સત્યપૂત,પ્રેમપૂત, સૂત્રપૂત વાણી સમાજમાં સંગમ પેદા કરી શકે છે

Spread the love

એ પ્રયાગ પુરૂષ જેનો સત્ય રૂપી સચિવ છે એ સંગમ કરાવી શકે.
વાણી,પ્રાણ,શ્રવણ અને ચક્ષુમાં સત્ય હોય તો એ સંગમ કરાવી શકે છે.
“શાહીસ્નાન તો ભાગ્યની વાત છે,પરંતુ હું રોજ એક સ્નાન કરું છું અને એ છે:પાહિ સ્નાન.”

મહાકુંભ મેળાનાં સાંન્નિધ્યમાં પરમાર્થ નિકેતન આશ્રમ ખાતે ચાલી રહેલી રામકથાનાં છઠ્ઠા દિવસે મલૂક પીઠાધિશ્વર મહારાજ શ્રીએ પોતાનો વિશેષ શબ્દભાવ રાખ્યો.
બાપુએ કહ્યું કે વારંવાર પુછાઇ રહ્યું છે કે તમે સ્નાન કરવા ગયા?શાહી સ્નાન કરશો કે નહીં?જો કે એ તો ભાગ્યની વાત છે,પરંતુ હું રોજ એક સ્નાન કરું છું અને એ છે:પાહિ સ્નાન.
તીર્થરાજ પ્રયાગને રાજાનું બિરુદ અપાયું છે તો એનો સલાહકાર,શુભચિંતક,માર્ગદર્શક-સચિવ એ સત્ય છે તુલસી કહે છે કે સંગમ એ સિંહાસન છે જ્યાં સત્યપૂત,પ્રેમપૂત,સૂત્રપૂત વાણી સમાજમાં સંગમ પેદા કરી શકે છે.
છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે વાણી,પ્રાણ,શ્રવણ અને ચક્ષુમાં સત્ય હોય તો એ સંગમ કરાવી શકે છે.એ પ્રયાગરાજ સંગમ કરાવી શકે જેની વાણીમાં શ્રદ્ધા છે.તેથી અહીં લખ્યું:
સચિવ સત્ય શ્રધ્ધા પ્રિય નારિ;
ચારોં પદારથ ભરા ભંડારી
એવો પ્રયાગપુરૂષ જેનો સત્ય રૂપી સચિવ હોય અને શ્રધ્ધારૂપી વાણી હોય એ ચારે પદાર્થોથી ભરેલો છે.
કથાપ્રવાહમાં રામ પ્રાગટ્યનાં ઉત્સવ પછી અયોધ્યામાં એક મહિના સુધી જાણે દિવસ જ રહ્યો. જીવનની અયોધ્યામાં રામ પ્રગટ થાય છે ત્યારે મોહરૂપી અંધારું આવતું નથી.જ્ઞાન અને સમજનો દિવસ સદાય ત્યાં ઉગેલો જ રહે છે.જે એકનાં હીત માટે આવેલા એ પરમાત્મા સમસ્તિનું હિત જોડીને સંગમ કરાવે છે.રામ વિપ્ર એટલે ધર્મ માટે,ધેનુ-ગાય એટલે અર્થ માટે,સુર-દેવતાઓ એટલે દિવ્ય સમાજ માટે અને સંતો એટલે મોક્ષ-મુક્તિ માટે અવતર્યા છે.
ચારે ભાઈઓના નામકરણ સંસ્કાર થયા.જે બધાને ભરી દે છે,ભરણપોષણ કરે છે એનું નામ ભરત રખાયું.બધાનો આધાર એવા પુત્રનું નામ લક્ષ્મણ રખાયું.જેનું સ્મરણ કરતા જ શત્ર બુદ્ધિનો અને શત્રુતાનો નાશ થાય છે એ પુત્રનું નામ શત્રુઘ્ન રાખવામાં આવ્યું અને જે આનંદ સુખરાશિ છે,વિરામ,વિશ્રામ અને આરામનો અનુભવ કરાવે છે એ ઈશ્વર-બ્રહ્મનું નામ રામ રાખવામાં આવ્યું.
દશરથની ઘરે નામકરણ થયું ત્યારે જ રામ બન્યા એવું નથી.રામ સૃષ્ટિની પહેલા પણ હતા,વર્તમાનમાં પણ છે અને સૃષ્ટિનાં વિનાશ પછી પણ રહેશે,રામ સનાતન છે.ચારે ભાઇઓનાં યજ્ઞોપવિત સંસ્કાર બાદ ગુરુને ત્યાં વિદ્યા પ્રાપ્તિ માટે જાય છે.
આજે કથામાં ઉત્તર પ્રદેશના ગવર્નર શ્રીમતી આનંદીબેન પટેલ તેમજ જૈન મુનિ લોકેશ મુનિજી મહારાજ તથા દક્ષિણ ભારતનાં સંતો વચ્ચે સેતુરૂપ બનેલા યોગી સ્વામી વચનાનંદની વિશેષ ઉપસ્થિતિ રહી.
આ બંનેએ પોત-પોતાની વાત પોતાના શબ્દભાવમાં વ્યક્ત કરી અને આ મહા કુંભમાં રામાયણ સાંભળવાનો પણ મોકો મળ્યો એને એક વિશેષ સંગમ અને પોતાના સદભાગ્ય ગણાવ્યા.
કથા-વિશેષ:
રામચરિતમાનસમાં ૧૫ અમૃત રહેલા છે:
૧-નેત્રામૃત
૨-રાધુ અમૃત
૩-સંતામૃત
૪-વાણી અમૃત
૫-કૃપામૃત
૬-સરિતામૃત
૭-સૌંદર્ય અમૃત
૮-રૂપામૃત
૯-સ્નેહામૃત
૧૦-પ્રેમામૃત
૧૧-સુખામૃત
૧૨-નામામૃત
૧૩-શ્રવણામૃત
૧૪-વચનામૃત
૧૫-કથામૃત


Spread the love

Check Also

ટ્રુક એ તેની ગેમિંગ સિરીઝમાં બડ્સ ક્રિસ્ટલ ડાયનોને INR 999/- ની વિશેષ લોન્ચ કિંમતે રજૂ કર્યા

Spread the love ક્રિસ્ટલ ડાયનો 21 એપ્રિલથી Amazon.in, ફ્લિપકાર્ટ અને Truke.in પર વેચાણ માટે ઉપલબ્ધ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *