મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે ‘HCG આસ્થા’ કેન્સર હોસ્પિટલના નવનિર્મિત કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

Spread the love

રાજ્યના પ્રત્યેક નાગરિકને સ્વાસ્થ્ય અંગેની સેવાઓ આપવા રાજ્ય સરકાર હંમેશાં તત્પર : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

-:મુખ્યમંત્રીશ્રી:-

  • નવનિર્મિત HCG આસ્થા હોસ્પિટલથી કેન્સરના દર્દીઓની સારવારની સુવિધામાં ઉમેરો થયો છે
  • શરીરની સ્વસ્થતા જાળવવા સૌ કોઈએ રોજિંદા વ્યવહારમાં પોતાની જીવનશૈલીનું ધ્યાન રાખવું જોઈએ

અમદાવાદ ૧૯ એપ્રિલ ૨૦૨૫: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે ‘HCG આસ્થા’ કેન્સર હોસ્પિટલના નવનિર્મિત કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે HCG આસ્થા કેન્સર હોસ્પિટલની ટીમને શુભેચ્છા પાઠવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને સ્વાસ્થ્ય અંગેની સેવાઓ આપવા રાજ્ય સરકાર હંમેશાં તત્પર છે. સરકારને સહયોગ આપવા રાજ્યની અનેક હોસ્પિટલ દ્વારા પણ જરૂરિયાતમંદ દર્દીઓની મદદ માટે ટ્રસ્ટ ઊભું કરવામાં આવે છે એવું જ એક ટ્રસ્ટ HCG આસ્થા હોસ્પિટલમાં દ્વારા પણ ઊભું કરવામાં આવ્યું છે, જે કેન્સરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

HCG આસ્થા કેન્સર હોસ્પિટલની વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓની સારવાર માટે અનુભવી ડોક્ટર્સની ટીમ કાર્યરત છે, જેનો લાભ કેન્સરના દર્દીઓએ મળશે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે ‘HCG આસ્થા’ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે ખૂબ સારી સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. સાથોસાથ કેન્સરની સારવાર માટે વિશ્વસ્તરનું ઓપરેશન થિએટર પણ અહીં ઊભું કરવામાં આવ્યું છે, જેનાથી કેન્સરની સારવાર વધુ અસરકારક રીતે કરી શકાશે.

નાગરિકોની જીવનશૈલી અંગે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગથી લઈને આયુષ્માન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ત્યારે સૌ કોઈએ રોજિંદા વ્યવહારમાં પોતાની જીવનશૈલીનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ, જેનાથી શરીરની સ્વસ્થતા જળવાઈ રહે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ તકે હોસ્પિટલના રિજનલ ડાયરેક્ટર શ્રી ભરત ગઢવીએ જણાવ્યું કે HCG આસ્થા હોસ્પિટલ ખાતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ટેકનોલોજી આધારિત સર્વાંગી મોડલ છે. જેનાથી અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને આસપાસનાં રાજ્યોના દર્દીઓને ઉચ્ચ કક્ષાની અને અસરકારક કેન્સરની સારવાર મળી રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે HCG આસ્થા કેન્સર હોસ્પિટલ ૨૧૭ બેડની ક્ષમતા ધરાવે છે. જેમાં ૨૩ સર્જિકલ ICU બેડ, ૧૦ મેડિકલ ICU બેડ, ૨૩ ડે-કેર બેડ, ૧૬ પ્રી અને પોસ્ટ-ઓપરેટિવ બેડ અને ૬ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ (BMT) યુનિટનો સમાવેશ થાય છે. આ નવા યુનિટથી ૩૦ થી ૪૦ ટકા જેટલી સંખ્યામાં વધારે દર્દીઓને સારવાર મળી શકશે. જેનાથી વાર્ષિક ૫૫ હજારથી વધુ બહારના અને ૭ હજાર જેટલા સ્થાનિક દર્દીઓને સારવાર આપી શકાશે. ૧૦૦થી વધુ ઘરેલુ અને મલ્ટિટેલેન્ટેડ ડોક્ટરોની ટીમ દ્વારા સર્જિકલ, મેડિકલ અને રેડિયેશન ઓન્કોલોજી, ન્યુક્લિયર મેડિસિન, પીડિયાટ્રિક હેમેટો-ઓન્કોલોજી અને એડવાન્સ્ડ ડાયગ્નોસ્ટિક્સમાં સરળતાથી અને પ્રાથમિક સારવારથી લઈ છેલ્લે સુધીની સારવાર પ્રદાન કરે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી અજયકુમાર, હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના સીઈઓ શ્રી રાજગોરે તેમજ HCG આસ્થા કેન્સર સેન્ટરના તબીબોની સમગ્ર ટીમ તેમજ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.


Spread the love

Check Also

સેમસંગ દ્વારા ભારતમાં સેગમેન્ટનો સૌથી સ્લિમ સ્માર્ટફોન ગેલેક્સી M56 5G રજૂ

Spread the love ગેલેક્સી M56 5Gમાં ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેકશન અને અનેક અત્યાધુનિક ઈનોવેશન્સ ગુરુગ્રામ, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *