અમદાવાદ, ગુજરાત | ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ | ભારતના ત્રણ અગ્રણી ગોલ્ફરો — સપ્તક તલવાર, વીર અહલાવત અને યુવરાજ સંધુ માટે તાજેતરમાં જાપાનના આઇચી-નાગોયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતીય ટીમની જર્સી પહેરીને દેશનું પ્રતિનિધિત્વ કરવું ગૌરવ અને રોમાંચની અનોખી ક્ષણ બની રહી હતી.
એશિયન ગેમ્સમાં ભારતની પુરુષ ગોલ્ફ ટીમ ભલે મેડલ જીતવામાં સફળ ન રહી હોય, પરંતુ આ ત્રણેય ખેલાડીઓ જાપાનથી એક મૂલ્યવાન અનુભવ લઈને પરત ફર્યા છે. એશિયાના કેટલાક શ્રેષ્ઠ ગોલ્ફરો સામે દબાણ હેઠળ રમવાનો આ અનુભવ તેમના માટે કારકિર્દીની મહત્ત્વપૂર્ણ મૂડી સાબિત થઈ શકે છે. આ સ્પર્ધામાં અંતે વિજેતા બનેલા અને પીજીએ ટૂરના વિજેતા ટોમ કિમ તેમજ ભૂતપૂર્વ ઇન્ડિયન ઓપન ચેમ્પિયન કેઇતા નાકાજિમા જેવા ખેલાડીઓનો પણ સમાવેશ થતો હતો, જેઓ ટૂંક સમયમાં પીજીએ ટૂર સાથે જોડાવાના છે.
કારકિર્દીના મહત્ત્વપૂર્ણ તબક્કે મળેલો આ અનુભવ હવે ત્રણેય ખેલાડીઓ માટે ખાસ મહત્ત્વ ધરાવે છે. આગામી 15થી 18 ઑક્ટોબર દરમિયાન દિલ્હી ગોલ્ફ ક્લબ ખાતે યોજાનારી ડીપી વર્લ્ડ ઇન્ડિયા ચેમ્પિયનશિપમાં તેઓ પોતાની આગવી સફર અને નવા આત્મવિશ્વાસ સાથે ઉતરશે.
આઇચી-નાગોયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં સપ્તક તલવાર અને વીર અહલાવતે વ્યક્તિગત સ્પર્ધામાં સંયુક્ત રીતે છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું, જ્યારે ભારતીય ટીમે પણ છઠ્ઠું સ્થાન હાંસલ કર્યું હતું. યુવરાજ સંધુ વ્યક્તિગત સ્પર્ધામાં સંયુક્ત રીતે 24મા સ્થાને રહ્યા હતા.
એશિયન ગેમ્સનો આ અનુભવ ડીપી વર્લ્ડ ઇન્ડિયા ચેમ્પિયનશિપ જેવા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મંચ પર તેમના માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. વર્લ્ડ ટૂર અને ડીપી વર્લ્ડ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ટુર્નામેન્ટની ટિકિટનું વેચાણ હાલમાં ‘ડિસ્ટ્રિક્ટ’ પ્લેટફોર્મ પર ચાલુ છે. આ સ્પર્ધાની કુલ ઇનામી રકમ 40 લાખ અમેરિકી ડૉલર છે, જે ભારતમાં યોજાતી ડીપી વર્લ્ડ ટૂરની કોઈપણ સ્પર્ધા માટે અત્યાર સુધીની સૌથી મોટી ઇનામી રકમ છે.
આ ત્રણેય ભારતીય ખેલાડીઓ માટે આ સ્પર્ધાનું મહત્ત્વ એટલા માટે પણ વિશેષ છે કે તેમને રોરી મેકઇલરોય, વર્તમાન ચેમ્પિયન ટોમી ફ્લીટવુડ, ધ ઓપન ચેમ્પિયન રાયન ફોક્સ, જસ્ટિન રોઝ, શેન લોરી, પેટ્રિક રીડ, લ્યુક ડોનાલ્ડ અને પીજીએ ચેમ્પિયનશિપ વિજેતા એરોન રાય જેવા વિશ્વસ્તરીય ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવાની તક મળશે.
બોક્સ : સપ્તક તલવારની સતત સફળતાભરી સફર
સપ્તક તલવાર માટે આ પ્રગતિ વિશેષ નોંધપાત્ર રહી છે. 27 વર્ષીય આ ગોલ્ફર ચાલુ સિઝનમાં ડીપી વર્લ્ડ પીજીટીઆઇમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ભારતીય ખેલાડીઓમાં અગ્રેસર રહ્યા છે અને ઓર્ડર ઑફ મેરિટમાં ટોચનું સ્થાન ધરાવે છે. તેમણે ઇન્ડોરામા વેન્ચર્સ ઓપનનો ખિતાબ જીત્યો છે. આ ઉપરાંત, ડીપી વર્લ્ડ–પીજીટીઆઇ ઓપનમાં બીજું અને આંધ્ર ઓપનમાં ત્રીજું સ્થાન મેળવીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. જમ્મુ-કાશ્મીર ઓપન, કોલાર અને ચેન્નઈમાં પણ તેમણે ટોચના 10 ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું હતું, જ્યારે અન્ય અનેક ટુર્નામેન્ટમાં ટોચના 15માં સ્થાન હાંસલ કર્યું હતું. એશિયન ગેમ્સ પહેલાં જ યોજાયેલી બેંગલુરુ ઓપનમાં પણ સપ્તક તલવાર અને વીર અહલાવતે સંયુક્ત રીતે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ડીપી વર્લ્ડ પીજીટીઆઇની ઓર્ડર ઑફ મેરિટ રેસમાં સપ્તક અત્યારે અગ્રેસર છે. એશિયન ગેમ્સમાં સપ્તકે પ્રથમ રાઉન્ડમાં ચાર અંડર પાર એટલે કે 66ના સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ બીજા રાઉન્ડમાં 68નો સ્કોર નોંધાવ્યો અને અંતિમ રાઉન્ડમાં ફરી 66નો સ્કોર કરીને સંયુક્ત છઠ્ઠું સ્થાન હાંસલ કર્યું હતું. સપ્તક માટે આ માત્ર સારા પરિણામની વાત નહોતી, પરંતુ ચાર રાઉન્ડ દરમિયાન દેશનું પ્રતિનિધિત્વ કરવાની સાથે જોડાયેલી અપેક્ષાઓ અને દબાણનો સામનો કરવાનો મહત્ત્વપૂર્ણ અનુભવ પણ હતો. હવે તેઓ આ જ આત્મવિશ્વાસ સાથે દિલ્હી ખાતેની ચેમ્પિયનશિપમાં ભાગ લેવા સજ્જ છે.
બોક્સ : વીર અહલાવતનો સંઘર્ષ અને શાનદાર ડેબ્યુ
વીર અહલાવતની સફર પણ એટલી જ પ્રેરણાદાયી રહી છે. 2024ના પીજીટીઆઇ ઓર્ડર ઑફ મેરિટ ચેમ્પિયન અહલાવતે ચાલુ સ્થાનિક સિઝનમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. ભલે તેઓ કોઈ ટુર્નામેન્ટનો ખિતાબ જીતી શક્યા ન હોય, પરંતુ 12 ટુર્નામેન્ટમાં નવ વખત ટોચના 10 અને સાત વખત ટોચના પાંચ ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું હતું. બેંગલુરુ ઓપનમાં સપ્તક તલવાર સાથે સંયુક્ત ત્રીજું સ્થાન મેળવતાં પહેલાં તેઓ તેલંગાણા ઓપન, તેલંગાણા ગોલકોન્ડા માસ્ટર્સ, ચેન્નઈ ઓપન અને નવા રાયપુર ઓપનમાં ત્રીજા સ્થાને રહીને ટોચના 10માં સ્થાન મેળવી ચૂક્યા હતા. એશિયન ગેમ્સ દરમિયાન વીર અહલાવતનું પ્રદર્શન દરેક રાઉન્ડ સાથે વધુ સારું બનતું ગયું હતું. પ્રથમ રાઉન્ડમાં 71 અને બીજા રાઉન્ડમાં 68નો સ્કોર કર્યા બાદ તેમણે ત્રીજા રાઉન્ડમાં પાંચ અંડર પાર એટલે કે 65નો શાનદાર સ્કોર નોંધાવી સ્પર્ધામાં મજબૂત પુનરાગમન કર્યું હતું. અંતિમ રાઉન્ડમાં 67નો સ્કોર નોંધાવી તેમણે સપ્તક તલવાર સાથે કુલ નવ અંડર પાર એટલે કે 271ના સંયુક્ત સ્કોર સાથે સ્પર્ધા પૂર્ણ કરી હતી. અહલાવત માટે આ અનુભવ વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે તેનાથી સાબિત થયું છે કે શરૂઆત ધીમી રહી હોવા છતાં તેઓ મજબૂત વાપસી કરી શકે છે અને દબાણ વધે ત્યારે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકે છે. આ ઉપરાંત, તેમને ચાલુ વર્ષે હોટેલપ્લાનર ટૂરનો અનુભવ પણ મળ્યો છે.
બોક્સ : યુવરાજ સંધુ માટે આંતરરાષ્ટ્રીય ગોલ્ફનો નવો પડકાર
યુવરાજ સંધુ દિલ્હી ખાતેની ચેમ્પિયનશિપમાં આંતરરાષ્ટ્રીય ગોલ્ફનો અલગ જ અનુભવ લઈને ઉતરશે. 2025ના પીજીટીઆઇ ઓર્ડર ઑફ મેરિટ વિજેતા સંધુને ડીપી વર્લ્ડ ટૂર માટે પ્રમોશન મળ્યું હતું. ત્યારથી તેમણે ચાલુ સિઝનનો મોટાભાગનો સમય યુરોપમાં પૂર્ણ સમયના વ્યાવસાયિક ગોલ્ફની સ્પર્ધાત્મક જરૂરિયાતો અને પડકારોને સમજવામાં વિતાવ્યો છે. તેમની આ સફર પડકારજનક રહી છે, પરંતુ એશિયન ગેમ્સ પહેલાં જ તેમણે નોંધપાત્ર સફળતા મેળવી હતી. ‘ફેડએક્સ ઓપન ડી ફ્રાન્સ’માં તેમણે ચાર રાઉન્ડમાં અનુક્રમે 67, 68, 69 અને 69નો સ્કોર નોંધાવી કુલ 11 અંડર પાર એટલે કે 273ના સ્કોર સાથે સંયુક્ત 13મું સ્થાન મેળવ્યું હતું. ડીપી વર્લ્ડ ટૂરની આ સિઝનમાં તેમનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ સ્પર્ધા પૂર્ણ કર્યા બાદ તેઓ સીધા નાગોયા પહોંચ્યા હતા. જોકે, ખરાબ હવામાનને કારણે તેમને અભ્યાસ માટે મર્યાદિત સમય મળ્યો હતો, તેમ છતાં તેમણે મક્કમતા જાળવી રાખી હતી. આ પરિણામ ડીપી વર્લ્ડ ઇન્ડિયા ચેમ્પિયનશિપમાં સંધુના પ્રદર્શન માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ડીપી વર્લ્ડ ટૂરના ઉચ્ચ સ્તરના ગોલ્ફ માટે જરૂરી માપદંડોનો તેમને પ્રત્યક્ષ અનુભવ મળી ચૂક્યો છે. હવે તેમને ફરી એકવાર એ જ સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરવાની તક મળશે, પરંતુ આ વખતે એવા મેદાન અને વાતાવરણમાં, જેનાથી તેઓ વધુ પરિચિત છે.
દિલ્હીમાં યોજાનારી આ સ્પર્ધા સામાન્ય સ્થાનિક પીજીટીઆઇ ટુર્નામેન્ટ કરતાં અનેક રીતે અલગ હશે. રમતની ગતિ, ખેલાડીઓનું સ્તર, સ્પર્ધા પ્રત્યેનું વૈશ્વિક ધ્યાન અને પ્રતિસ્પર્ધીઓની ગુણવત્તા — દરેક બાબત તેને વિશિષ્ટ બનાવશે. જોકે, સપ્તક તલવાર, વીર અહલાવત અને યુવરાજ સંધુ જાપાનમાં એશિયન ગેમ્સ દરમિયાન આવા જ સ્પર્ધાત્મક વાતાવરણનો અનુભવ મેળવી ચૂક્યા છે.
ભારતીય ગોલ્ફ માટે આ ત્રણેય ખેલાડીઓની ભાગીદારી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેમની સાથે ખાલિન જોશી અને શૌર્ય ભટ્ટાચાર્ય જેવા ખેલાડીઓ તેમજ શુભંકર શર્મા અને અનિર્બાન લાહિરી જેવા જાણીતા ગોલ્ફરોની હાજરી સ્પર્ધાને વધુ રોમાંચક બનાવશે.
સ્થાનિક ખેલાડીઓ વચ્ચેની તીવ્ર સ્પર્ધા અને વિશ્વસ્તરીય ગોલ્ફરોની હાજરીને જોતાં ડીપી વર્લ્ડ ઇન્ડિયા ચેમ્પિયનશિપનું આ સપ્તાહ ભારતીય ગોલ્ફ માટે યાદગાર અને નોંધપાત્ર સાબિત થવાની અપેક્ષા છે.
પ્રાયોજકો અને ભાગીદારો
ડીપી વર્લ્ડ ઇન્ડિયા ચેમ્પિયનશિપને તેના ટાઇટલ સ્પોન્સર ડીપી વર્લ્ડનું સમર્થન પ્રાપ્ત છે. આ ઉપરાંત, પ્લેટિનમ સ્પોન્સર્સ તરીકે હીરો ફિનકોર્પ, એએમ ગ્રીન અને બ્લૂમબર્ગ; પ્રીમિયમ પાર્ટનર્સ તરીકે એડબલ્યુએસ, જીએમઆર એરો અને એચએસબીસી; ઓફિશિયલ પાર્ટનર્સ તરીકે ઓલ્ડાર, એચસીએલ ટેક, ઓમેગા, કોહલર અને એમિરેટ્સ; તેમજ ઓફિશિયલ સપ્લાયર્સ તરીકે બિસલેરી, મેડાંતા, નિકોબાર, ધ ઓબેરોય, હાઉસ ઑફ ગ્લેનફિડિચ, ટેલરમેડ ઇન્ડિયા અને પોકારી સ્વેટ જોડાયેલા છે.
== સમાપ્ત ==
Aajna Samachar