મુંબઈ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫: ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICMAI) ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ(WIRC) દ્વારા મુંબઈમાં “રિજનલ કોસ્ટ કન્વેન્શન 2025″નું આયોજન કરવામાં આવ્યું હતું. “વિકસિત ભારત 2047 માટે પરિવર્તન ઉત્પ્રેરક તરીકે CMAs” થીમ પર આધારિત, આ સંમેલનમાં વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ભારતની સફરને આગળ વધારવામાં કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ (CMAs) ની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
બે દિવસના આ સંમેલનમાં અગ્રણી વ્યાવસાયિકો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો સામેલ થયા હતા. તેમણે કોસ્ટ એકાઉન્ટન્ટ્સ કેવી રીતે કાર્યક્ષમતા વધારી શકે, સંસાધન ફાળવણીને શ્રેષ્ઠ બનાવી શકે અને રાષ્ટ્રીય નીતિઓને આકાર આપી શકે..? વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. અહીં યોજાયેલા સત્રોમાં દેશ સામેના પડકારો અને કૃષિ, ઉત્પાદન, ડિજિટલ પરિવર્તન, ટકાઉપણું અને નીતિ હિમાયત જેવા ક્ષેત્રોમાં ઉભરતી તકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ચર્ચાઓમાં વ્યૂહાત્મક ખર્ચ વ્યવસ્થાપન કેવી રીતે નવીનતાને પ્રોત્સાહન આપી શકે, સ્પર્ધાત્મકતા વધારી શકે અને લાંબાગાળાની ટકાઉ આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરી શકે..? વગેરે જરૂરી મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
ICMAI-WIRC ના ચેરમેન CMA અરિંદમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, “વિકસિત ભારત 2047 ના વિઝનમાં એક મજબૂત અર્થતંત્ર, વૈશ્વિક સ્પર્ધાત્મકતા, તકનીકી નવીનતા, ટકાઉપણું અને સમાવિષ્ટ વિકાસનો સમાવેશ થાય છે. આ વિઝનને સાકાર કરવા માટે કાળજીપૂર્વક આયોજન, વ્યૂહાત્મક ખર્ચ વ્યવસ્થાપન અને કાર્યક્ષમ સંસાધન ઉપયોગની જરૂરત છે. CMAs, જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોમાં શ્રેષ્ઠ નિર્ણય લેવાની ખાતરી કરીને, વિઝન અને અમલીકરણ વચ્ચેના અંતરને દૂર કરવા માટે યુનિક રીતે સ્થિત છે. આ સંમેલન, વાસ્તવમાં આ મિશનમાં આપણો વ્યવસાય કેવી રીતે અર્થપૂર્ણ યોગદાન આપી શકે છે..? તે અંગે ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે.”
આ સંમેલનમાં ગુણવત્તા અને વિકાસ સાથે સમાધાન કર્યા વગર અસરકારક ખર્ચ નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે ઉદ્યોગો, નીતિ નિર્માતાઓ અને વ્યાવસાયિક સંસ્થાઓ વચ્ચે સહકારની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. નિષ્ણાતોએ ખર્ચ ટ્રેકિંગ વધારવા અને સપ્લાય ચેઇન પારદર્શિતા સુધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) અને બ્લોકચેન જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર સવિસ્તાર ચર્ચા કરી હતી. આ ચર્ચાઓમાં ગ્રીન ટેકનોલોજી અને ટકાઉ નાણાકીય પદ્ધતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ સંમેલનનું મુખ્ય આકર્ષણ આવકવેરા બિલ, 2025 ની કલમ 515(3)(b) હેઠળ “એકાઉન્ટન્ટ” ની વ્યાખ્યામાં “કોસ્ટ એકાઉન્ટન્ટ” નો સમાવેશ કરવા માટેની હિમાયત કરતા મેમોરેન્ડમનું વિમોચન હતું. સંસ્થાએ નવા આવકવેરા બિલની રજૂઆતનું સ્વાગત કર્યું હતું અને તેને ભારતના સીધા કરવેરા માળખાને સરળ બનાવવા માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પગલું ગણાવ્યું હતું.
લોકસભાની સિલેક્ટ કમિટીને સુપરત કરવામાં આવેલા મેમોરેન્ડમમાં કરવેરા, કર પાલન અને નાણાકીય વિશ્લેષણમાં કોસ્ટ એકાઉન્ટન્ટ્સની વિશેષ કુશળતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તે દલીલ કરે છે કે, CMAs ને કંપની અધિનિયમ 2013 હેઠળ ઈન્ટર્નલ ઓડિટર તરીકે માન્યતા આપવામાં આવી છે અને તે વિવિધ રાજ્ય કાયદા હેઠળ વૈધાનિક નાણાકીય ઓડિટ કરવા માટે અધિકૃત છે.
ICMAI-WIRC ના વાઇસ ચેરમેન, CMA નીરજ જોશી – CCM અને CMA મિહિર વ્યાસે જણાવ્યું હતું કે, “CMA પાસે કર કાયદા, GST, બેંકિંગ, ફાઇનાન્સ, કોસ્ટ અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, ઓડિટિંગ, કોર્પોરેટ કાયદા અને વ્યૂહાત્મક જોખમ વ્યવસ્થાપનનું વ્યાપક જ્ઞાન છે, જે તેમને કર સંબંધિત પ્રવૃત્તિઓમાં અસરકારક રીતે યોગદાન આપવા માટે સક્ષમ બનાવે છે. આવકવેરા બિલમાં તેમનો સમાવેશ, નાણાકીય મૂલ્યાંકનમાં વધારો કરશે, કર પાલનમાં સુધારો કરશે અને વ્યવસાયિક નિર્ણય લેવામાં વ્યાપક પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરશે.”
આ મેમોરેન્ડમમાં નોંધવામાં આવ્યું છે કે, ICMAIનો અભ્યાસક્રમ આંતરરાષ્ટ્રીય પરીક્ષા ધોરણો સાથે સુસંગત છે અને તમામ મહત્વપૂર્ણ ક્ષેત્રોને વ્યાપકપણે આવરી લે છે, જે CMAs ને કર વહીવટ અને નાણાકીય શાસનમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે સુસજ્જ બનાવે છે.
ભારત તેના શતાબ્દી વર્ષ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે CMAs, દેશના ભાગ્યને આકાર આપવામાં ઉલ્લેખનીય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. ખર્ચ કાર્યક્ષમતા, નવીનતા અને ટકાઉપણામાં તેમની કુશળતા “વિકસિત ભારત 2047” ના વિઝનને પ્રાપ્ત કરવામાં ચોક્કસપણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.