્ણવી શકાય એમ નથી.

અહીં કેન્દ્રીય પંક્તિઓ પૈકીની બીજી પંક્તિનો અર્થ એ છે કે સીતાજીનું મુખ ચંદ્ર છે, રામનો હાથ સૂર્ય છે, કમળનો પરાગ એ સિંદૂર છે અને ભગવાન રામ પોતાના કમળ સમાન હાથની પાંચે આંગળીઓથી, માતા સીતાના ચંદ્ર સમાન મુખ ઉપરની માંગમાં સિંદૂર પૂરે છે.

કથાના ક્રમમાં પ્રવેશતા પૂજ્ય બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં પંચામૃત છે. એમાં પાંચ ચરિત્રોનું ચરિત્રામૃત છે. રામચરિત્ર -સીતા ચરિત્ર, શિવ ચરિત્ર – પાર્વતી ચરિત્ર, ત્રીજું ભરત ચરિત્ર, ચોથુ હનુમાન ચરિત્ર અને પાંચમું કાકભુષંડીજીનું ચરિત્ર માનસમાં છે. યાજ્ઞવલ્કજી ભારદ્વાજજી સમક્ષ શિવ ચરિત્રનો પ્રારંભ કરતા કહે છે કે ભગવાન શિવ સતીને લઈને કુંભજ ઋષિના આશ્રમે જાય છે પરંતુ સતી બૌદ્ધિક બાપની બેટી છે. સતી અહીં શ્રદ્ધા નથી, બુદ્ધિ છે એટલે કથા સાંભળી શકતી નથી. બાપુએ કહ્યું કે કથામાં સુખ જ નહીં, પરમ સુખ મળે છે. કથામાં તમામ પ્રકારના સુખ મળે છે કારણ કે કથામાં હનુમાનજી હોય છે અને હનુમાનજી માટે તુલસીદાસજીએ લખ્યું છે કે સબ સુખ લહૈ તુમ્હારી સરના…. ”

કૈલાશ તરફ પાછા ફરતા ત્રેતા યુગમાં ભગવાનની રામની મનુષ્ય લીલા ચાલી રહી છે, સતીને સંશય થતાં, એ રામની પરીક્ષા કરવા જાય છે. એમાં નિષ્ફળ જતા ભગવાન શંકર પાસે ખોટું બોલે છે અને પછી ભગવાન શંકર સતીનો ત્યાગ કરે છે. પિતા દક્ષના યજ્ઞમાં પતિનું અપમાન સહન ન થતાં, સતી યોગાગ્નિમાં પ્રાણ ત્યાગ કરે છે. નવાં જન્મમાં હિમાલયના ઘરે પાર્વતી રૂપે પ્રગટે છે. કઠોર તપસ્યાને અંતે ભગવાન શિવ સાથે એનો વિવાહ થાય છે. શિવ વિવાહનું રમુજી વર્ણન કરીને બાપુએ કન્યા વિદાયનું કરુણતાભર્યું વર્ણન કરીને શ્રોતાઓને રસમગ્ન બનાવ્યા.

શિવ ચરિત્ર પછી યાજ્ઞવલ્કજી ભારદ્વાજજીને રામ જન્મની કથા સંભળાવે છે. રામ જન્મના પાંચ કારણોની સંક્ષેપ ચર્ચા કરીને પૂજ્ય બાપુએ “માનસ સિંદૂર” કથામાં આજે  ભગવાન રામના પ્રાકટ્યની કથા વર્ણવી,  ભગવાન વિશ્વનાથની કાશી નગરીમાં થયેલાં રામ જન્મની વિશ્વને વધાઈ આપીને આજની કથામાં પોતાની વાણીને વિરામ આપ્યો.


Spread the love

Check Also

EEPC ઇન્ડિયાએ અમદાવાદમાં ફાર્મા મશીનરી પર ઇન્ડસ્ટ્રી અવેરનેસ સેશનનું આયોજન કર્યું

Spread the love અમદાવાદ, ગુજરાત | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના માર્ગદર્શન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *