પૂજ્ય મોરારી બાપુની ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનું જગન્નાથ પુરીમાં સમાપન, ભારતના ચાર પવિત્ર ધામોમાંના એકમાં રામકથાનું આયોજન

Spread the love

— દ્વારકાથી જગન્નાથ પુરી સુધીની યાત્રાનું ભગવાન જગન્નાથની પાવન ભૂમિ પર રામકથા સાથે સમાપન; ભારતની વિવિધ આધ્યાત્મિક પરંપરાઓનો થયો સંગમ

જગન્નાથ પુરી, ઓડિશા | ૨૨ નવેમ્બર ૨૦૨૬ | પૂજ્ય શ્રી મોરારી બાપુના નેતૃત્વમાં યોજાઈ રહેલી ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનું 22 નવેમ્બરના રોજ ઓડિશાના જગન્નાથ પુરી ખાતે સમાપન થયું હતું. આ પ્રસંગે બાપુ દ્વારા ભગવાન જગન્નાથની પાવન ભૂમિ પર રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના વિવિધ આધ્યાત્મિક પ્રદેશોમાંથી પસાર થયેલી આ યાત્રાનું દેશના સનાતન ધર્મનાં સૌથી મહત્ત્વપૂર્ણ તીર્થસ્થળોમાંના એક એવા જગન્નાથ પુરી ખાતે સમાપન થયું હતું.

યાત્રાના બીજા ચરણનો પ્રારંભ 14 નવેમ્બરના રોજ દ્વારકાથી થયો હતો. ત્યારબાદ યાત્રા સોમનાથ, ડાકોર, ઉજ્જૈન, નાગપુર, છત્તીસગઢના ચંપારણ, માયાપુર અને કોલકાતા થઈને જગન્નાથ પુરી પહોંચી હતી. આ પહેલાં યાત્રાનો પ્રથમ ચરણ કન્યાકુમારીથી કેદારનાથ સુધી યોજાયો હતો. આમ, ભારતનાં વિવિધ પ્રદેશોમાં આવેલાં મહત્ત્વપૂર્ણ તીર્થસ્થળોને એક આધ્યાત્મિક યાત્રાના માધ્યમથી જોડવામાં આવ્યાં હતાં.

પુરુષોત્તમ ક્ષેત્ર, શ્રીક્ષેત્ર અને નીલાચલ સહિતનાં અનેક પવિત્ર નામોથી ઓળખાતું જગન્નાથ પુરી ભારતની પરંપરાગત ચારધામ યાત્રાનાં ચાર મુખ્ય ધામોમાંનું એક છે. અન્ય ત્રણ ધામોમાં બદ્રીનાથ, દ્વારકા અને રામેશ્વરમનો સમાવેશ થાય છે. શહેરની આધ્યાત્મિક ઓળખના કેન્દ્રસ્થાને ભગવાન જગન્નાથને સમર્પિત શ્રી જગન્નાથ મંદિર આવેલું છે. અહીં ભગવાન જગન્નાથની સાથે તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની પૂજા કરવામાં આવે છે.

જગન્નાથ પુરીનું આધ્યાત્મિક મહત્ત્વ માત્ર મંદિર પૂરતું સીમિત નથી. અહીં યોજાતી વાર્ષિક રથયાત્રા સનાતન ધર્મમાં સામૂહિક ભક્તિની સૌથી લોકપ્રિય પરંપરાઓમાંની એક છે. આ રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના ભવ્ય સુશોભિત રથોની યાત્રામાં જોડાય છે. આ પરંપરા ભગવાનના મંદિરની બહાર આવીને ભક્તોને દર્શન આપવાના ભાવનું પ્રતીક છે.

શ્રી ચૈતન્ય મહાપ્રભુ સાથેનું જગન્નાથ પુરીનું જોડાણ પણ આ નગરીના આધ્યાત્મિક મહત્ત્વને વધુ વિશિષ્ટ બનાવે છે. ચૈતન્ય મહાપ્રભુએ પોતાના જીવનનાં અંતિમ વર્ષો ભગવાન જગન્નાથની ભક્તિમાં લીન રહીને અહીં વિતાવ્યાં હતાં. તેના કારણે પુરી કૃષ્ણભક્તિ અને ગૌડિય વૈષ્ણવ પરંપરાના એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થયું છે. આ ઉપરાંત, પુરીમાં ગોવર્ધન મઠ પણ આવેલો છે, જેને પરંપરાગત રીતે આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મુખ્ય મઠોમાંના એક તરીકે માનવામાં આવે છે.

પૂજ્યશ્ શ્રી મોરારી બાપુએ જણાવ્યું હતું કે, “આ ભારત સ્વસ્તિક કથાનું સમાપન જગદંબાના ત્રણ સ્વરૂપો – મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાળીની દિવ્ય ઊર્જા દ્વારા થયું છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ યાત્રા ત્રિભુવન ગુરુ મહાકાળની દિવ્ય કૃપાથી શક્ય બની છે.

ઓડિશાનું સ્વસ્તિક, વિશેષ કરીને જગન્નાથ પુરીનું સ્વસ્તિક, ત્રણ દિવ્ય સ્વરૂપો દ્વારા પ્રસ્તુત થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ પ્રેમનું, બલરામ સત્યની શક્તિનું અને દેવી સુભદ્રા કરુણાનું પ્રતીક છે. આ ત્રણેયની સાથે ચૈતન્ય મહાપ્રભુ પણ આ આધ્યાત્મિક સ્વસ્તિકનો અભિન્ન હિસ્સો છે.

આ પવિત્ર યાત્રા દ્વારા જે સ્વસ્તિકનું નિર્માણ થયું છે તે શાશ્વત છે. તે કાળાતીત અને ચિરંતન છે, તેને ક્યારેય કોઈ ભૂંસી શકશે નહીં.”

સંતકૃપા સનાતન સંસ્થાન દ્વારા આયોજિત ભારત સ્વસ્તિક યાત્રા સનાતન ધર્મના આદર્શો થકી ભારતનાં પવિત્ર તીર્થસ્થળો અને વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓને એકસૂત્રમાં જોડવાનો પ્રયાસ છે. દેશનાં વિવિધ મહત્ત્વપૂર્ણ તીર્થસ્થળોને જોડતી આ યાત્રાનો ઉદ્દેશ ભારતની સભ્યતાગત ઓળખને આકાર આપનાર આધ્યાત્મિક પરંપરાઓ અને સહિયારાં મૂલ્યોને ઉજાગર કરવાનો છે.

ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનું સમાપન જગન્નાથ પુરી ખાતે થવાના મહત્ત્વ અંગે મિરાજ ગ્રૂપના ચેરમેન અને સંતકૃપા સનાતન સંસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી મદન પાલીવાલે જણાવ્યું હતું કે, “ભારતની આધ્યાત્મિક ચેતનામાં જગન્નાથ પુરીનું અનોખું સ્થાન છે. ભારતની ચારેય દિશાઓને જોડતાં ચાર પવિત્ર ધામોમાંનું એક હોવાને કારણે તેનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન જગન્નાથ સાથે જોડાયેલી પરંપરાઓ ભક્તિ, સર્વસમાવેશકતા અને સામૂહિક સહભાગિતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ મૂલ્યો ભારત સ્વસ્તિક યાત્રાના ઉદ્દેશ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.”

ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણ દરમિયાન આશરે 1,000 શ્રદ્ધાળુઓ બે વિશેષ ટ્રેનો – કૈલાસ ભારત ગૌરવ અને ચિત્રકૂટ ભારત ગૌરવમાં પૂજ્ય મોરારી બાપુ સાથે જોડાયા હતા. આ બંને ટ્રેનોમાં અનુક્રમે 22 અને 16 કોચ હતા. વિશેષ વ્યવસ્થા સાથે યોજાયેલી આ રેલયાત્રામાં દેશના વિવિધ પ્રદેશોના શ્રદ્ધાળુઓ એકસાથે જોડાયા હતા, જે યાત્રાની સામૂહિક સહભાગિતા અને સહિયારા આધ્યાત્મિક અનુભવની ભાવનાને દર્શાવે છે.

યાત્રાનાં બંને ચરણો – કન્યાકુમારીથી કેદારનાથ અને દ્વારકાથી જગન્નાથ પુરી સુધીની યાત્રા – ભારતનાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાંથી પસાર થઈ હતી. આ યાત્રાએ વિવિધ આધ્યાત્મિક પરંપરાઓ, ઐતિહાસિક સ્થળો અને નદી-પ્રણાલીઓ સાથે જોડાયેલા પ્રદેશોને એકસાથે આવરી લઈને દેશની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાનું દર્શન કરાવ્યું હતું.

આ યાત્રાનો માર્ગ ભારતના રાષ્ટ્રગીત જન ગણ મનની ભાવના સાથે પણ સુસંગત રહ્યો હતો. રાષ્ટ્રગીતમાં પંજાબ, ગુજરાત, મરાઠા પ્રદેશ, દ્રવિડ, ઉત્કલ અને બંગાળ સહિતના વિવિધ પ્રદેશો તેમજ ગંગા-યમુના, હિમાલય અને મહાસાગરનો ઉલ્લેખ કરીને ભારતની વિવિધતાને ઉજાગર કરવામાં આવી છે. યાત્રા દરમિયાન અન્ય અનેક નદીઓ સાથે સંકળાયેલા પ્રદેશોમાંથી પસાર થવાથી ભારતનાં કુદરતી અને સાંસ્કૃતિક પરિદૃશ્યો વચ્ચેની આંતરસંબંધિતતા પણ ઉજાગર થઈ હતી.

પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથાઓ સત્ય, પ્રેમ અને કરુણા – આ ત્રણ શાશ્વત મૂલ્યો પર આધારિત છે. તેમના માટે આ યાત્રા પણ આ જ મૂલ્યોની અભિવ્યક્તિ સમાન રહી હતી, જેમાં આધ્યાત્મિકતા અને સહિયારા વારસા દ્વારા વિવિધ સમુદાયો અને લોકોને એકસાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

યાત્રા દરમિયાન યોજાયેલી રામકથા અને અન્ય તમામ કાર્યક્રમો નિઃશુલ્ક રાખવામાં આવ્યા હતા અને તમામ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા હતા. દરેક સ્થળે ભંડારા (શાકાહારી સામૂહિક ભોજન)નું આયોજન પ્રસાદ સ્વરૂપે કરવામાં આવ્યું હતું.

=== === === === === ===


Spread the love

Check Also

પશ્ચિમ ભારતની સૌપ્રથમ સ્કાયવોકર™ ઓર્થોપેડિક રોબોટિક સિસ્ટમનું અમદાવાદની ક્યુરિસ હોસ્પિટલ ખાતે લોન્ચિંગ

Spread the love અમદાવાદ, ગુજરાત | ૨૪ નવેમ્બર ૨૦૨૬ | અમદાવાદની ક્યુરિસ હોસ્પિટલ પશ્ચિમ ભારતમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *