ફાલ્ગુની પાઠકની મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિ એટલે જાણે સૂર-તાલ અને ગરબાનો ત્રિવેણી સંગમ!

Spread the love

ગુજરાત, અમદાવાદ 02 ઓક્ટોબર 2024: મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિ ખાતે વિશ્વ વિખ્યાત ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના તાલે ગરબે ઝૂમવા નાના બાળકો, યુવાનો અને સિનિયર સિટિઝનો થનગની રહ્યા છે. સ્વર્ગીય પ્રમોદ મહાજન મેદાન ખાતે સતત સાતમા વરસે ફાલ્ગુની પાઠક પર્ફોર્મ કરી રહી છે. આ ભવ્યાતિભવ્ય નવરાત્રિમાં પ્રતિદિન ત્રીસ હજારથી વધુ ભક્તો માતાજીના ગરબા રમવા આવે એવી શક્યતા છે. નવરાત્રી દરમિયાન કુલ પાંચ લાખ જેટલા લોકો અહીં ગરબે ઘૂમવા આવી પહોંચશે.

ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકની નવરાત્રિ હંમેશ આકર્ષણનું કેન્દ્ર રહી છે. અને એના અનેક કારણો છે. સૌથી પહેલું તો ફાલ્ગુની પાઠકના કંઠે ગવાતા પારંપારિક અને આધુનિક ગરબાઓ. એ સાથે છે ધમાકેદાર ઓર્કેસ્ટ્રા. તાલ અને સૂરના જબરજસ્ત સમન્વયને કારણે ખેલૈયાઓ પણ દિલથી ઝૂમી ઉઠે છે. જાણે સૂર-તાલ અને ગરબાનો ત્રિવેણી સંગમ!

નવરાત્રિ દરમિયાન સતત દસ દિવસ ખેલૈયાઓ સાથે તાદાત્મ્ય સાધવાની સાથે ગરબા ગાવા માટેની આટલી ઉર્જા ક્યાંથી મળે છે? મીડિયા દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબમાં ફાલ્ગુનીએ જણાવ્યું કે, ખેલૈયાઓનો ઉત્સાહ-ઉમંગ અમારા જોશ અને જુસ્સામાં વધારો કરે છે. અમારી ઉર્જાનો સ્રોત તો મારા લાખો ચાહકો છે. મને ખબર છે કે દર વરસે કંઇક નવું આપવાનો મારો ટ્રેન્ડ રહ્યો છે અને આ વરસે પણ સરપ્રાઇઝ તો હશે જ.

સતત સાતમા વરસે બોરિવાલી ખાતે યોજાઈ રહેલી ફાલ્ગુની પાઠકની નવરાત્રિમાં ખેલૈયાઓ મન મુકીને ગરબા રમી શકે એ માટે અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમ કે હજારો ગરબા પ્રેમીઓ છૂટથી રાસ ગરબા રમી શકે એવા વિશાળ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિનું આયોજન કરાયું છે. ઉપરાંત સમગ્ર ગ્રાઉન્ડ પર બે લાખ ચોરસફૂટનો વિશાળ ડાન્સ ફ્લૉર બનાવવામાં આવ્યો છે જેથી ખેલૈયાઓને કોઈ શારીરિક તકલીફ ન થાય અને નચિંત બની ગરબા રમી શકે. એમ મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિનું આયોજન કરનાર સાઈ ગણેશ વેલફેર અસોસિયેશન અને શોગ્લિટ્ઝ નવરાત્રિના ડિરેક્ટર શ્રી સંતોષ સિંહે જણાવ્યું હતું.

સંતોષ સિંહે વધુમાં જણાવ્યું કે, માતાજીનું પર્વ હોય અને ગરબાના ગ્રાઉન્ડ પર માતાજીનું મંદિર ન હોય એવું તો શક્ય જ નથી. મેદાન પર માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં અંબા માતા બિરાજમાન છે. માતાજીની મૂર્તિ એટલી આકર્ષક છે કે જાણે સાક્ષાત માતાજી જ બિરાજમાન છે અને તમામ ખેલૈયાને આશીર્વાદ આપવા પધાર્યા હોય એવી લાગણી અનુભવાય છે.

ફાલ્ગુની પાઠકની નવરાત્રિ હોય અને એમાં વીવીઆઈપી મહેમાનો ન આવે એવું તો બને જ નહીં. અગાઉ રિતિક રોશન, અનુપમા સિરિયલ ફૅમ રુપાલી ગાંગુલીની જેમ આ વરસે પણ બૉલિવુડ-ટેલિવુડના અનેક સ્ટાર્સ હાજરી આપવાના છે. એ સાથે રાજ્યના અનેક અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહે એવી શક્યતા છે.

ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકની નવરાત્રિની ખાસ વિશેષતાઓ

– નવરાત્રિનું આયોજન 10 એકરમાં ફેલાયેલા પ્રમોદ મહાજન મેદાનમાં કરવામાં આવ્યું છે.
– ગરબા પ્રેમીઓ માટે 2,00,000 ચોરસફૂટનો વિશાળ ડાન્સ ફ્લૉર બનાવવામાં આવ્યો છે.
– સમગ્ર મેદાનમાં ઉપસ્થિત તમામ ગરબાની મોજ માણી શકે એ માટે સર્વશ્રેષ્ઠ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
– કાર્યક્રમ દરમિયાન સુરક્ષા અને સુચારુ પણે સંચાલન થઈ શકે એ માટે 400થી વધુ સુરક્ષાકર્મી/બાઉન્સર્સ અને 200થી વધુ સ્વયંસેવક ઉપસ્થિત રહેશે.
– સુરક્ષા માટે કાર્યક્રમના સ્થળે 100 સીસીટીવી અને પીટીઝેડ કેમેરા લગાવવામાં આવશે. ઉપરાંત એક હજાર કરતા વધુ કાર માટે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે.
– પૂરા મેદાનને ઝગમગતું રાખવા અનેક ફ્લડ લાઇટ્સ પણ મુકવામાં આવી છે.
– ઘણા ચાહકો ફાલ્ગુની પાઠકને સાંભળવા માટે જ સીઝન પાસ લેતા હોય છે. આવા ચાહકો, સિનિયર સિટીઝન્સને બેસવા માટે પણ સુંદર વ્યવસ્થા ગ્રાઉન્ડ પર કરવામાં આવી છે.
– બુકમાયશો પર પાસનું વેચાણ શરૂ થઈ ગયું છે અને આ વરસે શ્રેષ્ઠ ખેલૈયીઓને આકર્ષક ઇનામો અને સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે જેની જાહેરાત નવરાત્ર કાર્યક્રમ દરમ્યાન કરવામાં આવશે.


Spread the love

Check Also

સેમસંગ ટીવી પ્લસ દ્વારા સેમસંગ સ્માર્ટ ટીવી પર ખાસ વાયાકોમ 18 તરફથી ચાર નવી ફાસ્ટ ચેનલ્સ રજૂ કર્યાની ઘોષણા

Spread the love ગુરુગ્રામ, ભારત 13 નવેમ્બર 2024: ભારતમાં બ્રાન્ડની ફ્રી એડ-સપોર્ટેડ સ્ટ્રીમિંગ ટીવી (ફાસ્ટ) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *